Niranjan Mehta

Tragedy Thriller

4.2  

Niranjan Mehta

Tragedy Thriller

પ્રત્યારોપણ

પ્રત્યારોપણ

6 mins
339


એક પતિ તરીકે અને એક પિતા તરીકેની જવાબદારીઓ જુદી હોય છે અને જ્યારે તે બંનેમાં તે અટવાય છે ત્યારે તેની મૂંઝવણ વર્ણવી શકાય તેમ નથી હોતી.

રંજન પણ આવી જ એક પરિસ્થિતિમાં અટવાયો હતો. તેની પત્નીનું હૃદય સાવ નબળું, એટલે સુધી કે હૃદય પ્રત્યારોપણ સુધી વાત પહોંચી હતી. આમ તો તે માટે જરૂરી પૈસાની કોઈ મુશ્કેલી ન હતી પણ પ્રત્યારોપણ માટે કોઈનું હૃદય મળવું એમ સહેલું થોડું હોય છે? ક્યારે અને કોની પાસેથી તે મળશે તેની કોઈ જાણ હોતી નથી. તેણે એમ પણ સાંભળ્યું હતું કે કોઈ વખત અચાનક તેની સગવડ થઇ જાય છે અને તાત્કાલિક શસ્ત્રક્રિયા પણ કરી લેવાય છે. તેથી તે પરમાત્માને રોજ પ્રાર્થના કરતો કે તેની પત્ની માટે પણ આવી કોઈ તાત્કાલિક વ્યવસ્થા કરી આપ. પણ તેના જેવા કેટલાય લોકો આવી પરિસ્થિતિમાં હોય છે અને આમ જ પરમાત્માને પ્રાર્થના કરતાં હોવા જોઈએ. તેણે વિચાર્યું કે ત્યાં પણ હું કતારમાં ઉભો હોઈશ, પણ તે કતારમાં તેનો ક્રમાંક કેટલો તેની કોઈ જાણકારી ન હતી અને તે મળે તેમ પણ ન હતી!

ઘરમાં પત્નીની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા કરી હતી એટલે રંજન તેના વ્યવસાયમાં વ્યસ્ત રહી શક્યો હતો પણ જીવ તો પત્નીની અવસ્થા પર અટક્યો હતો.

એક દિવસ જ્યારે તે ઓફિસના કામમાં વ્યસ્ત હતો ત્યારે એક ફોન આવ્યો. ફોન પરની વાત સાંભળી તેના હોશકોશ ઊડી ગયા. બે-ત્રણ મિનિટ સુધી તે કશું બોલી ન શક્યો. પછી માંડમાંડ હિંમત આવી અને આભાર કહી જણાવ્યું કે તે થોડીવારમાં તેનો સંપર્ક કરશે.

તરત જ તેના મોટા દીકરા રાજુલને, કે જે તેની સાથે રહી વ્યવસાયમાં મદદ કરતો હતો તેને બોલાવ્યો. ફોન પર જે વાત સાંભળી હતી તે તેને જણાવી અને તેને તરત જ પૂણે જવા જણાવ્યું. તે પણ પરિસ્થિતિ સમજીને તરત જ જવા તૈયાર થયો. રંજને તેને કહ્યું કે તે ઘરે જઈ જરૂરી કપડાં અને પૈસા લઇ જાય પણ ધ્યાન રહે કે તેની મમ્મીને તે જરા પણ ન જણાવે કે તે શા કારણે જઈ રહ્યો છે નહીં તો તેની માનસિક સ્થિતિ બગડી શકે છે. ધંધાને કારણે બહારગામ જાય છે તેટલું જ કહેવાનું અને ભૂલેચૂકે પણ પૂણે જાય છે તેમ તો ન જ જણાવવું.

તમને થશે કે આ પૂણેનો શું માજરો છે?

