mariyam dhupli

Romance Thriller

4  

mariyam dhupli

Romance Thriller

પરિચય

પરિચય

7 mins
438


"હું ફ્રેશરૂમ જઈ આવ છું." અદિતિ કૉફીશોપના ફ્રેશરૂમ તરફ આગળ વધી. હું ટેબલ ઉપર એકલો પડ્યો. ટેબલ થોડીજ ક્ષણો પહેલા અદિતિને મારા વતી અપાયેલી ભેટ અને કાર્ડથી શોભી રહ્યો હતો. અદિતિને ગમતા લેખકના પુસ્તકોના સેટથી ટેબલ ઉભરાઈ પડ્યો હતો. વેલેન્ટાઈન માટે કૉફીશોપને ફૂલોથી કરાવવામાં આવેલો શણગાર માહોલને ચાર ચાંદ લગાવી રહ્યો હતો. બધુજ યોજનાબદ્ધ ધીમે ધીમે આગળ વધી રહ્યું હતું. 

અદિતિને મારી ભેટ ખુબજ ગમી. અને કેમ ન ગમે ? આમ તો એને ડેટ કરવાના છ મહિના જ થયા હતા. પણ એ છ મહિનામાં હું એને અંદર બહાર દરેક તરફથી સારી રીતે સમજી ચૂક્યો હતો. એના ચહેરા ઉપર સ્મિત કઈ રીતે લઈ આવવું એટલું તો ચોક્કસ શીખી ગયો હતો. બસ મને એને એમજ ખુશ નિહાળવી હતી. જીવનભર. એની ખુશી માટે હું ચંદ્ર અને તારાઓ તો નભમાંથી ન તોડી લાવી શકું. પરંતુ હા, મારી શારીરિક અને માનસિક ક્ષમતાની મર્યાદામાં જે કાંઈ હોય એ હું કરવાનું જાતને વચન આપી ચૂક્યો હતો. અને એકબાર જો મેને કમિટમેન્ટ કર દી, ફિર મેં ખુદકી ભી નહીં સુનતા. હા..હા...

મારા આવા ફિલ્મી સંવાદો અદિતિને ઘણા અકળાવતા. એને ફિલ્મો જોવી ગમતી નહીં. મારી અદિતિ તો આખો દિવસ શું,આખું જીવન પુસ્તકાલયમાં બેસી વાંચી શકે. પુસ્તકનો મોટો કીડો. મારો અને પુસ્તકોનો તો એવો સંબંધ જેવો ધર્મ અને વિજ્ઞાનનો. આમ તો એકબીજાથી જોડેયેલા પણ સ્વીકાર એકેય ન કરે. 

ઘણું બધું હતું જે એકબીજાથી ઘણું જુદું હતું. છતાં કશી અજબની સામ્યતા હતી બન્નેના હૃદયમાં. કદાચ એ અજાયબીજ પ્રેમ કહેવાતી હોય ?

ઘરે હજી વાત કરી ન હતી. મારા મમ્મી પપ્પાને મનાવવું બહુ અઘરું પણ ન હતું. જયારે જણાવીશ એ મોટા હૈયે અદિતિને સ્વીકારી લેશે એની મને પાક્કી ખાતરી હતી. કોઈ પડકાર હતો તો એ અદિતિના માતાપિતાને મનાવવાનો. તેઓ સહેલાઈથી માનવાના ન હતા. દીકરીના માતાપિતા હતા. અદિતિ તરફની એમની ચિંતા અને એમના સ્નેહને સમજી શકવા જેટલી પરિપક્વતા મારા મનમાં કેળવાઈ ચૂકી હતી. અદિતિને વાયદો કર્યો હતો. હું બધું સંભાળી લઈશ. નોકરી મળી ચૂકી હતી. પગાર સારો એવો હતો. પોતાના પગ પર ઊભો હતો અને અદિતિને દિલોજાનથી ચાહતો હતો. બીજું એક માતાપિતાને શું જોઈએ ? ના, જોઈએ. બીજું પણ જોઈએ. સામેવાળા પાત્ર ઉપર વિશ્વાસ. જે કેળવવો ચુટકી વગાડવા જેવું સહેલું તો ન જ હોય.

