'પરિવર્તન'
'પરિવર્તન'
સૂસવાટા મારતો પવન ફૂંકાઈ રહ્યો છે. સૌ પોતપોતાના ઘરમાં ભરાઈ ગયા છે. ગામમાં સન્નાટો ફેલાઈ ગયો છે. સંભળાય છે માત્ર પવનના સૂસવાટા! ઝાડના પાંદડા ખરીને ઢગલો થઈ ગયા છે.
એક નાનકડા કાચા મકાનમાંથી વૃધ્ધ માણસની ખાંસીનો અવાજ પવન સાથે ભળી જાય છે. એ અવાજ રીટાના પિતાનો છે. ખાંસી વધતી જતી હતી. બહાર વાવાઝોડું વધારે જોર પકડતું જતું હતું. રીટા પિતાની દવા શોધવા લાગી. જોયું તો દવા પૂરી થઈ ગઈ હતી. ઘરમાં પૈસા પણ ન હતા. તે મુંઝાઈ ગઈ. તેના પિતા ખાંસીથી બેવડ વળી જતા હતા. લાંબા સમયની બિમારીથી તેનું શરીર પણ ક્ષીણ થઈ ગયું હતું રીટાથી પિતાની હાલત જોવાતી ન હતી. તે બધુ જ ભૂલીને બહાર દોડી. પિતાને કહ્યું હું હમણા જ આવું છું.
બહાર નીકળી તે સરપંચના ઘર આગળ આવી. તેને થયું તે મને જરૂર મદદ કરશે. તે તેના ઘરમાં પ્રવેશી. અંદર પ્રૌઢ ઉંમરનો પુરૂષ ગામનો સરપંચ, આવા વાવાઝોડામાં રીટાને આવેલી જોઈ નવાઈ પામ્યો. તે ઘરમાં એકલોજ હતો. તેણે રીટાને આવવાનું કારણ પૂછ્યું. રીટાએ પિતાની દવા માટે ઉછીના રૂપિયા માંગ્યા. રીટાનું રૂપ જોઈને સરપંચની દાનત બગડી..તક પણ સારી હતી. તેણે રીટાને કહ્યું, ચાલ અંદર તને પૈસા કાઢી આપું. બેબાકળી રીટા રુમમાં ગઈ. અચાનક સરપંચ તેના પર તૂટી પડ્યો. તેની ઇજ્જત લૂંટવાનો પ્રયાસ કરવા લાગ્યો. રીટાએ ચીસ પાડી. પરંતુ પવનના વેગમાં તેનો અવાજ ભળી ગયો. તેની ચીસો કોઈ સાંભળી શકે તેમ ન હતું.
એવામાં પવનનો એક જોરદાર સપાટો રુમમાં આવ્યો. દિવાલ પર ટાંગેલી સરપંચની સ્વર્ગસ્થ પુત્રીનો ફોટો નીચે પડ્યો. ઉપરનો કાચ તૂટી નીચે વેરાઈ ગયો હતો. સરપંચની નજર ફોટામાંના પુત્રીના ચહેરા પર પડી. તેની પુત્રી જાણે કહી રહી હતી, તમે આ શું કરી રહ્યા છો? તમારી પુત્રી સમાન ગામની દીકરીની ઇજ્જત લૂંટી રહ્યા છો? ધિક્કાર છે તમને. સરપંચ થરથર કાંપતી રીટા સામે જોઈ રહ્યા.. તેમાં તેને પોતાની પુત્રીનો ચહેરો દેખાયો. તેને પોતના આવા બેહુદા વર્તન બદલ ક્ષોભ થયો. તેનું હ્દય પીગળી ગયું. તેણે રીટાના માથા પર વાત્સલ્ય ભર્યો હાથ મૂકી કહ્યું"બેટા મને માફ કરી દે, હું ભાન ભૂલી ગયો હતો. આજથી તું મારી દીકરી છે. ચાલ હું તારી સાથે આવું છું તારા પિતાની સારવાર હું કરાવીશ''. રીટા અવાક બની સરપંચના આ પરિવર્તનને જોઈ રહી!!