પૂણેમાં રંજનનો નાનો દીકરો મુંજાલ વધુ અભ્યાસ માટે રહેતો હતો. રંજનને જે ફોન આવેલો તે તેના પૂણે રહેતા એક સંબંધી તરફથી હતો અને તેણે જણાવ્યું હતું કે સ્કૂટર ચલાવતાં મુંજાલને અકસ્માત નડ્યો છે. હોસ્પિટલમાં તો લઇ ગયા છે પણ તે કોમામાં છે. ડોકટરો તેની બચવાની આશા નથી આપતાં એટલે રંજનને ત્યાં તરત બોલાવ્યો હતો. હવે જો રંજન જાતે ત્યાં જાય તો તેની પત્નીને સાચી હકીકત જણાવવી પડે અને તે જણાવવી બહુ જ મુશ્કેલ હતી. જો જવા માટે ધંધાનું બહાનું બતાવે તો તેની પત્નીને ખબર છે કે રંજન ઉંમરને કારણે ધંધા માટે બહારગામ જતા નથી અને તે કામ તેમનો રાજુલ જ સંભાળે છે એટલે જુઠાણું પકડાઈ જાય. વળી ત્યાં ગયા પછી હોસ્પિટલમાં જે દોડાદોડી કરવી પડે તે પણ રંજન એક્લાથી ન થાય જ્યારે યુવાન લોહી કઠિન પરિસ્થિતિમાં પણ યોગ્ય નિર્ણય અને પગલાં લઇ શકે. ફોન દ્વારા પણ તે અને તેનો દીકરો એકબીજા સાથે સંપર્કમાં રહીને કોઈને કોઈ માર્ગ શોધી શકે અને જરૂરી નિર્ણય પણ લઇ શકે.

પૂણે પહોંચ્યા પછી રાજુલે ફોન દ્વારા રંજનને જે વાત મળી હતી તેનું સમર્થન કર્યું. તેણે તે પણ જણાવ્યું કે ત્યાના ડોક્ટર સાથે વાત કરી તો ડોકટરે પણ જણાવ્યું કે તેના માથા પર એવો ઘા લાગ્યો છે કે તેની અસર તેના મગજ પર થઇ છે. જે જગ્યાએ લોહીનો જમાવ થયો છે તે બહુ નાજુક જગ્યા છે અને જો સર્જરીનો વિચાર કરીએ તો પણ તે બચે કે કેમ અને બચે તો પણ તેની બાકીની જિંદગી એક જડવત પથારીવશ વ્યક્તિની બની રહે. તેણે એ પણ કહ્યું કે આ માટેનો નિર્ણય આપણે જ લેવાનો છે અને તે મુજબ ડોક્ટર આગળ પગલાં લેશે.

આ સાંભળી કેટલીક પળ રંજન કશું બોલી ન શક્યો એટલે સામે છેડેથી અવાજ આવ્યો કે પપ્પા તમે કેમ કાંઈ બોલ્યા નહીં? પણ પપ્પા શું બોલે? આવી વિષમ પરિસ્થિતિમાં કોઈ નિર્ણય એકદમ તે જ ઘડીએ કેવી રીતે લેવાય? છેવટે રંજને રાજુલને કહ્યું કે તે આજની રાત ત્યાં રોકાઈ જાય. રાતના વિચાર કરી આગળ શું કરવું તે સવારે તેને જણાવશે.

અનેક વિચારોના વંટોળમાં રંજન આખી રાત સૂઈ ન શક્યો. એક બાજુ દીકરાની જિંદગીનો વિચાર આવે અને સાથેસાથે બીજી બાજુ તેની પત્નીની સલાહ પણ ન લેવાય. કારણ આ વાત તેને જણાવે તો ન કરે નારાયણ તેનું હૃદય બંધ પડી જાય તો? રંજને તેથી બધી બાજુનો વિચાર કરી નિર્ણય લેવાનો હતો. તેની પત્ની જે તેની બાજુમાં સૂતી હતી તેણે એક બે વાર પૂછ્યું પણ ખરૂં કે કેમ આજે ઊંઘ નથી આવતી? શું મૂંઝવણ છે? ધંધાને કારણે આંમ થયુ છે અને એટલે તો રાજુલને મોકલ્યો છે કહી તે વખતે તો રંજને વાત ટાળી દીધી. 

છેક વહેલી સવારે રંજન એક નિર્ણય પર પહોંચ્યો અને તે મુજબ રાજુલને ફોન કરી પોતાનો નિર્ણય તેને જણાવ્યો. એક મિનિટ તો રાજુલ કશું બોલી ન શક્યો પણ પછી ડોક્ટર સાથે વાત કરીશ અને બાદમાં ફોન કરશે તેમ કહ્યું.