પણ આપણું હૈયું પણ તૈયાર હતું બોસ. પ્રેમ કરવાથી ન ડર્યા, પ્રપોઝ કરતા ન ડર્યા તો હવે શેનું ડરવાનું ? ને એમ પણ,

યે ઈશ્ક નહીં આસાન,

બસ ઈતના સમજ લીજીયે,

ઈક આગકા દરિયા હે 

ઔર ડૂબકે જાના હે....

 મેં ડાઈવિંગ સૂટ ચઢાવી લીધું હતું. આજે પહેલો ગોતો લગાવવાનો હતો. અદિતિએ મારા વેલેન્ટાઈન્સ ડે માટે ખાસ ભેટ તૈયાર કરી રાખી હતી. પણ એ ગિફ્ટ રેપર ખોલવા જેટલું સહેલું ન હતું. 

આજે અદિતિ એના કુટુંબના સૌથી પહેલા સભ્ય જોડે મારી મુલાકાત કરાવવાની હતી. એટલેકે મારો પહેલો પ્રણય ઈન્ટરવ્યૂ. કેવા પ્રશ્નો પૂછવામાં આવશે, કેવા ઉત્તરો આપવાના છે, કેવી અદાઓ દેખાડવાની છે, કેટલી માત્રામાં હસવાનું છે, કેટલા શબ્દો તોળીને બોલવાના છે...મેં એવી કોઈ તૈયારી કરી ન હતી. એ મારા સ્વભાવમાં ન હતું. આપણે તો પરીક્ષાની અંતિમ ઘડીએ પુસ્તકો ઉઘાડવાવાળા, છેલ્લી મિનિટે પેકીંગ કરવાવાળા. લાંબી લાંબી યોજનાઓ જોડે આપણો મેળ ન બેસે. આપણે તો 'કલ કિસને દેખા હે ' ને ' સોચના ક્યા જોભી હોગા દેખા જાયેગા ' વાળી ફિલોસોફીનાં માણસ. 

બિન્દાસ્ત...છતાં પૂર્ણ આત્મવિશ્વાસ...

અદિતિની બહેન અંગે થોડું સામાન્ય જ્ઞાન હતું. જે અદિતિની વાતો ઉપરથી મેં તારવી રાખ્યું હતું. હાથની પાંચ આંગળીઓ સરખી નહીં. એવુંજ એક જ માતાપિતાના સંતાનોનું પણ. કેવું ગજબ કહેવાય ને ? એકજ જીન્સ, એકજ લોહી, એકજ ગર્ભ, એકજ ઘર...છતાં બધુંજ અલગ. 

અદિતિ આખા બોલી જયારે એની બહેન કાયા મૌન અને શાંત. અદિતિને પુસ્તકો ગમે ને કાયાને રમતગમત. અદિતીને પ્રવાસ, પર્યટનનો શોખ જયારે કાયા ઘર કૂકડી. અદિતિને નોકરી કરવાની ઈચ્છા જયારે કાયાને પોતાનો કોઈ સ્ટાર્ટપ કરવાની ઝંખના. 

