દ્રષ્ટિકોણ
દ્રષ્ટિકોણ
આઠ દસ વર્ષ પહેલાની વાત છે. જય, પર્શનલ કામથી દિલ્લી ગયો હતો. વળતા, તે બપોરના સમયે દિલ્હી -મુંબઈ રૂટની ટ્રેઈનમાં સેકન્ડ ક્લાસ સ્લીપરમાં મુસાફરી કરી રહ્યો હતો. રીઝર્વેશન ક્લાસ હોવા છતાં પણ ડબ્બામાં ખાસી ભીડ હતી. કોઈ જમવાની તૈયારી કરતું હતું, તો કોઈ જમતું હતું. કોઈ મોબાઈલ પર ગીત વગાડતા હતાં, તો કોઈ વાતો કરતા હતાં. બધા જાત, ધર્મ કે પછી અન્ય ભેદભાવ વગર ખુશ ખુશાલ, એકદમ મસ્તીથી મુસાફરી કરી રહ્યા હતાં. ડબ્બાનું વાતાવરણ ખુબ જ મજા આવે તેવું હતું. તેથી, જયારે એકલો હોય તો હંમેશા સેકન્ડ સ્લીપરમાં જ મુસાફરી કરવાનું પસંદ કરું. આગલી રાતની મુસાફરી તથા સવારની દોડધામ થી ખુબ થાકી ગયો હતો વળી બપોરના ભોજન અને ટ્રેઈનની મુસાફરી, તેથી જાગતા રહેવાના ઘણા પ્રત્યત્નો છતાં આંખ મીચાઈ ગઈ.
ત્યાં અચાનક બાજુ નાં કમ્પાર્ટમેન્ટમાંથી ઝગડવાનો અવાજ આવતા, જયની આંખ ખૂલી ગઈ. જય કુતુહલવશ ત્યાં ગયો અને જોયું કે મુસાફરોના બે ગ્રુપ કે જેવો નીચેની સીટ પર બેઠા હતાં, તેઓ વચ્ચે ડબ્બાની બારી ખુલ્લી રાખવા કે બંધ રાખવા વિષે તકરાર ચાલતી હતી. એક ફેમિલી કહેતું હતું કે બારી બંધ રહેવા દો કારણે ઠંડી હવા લાગશે, જયારે બીજુ ફેમિલી બારી ખોલવા માટે દબાણ કરતુ હતું. આસપાસનાં કમ્પાર્ટમેન્ટમાંથી પણ લોકો એકઠા થયા હતાં અને આ તમાશો જોયા કરતા હતાં. જય ને નવાઈની વાત તો એ લાગી કે બારી ને તો કાચ હતો જ નહિ, તેથી બારી ખુલ્લી રાખો કે બંધ, કોઈ જ ફરક પડે તેમ નહોતું. જયારે, તેઓનું ધ્યાન આ બાબત પર દોરવામાં આવ્યું, ત્યારે બિન જરૂરી ઝગડાનો અંત, બધાનાં હાસ્ય સાથે સુખદ આવ્યો.
ઘણીવાર, જીવનમાં, દેશમાં આવા નાના મોટા મતભેદ થતા હોઈ છે. જો, આ મતભેદના મૂળ ને, તેમજ તેમાં સામીલ લોકોના મત ને અને આખી પરિસ્થિતિને સમગ્ર 'દ્રષ્ટિકોણ'થી રીતે સમજવામાં અને સમજાવામાં આવે, તો ઘણા બધા ઝગડા ને ટાળી શકાય. મોટા ભાગના ઝગડા કે મનભેદમાં, 'દ્રષ્ટિકોણ' યાની કે પર્સેપ્શન મહત્વનો ભાગ ભજવે છે. આપણે પરિસ્થિતિને કઈ રીતે જોઈએ છીએ, તેના થી જ આપણો 'દ્રષ્ટિકોણ' યાની કે પર્સેપ્શન બને છે. જો આપણે, બીજાના 'દ્રષ્ટિકોણ'થી પણ પરિસ્થિતિ ને ને જોઈએ, તો જ તેને સારી રીતે સમજી શકીએ. પછી, ઝગડવાનું કોઈ કારણ ન રહે. ઘણી વાર, આ પ્રકિયા ને 'રોલ રીવલસર' પણ કહેવામાં આવે છે, મતલબ બીજાના શૂઝમાં પગ મૂકીને તેની પરિસ્થિતિ સમજવી.
ચાલો આપણે નવા 'દ્રષ્ટિકોણ'થી સમસ્યા ને જોવાનો પ્રયાસ કરીયે અને તેનું નિવારણ કરીએ.
