પરિવારને પ્યાર કરો
પરિવારને પ્યાર કરો
દસેક વર્ષ પહેલાં મારા મિત્રના પરિવારને અકસ્માત થયો હતો. હસતો -રમતો પરીવાર, એકદમ વિખેરાઈ ગયો. જો પાછળ ફરી ને જોઈએ તો લાગે છે કે થોડીક સાવધાનીથી આ અકસ્માત તેમજ થયેલી ઈજા ને ટાળી શક્યા હોત.
મિત્ર, પરિવાર સાથે દસ દિવસ ની એલ. ટી. સી., યાને કી કંપની તરફ થી દર બે વર્ષે મળતી ભારત દર્શન કરવા મળતી ફેમિલી પીકનીક માં જમ્મુ -કશ્મીર ગયા હતા. નોકરીયાત લોકો માટે આ એલ. ટી. સી. ની વ્યવસ્થા એટલા માટે કરવામાં આવી છે કે જેને લીધે કર્મચારીઓ ને પરિવાર સાથે દેશના અલગ અલગ પર્યટન સ્થળ પર થોડો સમય ગાળવા મળે, દેશના પર્યટન સ્થળનો વિકાસ થાય, દેશ ની એકતા - અખંડતા મજબૂત થાય અને કર્મચારી તણાવ મુક્ત થાય. મેં પણ આવા ઘણા એલ ટી સી કાર્યક્રમનો લાભ લીધો છે.
જે જગ્યાએ મિત્ર રહેતો હતો, તેનાથી નજીક નું રેલવે સ્ટેશન 70-80 કી. મી. દૂર છે. તેથી વહેલી સવારે પોતાની કાર લઈને તેઓ રેલવે સ્ટેશન પર ગયા અને ત્યાંથી ટ્રેન માં દિલ્હી પહોંચ્યા. દિલ્હીથી પ્લેન માં શ્રીનગર ગયા. શ્રીનગર માં જ રોકાઈ ને આસપાસ ના બધા લોકેશન જેવા કે દાલ લેક,મુઘલ ગાર્ડન, લાલ ચોક, સોનમર્ગ, ગુલમર્ગ તથા અન્ય જોવા લાયક સ્થળ પર ફર્યા. પછી રોડ રસ્તે જમ્મુ આવ્યા. ત્યાં કતરા માં શ્રી માતા વૈષ્ણવ દેવી ના દર્શન કરી, પટની ટોપ પણ ફર્યા. જમ્મુ ના લોકલ સ્થળ નો આનંદ માણ્યો. પરિવાર ખુબ જ ખુશ હતું કારણ કે થોડાજ દિવસ માં ઘણું બધું ફરવા મળ્યું હતું. ઘણા સમયથી આવી રીતે બહાર નીકળવાનો મોકો જ મળતો ન હતો. ત્યાર પછી પરિવાર ઘર તરફ પાછું ફર્યું. પ્લેન થી દિલ્હી અને વહેલી સવારે રેલવે દ્વારા નજીકના શહેરમાં.
આ શહેર પોતાના ઘરની સૌથી નજીક નું શહેર હોવાથી, વાર તહેવારે ખરીદી પણ અહીંથી જ કરવામાં આવતી. પોતાની કાર, જે જતી વખતે રેલવે ના પાર્કિંગ મેં મૂકી હતી, તે લીધી. ટુર નો ખુબજ થાક લાગ્યો હતો, અને તેમાંય, મિત્ર પરિવાર ના બીજા સભ્યો કરતા વધારે થાકી ગયો હતો. છતાં, પરિવાર ની ઈચ્છા હતી કે આજે રવિવાર છે તેથી આખો દિવસ આ શહેર માં ફરીયે, ખરીદી કરીયે અને સાંજે ઘર તરફ જશુ. મિત્ર ને થયું ચાલો, રાત્રે આરામ કરીશું. આખા દિવસ ની દોડધામ પછી, કાર લઈને ઘર તરફ નીકળ્યા.
ઘર, જે મેં બતાવ્યા પ્રમાણે, 70-80 કી.મી. દૂર હતું. રોડ સિંગલ પટ્ટીનો હતો. મિત્ર ને થાક તથા ઘર પહોંચવાની ઉતાવળ. મિત્ર ખુબ જ સમજુ હતો અને પોતાની સલામતી પ્રત્યે સભાન પણ. તેથી, ખુબ જ સાવધાની થી પણ જેટલું જલ્દી પહોંચી જવાય તેવા ધ્યેય સાથે તે કાર ચલાવતો હતો. તેની, બાજુમાં ભાભીજી બેઠેલ હતા, તો પાછળ ની સીટમાં તેનો છોકરો અને છોકરી હતા. આગળ જતા, રોડવેઝ ની બસ જતી હતી, તેની પાછળ પહોંચ્યા. કાર સ્પીડ માં જ હતી. સાઈડ માટે હોર્ન માર્યું, તો બસ થોડી ડાબી બાજુ ડબાણી. સ્પીડ માંજ કાર ને બસ ની રાઈટ સાઈડ થી ઓવરટેક કરવાં માટે કર ની સ્પીડ થોડી વધારી. ત્યાં જોયું કે સામેથી સ્પીડથી ટેમ્પો આવતો હતો. હકીકતમાં, બસે સાઈડ માટે નહીં, પણ સામેથી વાહન માટે ગાડી ડાબી બાજુ દબાવી હતી. મિત્ર એ બચવા માટે બ્રેક મારી, પણ મોડું થઈ ચૂક્યું હતું. જોરદાર અવાજ સાથે કાર અને ટેમ્પો સામસામે ટકરાયા. જોરથી બ્રેક મારવાથી ભાભાજી, સીટ પરથી ઉછળ્યા અને કારમાંથી નીકળી રોડ પર પડ્યા. બંને બાળકો, પાછળની સીટ પરથી ઉછળ્યા અને કાર સાથે અથડાઈ ને આગળની સીટ પર પડ્યા. ભાભાજી નું ઓન ધ સ્પોટ મૃત્યુ થયું, બંને બાળકો ને ગંભીર ઈજા થઈ, જયારે મિત્ર, કે જેણે સીટબેલ્ટ પહેર્યો હતો, તેને મામૂલી ઈજા થઈ. રોડ પર ના રાહદારી લોકો એ, તેઓને શહેરની હોસ્પિટલ માં દાખલ કર્યા. બંને બાળકો કે જેઓને મલ્ટી સ્પેશિયાલિટી સારવાર પછી એકાદ મહિના પછી હોસ્પિટલમાંથી તો છુટ્ટી મળી, પણ માને ગુમાવવાના આઘાતમાંથી આજે પણ બહાર નથી આવી શક્યા. મિત્ર, પણ માનસિક રીતે ખુબ જ આઘાત પામેલો અને તેમાંથી બહાર આવતા તેને ઘણો લાંબો સમય લાગી ગયો. હજી પણ, જયારે તે પરિવાર સાથે મુલાકાત થાય ત્યારે અમારી આંખો ભીની થઈ જાય છે.
મિત્રો, મારો આ બનાવ ઉલ્લેખવાનો એક માત્ર ઉદ્દેશ છે, કે કોઈ આવી પીડામાંથી પસાર ન થાય.
મને લાગ્યું કે થોડી સાવધાની આ અકસ્માત અટકાવી શકેત. મારા પ્રમાણે અગત્ય નાં કારણો અને સાવધાની નીચે પ્રમાણે છે.
- દશેક દિવસ ની ટુર અને આખા દિવસ ની રઝળપાટ ને લીધે મિત્ર ખુબ જ થાકી ગયા હતા. તેથી, તેનો રિફ્લેક્સ પાવર ઓછો થઈ ગયો હશે. તેથી, થાકેલા શરીરે ડ્રાયવીંગ ને ટાળવું જોઈએ. તેઓ થોડો સમય આરામ કરીને પછી મુસાફરી કરી હોત તો સારું હતું.
- ઘર જવાની ઉતાવળ ને લીધે, જે ઓવરટેકિંગ માટે સામાન્ય સાવધાની લેવાની હોય, તે પણ ન લીધી. કાર ને સ્લૉ કરીને, જયારે બસ સાઈડ આપે ત્યારે સામેથી વાહન આવે છે કે નહિ, તેની પર ધ્યાન આપ્યા પછી જ ઓવરટેક કરવું જોઈએ. બિન જરૂરી ઉતાવળ અને ઓવર સ્પિડીંગથી બચવું જોઈએ.
- કાર માં બધાયે સીટ બેલ્ટ પહેરવો જ જોઈએ. બેલ્ટ પહેરવાથી, અકસ્માતના સમયે ઈજાથી બચી શકાય છે. મિત્ર, સીટ બેલ્ટ ને લીધેજ બચી ગયો. પરિવારના સભ્યોને પણ આગ્રહ કે દબાણ કરી ને પણ સીટ બેલ્ટ પહેરાવવો જોઈએ.
એક આંકલન પ્રમાણે, દર વર્ષે દોઢ લાખ લોકોના રોડ અકસ્માતમાં મૃત્યુ થાય છે. દરરોજ, 413 લોકો પરિવાર ને છોડીને સ્વર્ગમાં જતા રહે છે. લાખો લોગો ને ગંભીર ઈજા થાય છે. તેથી, અમૂલ્ય માનવ જાત ને બચાવવા માટે રોડ અકસ્માત રોકવા બહુત જરૂરી છે.
મિત્રો, તમે મારી સાથે સહમત હશો કે થોડી સાવધાની પણ અકસ્માત અટકાવવામાં મોટો ભાગ ભજવે છે. તમે તમારા પરિવાર, દોસ્તો કે સગા સંબંધીઓમાં ઉપર બતાવેલ અકસ્માત અને તેને અટકાવવા માટે જાગૃતિ વધારો. તે રીતે તમે સમાજ માટે ખુબ જ મોટી સેવા કરશો.