અદિતિની વાતો પરથી આટલા મુદ્દાઓ હાથ લાગી ચૂક્યા હતા. જે મારા માટે પૂરતા હતા. હા, મેં કદી કાયાને નિહાળી ન હતી. એ અંતર્મુખી જીવે પોતાની એક પણ તસ્વીર સોશિયલમીડિયા પર અપલોડ કરી ન હતી. જયારે મારી અદિતી તો ફેસબુકથી લઈ ઈન્સ્ટાગ્રામ સુધી છવાયેલી હતી. આ છ મહિનામાં એણે મારી જોડે કેટલી સૅલ્ફીઓ લઈ લીધી હતી એની ગણતરી માંડવા બેસું તો આયખું ખૂટી પડે. જોકે મેં કાયા ને કદી જોઈ નથી એ અંગેની મૂંઝવણ અદિતિ સામે નિખાલસતાથી ધરી હતી. મને હતું કદાચ એના મોબાઈલમા એકની એક બહેન જોડેની તસ્વીર નિહાળવાની તક હાથ લાગી જાય.પણ પ્રત્યાઘાતમાં મળેલા શબ્દોએ મને જબરો ચોંકાવ્યો હતો. 

" વરુણ, કાયાએ કહ્યું છે તું એને ઓળખે છે. સારી રીતે જાણે છે. તસ્વીર જોવાની શી જરૂર ? એમ પણ તું જલ્દીજ એને મળી રહ્યો છે. ધીરજના ફળ મીઠા. "

અદિતિ આટલું કહેતા હસી પડી હતી. પણ મારું મન એણે ચકરાવે છોડી દીધું હતું. 

હું કાયાને જાણતો હતો ? હું એને ઓળખતો હતો ? કોલેજકાળમાં ન તો હું મોટો પ્લેબોય હતો, ન સંત મહાત્મા. અદિતિ જોડે પરિપક્વ સંબંધમાં બંધાવા પહેલા કેટલીક કન્યા મિત્રો રહી હતી મારી. કેટલાક સંબંધો થોડા ઘણા ટક્યા પણ હતા. પણ એ બધામાં કાયા...? શું હું એને અન્ય ઓળખથી મળ્યો હતો ? ક્યાં ? ક્યારે ? કેવી રીતે ? કોઈ સરવાળો બેસી રહ્યો ન હતો. મનમાં મચેલી એ ધમાચકડી અદિતિનો ચહેરો નિહાળી શમી જતી. એને સાચા હૃદયથી ચાહી હતી. અને જો મન પ્રમાણિક હોય સાહેબ તો ગમે તેવા ભયની કોઈ ઓકાત નહીં. 

પરદા નહીં જબ કોઈ ખુદા સે,

બંદોસે પરદા કરના ક્યા ?

જબ પ્યાર કિયા તો ડરના કિયા....

" કૉફી ન આવી ? "

અદિતિ ફ્રેશરૂમ જઈ આવી હતી. ધીમે રહી એ ટેબલ પર ગોઠવાઈ. એના હાવભાવો મને થોડા બદલાયેલા લાગ્યા. ચહેરા ઉપર આત્મવિશ્વાસનો સ્પષ્ટ અભાવ વર્તાઈ રહ્યો હતો. એક ઊંડો શ્વાસ લઈ એણે પોતાના હાથ ટેબલ પર ગોઠવ્યા. એના બન્ને હાથની કોણી પુસ્તકો પર ટેકાઈ ગઈ. 

" એક મિનિટ...આ પુસ્તકો જરા બેગમાં ગોઠવી દઉં."

પોતાની બન્ને કોણી એણે છોભીલા હાવભાવો જોડે પરત ખેંચી લીધી. 

" હા,સ્યોર..."

શહેરની પ્રખ્યાત પુસ્તકની દુકાનના નામથી સજ્જ સુંદર હેન્ડબેગમાં મેં સંભાળીને પુસ્તકો સમેટવા માંડ્યા. એણે પણ મદદ માટે હાથ આગળ વધાર્યો.

" અદિતિ, ચિંતા નહીં કર. સૌ ઠીક થઈ જશે. તારી બહેન તરફથી 'હા'નો થપ્પો પાક્કો. આ મારું વચન છે. "

એણે પોતાના તરફથી એક સુંદર હાસ્ય આપવાનો મહત્તમ પ્રયાસ કર્યો. મારા ચહેરા પર પણ એક લુચ્ચું સ્મિત ફરકી ગયું. 

