એકાંતવાસ યાને આઈસોલેશન
એકાંતવાસ યાને આઈસોલેશન
આજકાલ આઈસોલેશન, કોરોના, પોજીટીવ રીપોર્ટ, નેગેટીવ રીપોર્ટ, પીસી-આરસીટી ટેસ્ટ, સોસીયલ ડીસ્ટન્સ, દો ગજ કી દુરી વગેરે ખુબ જ વાંચવા, સાંભળવા કે જોવા મળે છે. કોરોના એ ખુબ જ કેર (ત્રાસ) ફેલાવી દીધો છે. એક વર્ષ થવા આવ્યું, ઘણા લોકોએ આજીવિકા ગુમાવી તો ઘણાએ જીવન. વ્યક્તિ, સમાજ, દેશ અને વિશ્વ એ ઘણુંબધું ખોયું. છતાં, હજી પણ ક્યારે, કોરોનાથી રાહત મળશે તેનો અણસાર નથી. હું અહી કોઈ દુ:ખદ નહિ, કોરોના ને લીધે જોવા મળેલ સુખદ અનુભવને શેર કરવા માગું છું.
હસમુખ ગોહીલ ને ઘણી સાવધાની રાખવા છતાં કોરોના થયો. તેને અસ્પતાલ ના આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો હતો. આ કોરોના ના શરૂઆત ના સમય, મતલબ મેં ૨૦૨૦ ના સમયની વાત છે. લોકોને કોરોનાનો ચેપ લાગવાનો ખુબ જ ડર હતો. લોકો શું, ડોકટર અને અન્ય મેડીકલ સ્ટાફ પણ ખુબ જ સાવધાનીથી વ્યવહાર કરતા હતાં અને કોરોના પેશન્ટ સાથે અછૂત જેવો વ્યવહાર કરતા હતાં.. આઈસોલેશન વોર્ડ માં રહેવું એટલે જેલની કાળી કોટડી કરતા પણ વધારે માનસિક ત્રાસ થાય તેવો અનુભવ. કોઈ મનોરંજન ના સાધન નહિ. ફોન રાખવાની પણ પરમીશન નહિ. ખાવાનું બે વખત દુરથી થાળીમાં રાખીને સરકાવી દે. એક તરફ કોરોના વિશે જાજી માહિતી નહિ તેથી તેનો ડર અને વળી લોકો નો આવો વ્યવહાર, માણસ ને પાગલ થવામાં કઈ વાર નો લાગે. કદાસ તેથી જ, કોરોના ને લીધે નહિ પણ તેના ડર ને લીધે લોકો મરી જતા હતાં.
હસમુખ નું નસીબ સારું હતું કે તેનો આજે નેગેટીવ રીપોર્ટ આવી ગયો. આજે તેને કાળ કોટડી માંથી મુક્તિ મળી. થોડા લોકો અસ્પતાલ ની બહાર, તે સાજો બહાર આવ્યો, તેથી તેની બહાદુરી પર તાલિયો પાડી ને અભિનંદન આપતા હતાં. પણ , હસમુખ નું મન તે ઉપર લાગતું નો'તું. તે ખુબ જ ઊંડા વિચાર માં પડી ગયો હતો. તેણે ઘર જવાની ખુબજ ઉતાવળ હતી. રીક્ષા મળતા જ તે ઘર પહોચ્યો. ઘર પર તેની પત્ની અને બાળકો, તેના સ્વાગત માટેની તૈયારી કરીને ઊભાં હતાં. હસમુખે એ બધુજ નજર અંદાજ કરીને સીધો ઉપર ના માળે દોડ્યો, જ્યાં તેના બાપુજી છેલ્લા છ મહિનાથી પથારીવશ બીમાર સૂતા હતાં. તે બાપુજી ને રીતસર વળગી ને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. પોતાની કાલી વાલી ભાષા માં બાપુજીની માફી માગવા લાગ્યો. તેણે બાપુજીને કહ્યું કે હવે તમારે અમારી સાથે નીચે જ રહેવાનું છે. અમારાથી ખુબ મોટી ભૂલ થઇ ગઈ. ઘરડા બાપુજી ને આજે તેનો દીકરો પાછો મળ્યો તેવું લાગ્યું. તેની આંખોમા પણ સુખના આસુંથી ભરાઈ ગઈ. તેણે વા'લથી હસમુખ ના ગાલ પર હાથ ફેરવ્યો. હસમુખને આઈસોલેશન વોર્ડના એકાંતવાસે બાપુજીની એકલતાની પીડાનો અહેસાસ કરાવ્યો. કોઈ પણ ગુના વગર, તેઓ બાપુજી ને છ મહિનાથી એકલતાની સજા આપી રહ્યા હતાં.
હસમુખ ના જીવન માં કોરોના ના નેગેટીવ રીપોર્ટે પોજીટીવીટી લાવી દીધી. મિત્રો, એકલતા માણસને કોરી ખાય છે. તેથી, જ્યાં સુધી શક્ય બને તો ઘરના બુજુર્ગો સાથે થોડો સમય ગાળવો જોઈએ. તેઓને પણ ક્યારેક બહાર ફરવા કે સિનેમા જોવા કે આઈસક્રીમ ખાવા સાથે લઈ જવા જોઈએ. તેઓ આપણી સાથે હવે કેટલું રહેવાના છે ? તેવીજ રીતે, ક્યારેક ક્યારેક ઘરની આસપાસ માં રહેતા સિનીયર સિટીજન સાથે મુલાકાત કરવી જોઈએ. અકસ્માતે મુસાફરીમાં મળી જતા સિનીયર સિટીજન સાથે પણ ખુબજ આત્મીય વ્યવહાર કરવો જોઈએ. આવાજ સંસ્કાર નવી પેઢી ને પણ પાડવા જોઈએ. તે જ આપણી સાચી ભારતીય સંસ્કૃતિ છે. અને ત્યારેજ આપણો દેશ સાચી શબ્દોમાં મહાન બનશે.