થોડા સમય પછી રંજનની પત્નીના ડોકટરે રંજનને ફોન કરી જણાવ્યું કે પત્નીને લઈને તરત જ તેમની હોસ્પિટલ પહોંચો. તેમને માટે કોઈનું હૃદય મળ્યું છે જે આજે જ આવશે અને યોગ્ય પરીક્ષણ બાદ જો તે યોગ્ય રહેશે તો પછી તરત જ તમારી પત્નીમાં બેસાડવામાં આવશે. રંજને તેની પત્નીને આ વાત જણાવી અને તૈયાર કરી.

હોસ્પિટલમાં બધી તૈયારીઓ થઇ ચૂકી હતી અને હૃદય આવવાની રાહ જ જોતા હતાં. હૃદય આવ્યા બાદ તેનું પરિક્ષણ થયું અને ત્યારબાદ બધું ઠીક નીકળ્યું એટલે કલાકોની જહેમત બાદ પ્રત્યારોપણ ક્રિયા પૂર્ણ થઇ.

અંતે બધું સાંગોપાંગ પાર પડ્યું અને થોડા દિવસ બાદ પત્નીને ઘરે લાવ્યા. ઘરે આવ્યા બાદ તે પોતાના મંજુલને યાદ કરીને કહેતી કે તે ક્યારે મને મળવા આવશે. પણ રંજન શું જવાબ આપે?

હાલમાં અભ્યાસને કારણે તે આવી નહીં શકે પણ ફોન પર રોજ તારી ખબર પૂછે છે તેમ કહેતો. પણ આવું કેટલા દિવસ સુધી કરી શકાય? એક દિવસ તો હકીકત જણાવવી પડશે કે તારો દીકરો હવે પ્રત્યક્ષ નહીં આવે. પણ આ વાત તો રંજન કરી શકે તેવી સ્થિતિમાં ન હતો તો કોણ આ વાત કરશે તેનો તેને મૂંઝારો હતો.

તેનો પણ ઉપાય મળી ગયો જ્યારે તેની દીકરી સુધા, જેનું સાસરૂં બહારગામ હતું તે તેની માની ખબર કાઢવા આવી પહોંચી. સાથે સાથે નાનાભાઈના જવાનો શોક પણ વ્યક્ત કરવાનો હતો. પરંતુ તે તેની માને મળે તે પહેલાં રંજને તેને બધી વાતથી વાકેફ કરી અને કેવા સંજોગોમાં તેણે આવો કઠિન નિર્ણય લીધો હતો તે પણ જણાવ્યું. પણ આ વાત તેની માને જણાવવાની તેનામાં હિંમત ન હતી એટલે આજ સુધી તેને મા હકીકતથી અજાણ છે. હવે સુધા તેની સમજશક્તિ અને તેની સ્વસ્થતાથી જ તેની માને સાચવી શકશે તેમ રંજને જણાવ્યું.

પપ્પા તમે ચિંતા ન કરો એમ કહી તે મા પાસે ગઈ. વાત વાતમાં મારી પત્નીએ જણાવ્યું કે તેને મુંજાલને જોવાની અને તેની સાથે વાત કરવાની બહુ ઈચ્છા છે પણ તે હજી સુધી આવ્યો નથી અને આ લોકો તેને તેની સાથે ફોન પર વાત પણ નથી કરાવતાં. ત્યારે સુધાએ જે જવાબ આપ્યો તે સાંભળી હું અવાચક તો થઇ ગયો પણ મનોમન તેનો અત્યંત આભાર માન્યો.

તેણે કહ્યું કે મા, તારો દીકરો તારી પાસે છે અને તું તેના આવવાની રાહ જુએ છે? તું તેના હૃદયના ધબકારા તારા હૃદયમાં અનુભવતી નથી?

એક મિનિટ તો દીકરી શું કહે છે તે તેને ન સમજાયું પણ અંતે તે સમજી ગઈ અને ચોધાર આંસુએ બોલી કે હું પણ કેવી મા છું કે મારો દીકરો મારી પાસે જ છે અને હું અન્ય ઠેકાણે તેને શોધ્યા કરૂં છું.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy