Daxa Ramesh

Drama Inspirational

3  

Daxa Ramesh

Drama Inspirational

પરફેક્ટ કપલ

પરફેક્ટ કપલ

4 mins
8.0K


શર્વરી ચિલ્લાઈ ઊઠી, " ના!, ના!, ને ના!!

હું સૌમિલ સાથે લગ્ન કરીને સુખી નહી થઈ શકું! તમે કેમ સમજતાં નથી?"

મોનાબેન અને મનોજભાઈ વિચારમાં પડી ગયા કે આવું સરસ ઘર પરિવાર અને સૌમિલ દેખાવડો, એક વ્યવસ્થિત છોકરો છે. બધું જોઈ વિચારી, તપાસ કરીને એમની મુલાકાત ગોઠવેલી. છતાંય, આ શર્વરી ના કેમ પાડે છે?

શર્વરીના પપ્પાએ એને માથે હાથ ફેરવતાં પ્રેમથી પૂછ્યું, "બેટી, તને બીજો કોઈ છોકરો પસંદ છે? એવું હોય તો કહી દે દીકરી!"

શર્વરી એ ના પાડતાં કહ્યું, "એવું કાંઈ નથી, ડેડી! તો તો હું સૌમિલ સાથે મીટિંગ ગોઠવ્યા પહેલા જ તમને કહી દવ ને?"

શર્વરી ના મમ્મીએ પૂછ્યું, "પણ, તું કેવી રીતે કહી શકે કે તું સૌમિલ સાથે સુખી નહિ જ થાય? તારે ને સૌમિલને એવી કોઈ વાત થઈ? તું શેના પરથી આવું કહી શકે?"

"મમ્મા !, અમે મળ્યા ત્યારે જે વાત થઈ એના પરથી."

"દીકરી, તમે તો અડધી કલાક કે વધીને કલાકેક માટે જ મળ્યા હતા ને?"

"હાસ્તો, મમ્મા !!"

હવે ફરી શર્વરીના ડેડીએ પૂછ્યું, "તો એ એક કલાકમાં તને એવું તે શું જાણવા મળ્યું કે તું સૌમિલને રિજેક્ટ કરી શકે?"

ત્યારે શર્વરીએ કહ્યું,

"જુઓ, ડેડી, તમે ગોઠવેલી મુલાકાતમાં અમે બન્નેએ જે વાતચીત કરી એના પરથી મને ખબર પડી કે એને વાંચવાનો શોખ છે. મને પીકનીક નો શોખ છે. એને ટીવીમાં સ્પોર્ટ્સ જોવું ગમે મને પિક્ચર! એને જમવામાં સાદું ને સિમ્પલ ઘરનું ખાવાનું પસંદ છે અને મને, ચાઈનીઝ અને પંજાબી ફૂડ વધુ ભાવે છે! એ બિલકુલ ઓછું બોલે છે અને હું ટોકેટિવ!!

આમાં તમે જ કહો, અમારે કોઈ વાત નો મેળ છે?? અમે "પરફેક્ટ કપલ", કે જેને "મેડ ફોર ઈચ અધર" કહી શકાય, એવા ન બની શકીએ."

શર્વરી ના મમ્મી-ડેડી હસી પડ્યા... અને શર્વરી ચિડાઈ ગઈ.

"કેમ , મારી વાતમાં હસવા જેવું શું છે?"

શર્વરીના મમ્મી એ પૂછ્યું, "મેડ ફોર ઈચ અધર" ની ફોર્મેટ હોય ખરી? "

શર્વરી ચૂપ રહી.

ત્યારે, મનોજભાઈએ મોનાબેનને ચૂપ રહેવા ઈશારો કર્યો.

મનોજભાઈ બોલ્યા, "કોઈ વાંધો નહિ, મારી દીકરી! અમે તને ફોર્સ નહિ કરીએ પરંતુ આપણે સૌમિલ માટે ના પાડવાને બદલે થોડો સમય લઈએ તો?"