" ઓર્ડરને ખાસ્સો સમય થયો. હું જોઈ આવ. "

હું પાછળ કાઉન્ટર તરફ પૂછપરછ કરવા પહોંચ્યો. ઓર્ડર તૈયારજ હતો. મેં હાલ પૂરતા ફક્ત બે કૉફીના કપ ઓર્ડર કર્યા હતા. ત્રીજું કપ મહેમાનના આગમન પછી જ ઓર્ડર કરવું યોગ્ય. મેં એક નજર પાછળ કરી. આત્મવિશ્વાસ ભેગું કરતું એક હાસ્ય મારી દિશામાં લહેરાયું. મેં એક ક્ષણ માટે એ ઊંડી આંખોમાં ડૂબકી લગાવી. 

પ્રેમ પણ વિચિત્ર, ભલભલું વર્તન કરાવે છે ! 

સામે તરફથી પણ એ ઊંડી આંખો મારી આંખોમાં ઊંડે ઉતરી ગઈ. કાજલધારી આંખો, સુંદર કાનના ઝુમખા, સફેદ સલવારકમીઝ ઉપર ગુલાબી રંગનો દુપટ્ટો....બધુજ નિહાળી ચૂક્યો હતો છતાં ધ્યાન દઈ ફરી ફરી નિહાળી રહ્યો... એક મિનિટ કરતા વધુ સમય નીકળી ગયો. 

" હિયર યુ આર..."

કાઉન્ટર ઉપરથી સંભળાયેલા શબ્દોથી હું સફાળો થયો. આંખોનો સંપર્ક વિંધાયો. નહીંતર ખબર નહીં ? એ આમ અવિરત કેટલા સમય સુધી જોડાયેલો રહેતે ? 

" કેન આઈ હેવ સમ કૂકીઝ,પ્લીઝ ? "

કૉફી જોડે કેટલાક કૂકીઝ લઈ જવાનો મેં ઓચિંતોજ નિર્ણય લઈ લીધો. 

મારી ઓર્ડર થયેલી કૉફી જોડે કૂકીઝની પ્લેટ પણ શણગારી દેવામાં આવી અને એનો હિસાબ મારા બિલ માટે નોંધી લેવામાં આવ્યો. ટ્રે લઈ હું ત્વરિત મારી રાહ જોવાતી દિશામાં ધપી ગયો. 

" થેન્ક યુ..."

ટ્રેમાંથી એણે એક કપની દાંડીમાં ગુલાબી નેઈલપૉલિશવાળી આંગળી નજાકતથી ભેરવી અને 

કૉફીને શીઘ્ર હોઠ સુધી પહોંચાડી. મેં પણ બીજો કપ હાથમાં લઈ એક ચુસ્કી માણી. 

" કાયાને બહુ સમય લાગ્યો, નહીં ? "

પોતાની કાંડા ઘડિયાળમાં એક નજર કરી એણે એક બિસ્કિટ હાથમાં લીધું. એના સ્વાદથી અંજાઈ ગઈ હોય એવા એના ચહેરાના હાવભાવો નિહાળી જાણે મારા મનમાં અનેરી શાંતિ પ્રસરી ગઈ.

હું થોડો હળવો થયો. 

મારા ચહેરા પર ઉભરાઈ આવેલા માર્મિક સ્મિત જોડે મેં પણ એક નજર મારી કાંડા ઘડિયાળ પર નાખી. સમયની ચકાસણી કરી મેં નજર એની નજરમાં પરોવતાં ધીમેથી કહ્યું,

" યસ, યુ આર રાઈટ. બહુ સમય થઈ ગયો. કાયા, હવે અદિતિને બોલાવી લઈએ ? "