શર્વરીએ મુક સંમતિ આપી.

બીજે દિવસે, મોનાબેન, મનોજભાઈને કહેવા લાગ્યા, "ચાલો વાત કરો મારી સાથે! "

મનોજભાઈ છાપું વાંચતાં વાંચતાં જ બોલ્યા, " હમ્મ!" મોનાબેને મનોજભાઈનું, છાપું લઈ લીધું અને ફરીથી બોલ્યા, "બોલો જોઉં!!" મનોજભાઈ એની સામે તાકી રહ્યા.. કાંઈ બોલ્યા વગર અને..

મોનાબેન રડમસ અવાજે કહેવા લાગ્યા, "તમે તો મારી સાથે ક્યારેય વાતો જ નથી કરતાં!"

શર્વરીને આશ્ચર્ય થયું કે મમ્મીને આજે શું થઈ ગયું? ડેડી, તો આવા જ છે. એ વખતે તો શર્વરીએ મમ્માને ચૂપ કરાવી. દિવસ પસાર થયો અને બપોર પછી, મોનાબેન એમની ફેવરિટ સિરિયલ જોતાં હતા અને મનોજભાઈએ આવીને, રિમોટ હાથમાં લઈ ન્યૂઝ ચેનલ કરી અને કહેવા લાગ્યા, કે જ્યારે હોય ત્યારે આવા સેન્સ લેસ પ્રોગ્રામ જ જોતી હોય છે, જનરલ નોલેજ વધારવું જોઈએ અને ન્યૂઝ જોવા જોઈએ!"

મોનાબેન કઈ બોલે એ પહેલા જ શર્વરી બોલી ઊઠી, "ડેડી, મમ્મા તો હંમેશા જોવે છે! આજે તમને શું થઈ ગયું છે??"

મોનાબેન ચિડાઈને બોલ્યા, 'રહેવા દે, બેટા! અમારે તો રોજ નું થયું. જો ને એમને બોલવાની ટેવ નહીં, બહાર ફરવા જવાનો જબરો શોખ અને ઘરમાં હોય ત્યારે ગઝલ સાંભળ્યા કરવી!! મારી તો જીન્દગી જ બગડી ગઈ!!"

શર્વરી અચંબિત થઈ ગઈ. એ વિચારી રહી કે આ બધી વાત તો એને બચપણથી ખબર છે કે બન્ને આવા જ છે. પણ,એની મમ્મા અને ડેડીને ક્યારેય ઊંચા અવાજે વાત કરતાં ય નથી જોયા! અને આજે શું થયું??"

મોનાબેન હસી પડ્યા અને મનોજભાઈએ શર્વરી સામે જોયું. શર્વરી હવે ચમકી ગઈ. એ એના મમ્મા અને ડેડીનું નાટક સમજી ગઈ.

મનોજભાઈએ એને પાસે બેસાડી સમજાવી, "જો, સૌમિલને તું પસંદ કરે કે ના પાડે, એ વાત જુદી છે પણ, પરફેક્ટ કપલ જેવું કંઈ હોતું નથી. મારા અને તારી મમ્માના રસ રુચિ કેટલા અલગ જ છે! પણ, એકવાર સંબંધ બંધાયા પછી પ્રેમ હોય તો સમજણ અને મેચિંગ એની મેળે થતાં જાય છે. અને એ માટે પચ્ચીસ વર્ષનું અમારું દામ્પત્ય જીવન જ જોઈ લે ને!!"

શર્વરીને એના મોમ-ડેડ પર ગૌરવ થયું એ મલકાઈ રહી...

અને થોડા દિવસ પછી, મનોજભાઈ અને મોનાબેન કંકોત્રી આપવા નીકળ્યા હતાં. જેમાં ઝગમગતા એમ્બોઝ કરેલા અક્ષર વંચાતા હતાં..

'શર્વરી વેડઝ સૌમિલ'.


Rate this content
Log in

Similar gujarati story from Drama