સામે તરફની પહોળી આંખો મારી નજર પર વીંટળાઈ વળી. હાથમાંનો કપ ફરી ટેબલ પર આવી ગયો. બીજા હાથમાંનું બિસ્કિટ ફરી પ્લેટમાં પહોંચી ગયું. હેરતથી થનગની રહેલા ચહેરાના હાવભાવો થોડા સમય સુધી મને અવિશ્વાસમાં શોક્ગ્રસ્ત તાકતા રહ્યા અને પછી હથિયાર નાખી દીધા હોય એમ હાર માની હાસ્યના આવરણમાં વીંટળાઈ વળ્યાં. મોબાઈલથી એક કોલ જોડાયો અને મારી નજર વોશરૂમ તરફ ઉત્સાહસભર જડાઈ ગઈ. હું બેઠક છોડી ઊભો થઈ ગયો. ધીમા ધીમા ડગલે મારી દિશામાં આગળ વધતી અદિતિ આખરે નજર સામે આવી ઊભી રહી ગઈ.

આબેહૂબ કાજલધારી આંખો, આબેહૂબ કાનના ઝુમખા, આબેહૂબ સફેદ સલવાર કમીઝ, આબેહૂબ ગુલાબી દુપટ્ટો, આબેહૂબ નેઈલપોલિશ ને આબેહૂબ ચહેરો.

મારી પડખે ગોઠવાયેલી યુવતીના મનમાં ઉદ્દભવી રહેલા પ્રશ્નોનો ઉત્તર આપી રહ્યો હોવ એમ હું એકીટશે અદિતિને અવિરત નિહાળતો બોલતો ગયો.

" મારી અદિતિ ડાબેરી છે. એ કોઈ પણ વસ્તુ હાથમાં ઉઠાવવા પહેલા ડાબો હાથ આગળ વધારે છે. એ જમણા હાથે પુસ્તકો કઈ રીતે સંકેલે ? મારી અદિતિ પુસ્તકોને જીવથી વધારે ચાહે છે. પુસ્તકો પર કોઈ માથું, કોણી ટેકવી અનાદર કરે એ એને જરાયે ગમતું નથી. મારી અદિતિને આંખોનો લાંબો સંપર્ક અકળાવે છે. ત્રીસ સેકન્ડથી વધુ કોઈ એની આંખોમાં નિહાળે તો એ નજર સંકેલી લે છે. મારી અદિતિ કૉફી જોડે કાંઈ પણ લેતી નથી. કૂકીઝ પણ નહીં. કૉફી જોડે કોઈ પણ અન્ય સ્વાદ ભળે એ એને જરાયે ન ચાલે. મારી અદિતિ કપની દાંડીમાં કદી આંગળી ભેરવતી નથી. એ તો કપને બન્ને હાથની ઉષ્મામાં વીંટાળી લે છે. અને હા, 'થેન્ક યુ' કે 'આભાર' જેવી ઔપચારિકતાઓ સંબંધમાં એનાથી સહેવાતી નથી. ન બોલવા માટે, ન સાંભળવા માટે. રાઈટ ? "

મારા શબ્દોથી ભાવવિભોર થયેલી સામે ઉભેલી મારી અદિતિ મને ગળે આવીને વીંટળાઈ વળી. પ્રેમના એ પ્રવાહમાં મારી અંદરનો કવિ બહાર ઉછળી આવ્યો અને આખા કૉફીશોપના વાતાવરણ પર છવાઈ ગયો. 

" પ્રેમ પરિચય ચહેરાથી કાંઈ થાય ? 

 કાળજી એની ચાવી,

 એ તો જતનથી જ પરખાય."

આખું કોફીશૉપ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યું. પડખેની બેઠક પરથી ગૂંજી રહેલી અદિતિની હમશકલ જોડિયા બહેન કાયાની તાળીઓમાં મને મારા અને અદિતિના સંબંધ અંગેની હામીનો સ્પષ્ટ થપ્પો સંભળાઈ રહ્યો. 


Rate this content
Log in

Similar gujarati story from Romance