Shraddha Bhatt

Romance

2  

Shraddha Bhatt

Romance

પ્રેમનું તરલ ઊંડાણ

પ્રેમનું તરલ ઊંડાણ

11 mins
7.2K


પ્રેમનું તરલ ઊંડાણ

ઇન્ડિયન આર્મીની બખ્તરબંધ જીપ કાશ્મીરનાં વિસ્તારોમાં પેટ્રોલિંગ પર હતી. ખુલ્લી જીપમાંથી પોતાની લાઈટ મશીન ગન(એલ.એમ.જી) સંભાળતો નાયક મહિપાલ બાજ નજરે ચોતરફ ધ્યાન રાખી રહ્યો હતો. ત્યાં જ એની નજર જેલમનાં બંધ પર વળાંક વળતી સડકના કિનારે જઈને રોકાઈ ગઈ. આ જ ધારદાર વળાંક પાસેથી સડક અને ઝેલમ નદી એકબીજાથી દૂર થઇ જતી હતી. ઋતુ અનુસાર ક્યારેક લાલ તો ક્યારેક લીલા અને ભૂરા પાંદડાઓથી સડકને શણગારતું ચિનારનું જુનું વૃક્ષ પણ અડીખમ સડકના કિનારે ઉભું હતું.

બસ એ જ જગ્યાએ, જુના ચિનારના ઝાડ નીચે,આજે પણ એ ત્યાં જ ઉભી હતી. વળાંક આવતા વેંત જ મહિપાલે એને જોઈ લીધી હતી. ‘કદાચ આ પાંચમી વખત હતું. પાંચમી કે છઠ્ઠી ?’ હવે તો એ પણ ભૂલી ગયો હતો મહિપાલ. એની જીપ બિલકુલ એની પાસે પહોંચી ગઈ હતી. પેલા ચિનારની એક લાંબી મોટી ડાળી જે દરેક આવતા જતાં વાહનને અડકવા બેબાકળી હોય એમ જીપને અડી રહી હતી. મહિપાલે એને જોઈ.... ફરી એક વાર... એ આંખો ઊંડે સુધી ઉતરીને જાણે કંઈ કેટલાય સ્પંદનો જગાવી ગઈ! જમણાં હાથેથી પોતાનાં દુપટ્ટાને રમાડતી કૈક અજબ અવઢવમાં લાગતી હતી.
ગળામાં એકદમ અલગ અંદાજમાં લપેટાયેલો પીળો દુપટ્ટો હવામાં થોડી થોડી વારે ફરફરતો હતો. આછા ગુલાબી રંગનો કુરતો અને દુપટ્ટા સાથે મેચ થતો સલવાર. એની આંખો જાણે કંઈ કેટલીય વાતો છુપાવીને બેઠી હોય એવી બોલકી હતી. એક પ્રકારની તરલતા વાંચી શકાતી હતી એ બે આંખોમાં. જાણે કૈંક કહેવા માંગતી હોય! કદાચ કોઈ ઇન્ફોર્મેશન દેવા માંગતી હોય. જીપ તો આગળ નીકળી ગઈ પણ મહિપાલ પોતાની નજર એની પાસેથી હટાવી ન શક્યો. ગરદન દુખી ગઈ ત્યાં સુધી એ પાછળ જોતો રહ્યો.

એની આ હરકત પાછળ આવતી મહિન્દ્રામાં બેઠેલા એની કંપનીના મેજરથી અજાણી ન રહી. મહીપાલે જોયું તો મેજરની આંખોમાં ચોખ્ખી નારાજગી વંચાતી હતી. જયારે જયારે એ ‘હાજીન’ નામની આ બસ્તી પાસેથી પસાર થયો છે આમ જ થયું છે. છેલ્લા પાંચ-છ વખતથી જ.. પાંચ કે છ?

હવે એણે ગણતરી કરવાની બંધ કરી હતી. આમ પણ રોજ રોજની પેટ્રોલિંગની ગણતરી રાખીને ય શું ફાયદો?? આ પહેલાં પણ મહિપાલને વિચાર આવ્યો હતો કે જીપ રોકીને એની સાથે વાત કરી લે,પણ હેડ ક્વાર્ટરનો ઓર્ડર એમ કરવાની મનાઈ ફરમાવતો હતો.  કાશ્મીરી છોકરીઓ સાથે વાત કરવાની સાફ મનાઈ હતી. કાશ્મીરનો મામલો જ એવો હતો કે કંઈ પણ ઘટના બની તો આર્મીવાળાને બળાત્કારી ઘોષિત કરી દેવામાં મીડિયા જરાય વાર ન લગાડે. મેજર શર્મા પણ એટલે જ ગુસ્સામાં હતા.

ફરી એકવાર એ તરલ આંખોએ મહિપાલના મનનો કબજો લઇ લીધો. એ જરૂર કંઈક કહેવા માંગતી હતી પણ કદાચ આ બખ્તરબંધ ગાડીઓ અને એમાંથી દેખાતી એલ.એમ.જી સાથેની સિપાહીઓની કરડાકીભરી સૂરત જોઇને ડરીને રોકાઈ જતી હશે! ફરી એકવાર એણે પાછળ ફરીને જોયું. લાંબા દેવદાર વૃક્ષો જાણે ઝડપથી દોડતા પાછળ જઈ રહ્યા હોય એવું લાગતું હતું; જાણે એમને પણ મહિપાલ જેટલી જ ઉતાવળ થઇ આવી હતી એ અજાણી આંખોને વાંચવાની. મહીપાલે મનોમન કશોક વિચાર કર્યો અને પેટ્રોલિંગ પતે એની રાહ જોવા લાગ્યો.

ગોધૂલીટાણું થવા આવ્યું હતું જયારે મહિપાલ પેટ્રોલિંગ પતાવીને પોતાના કેમ્પ પર પાછો આવ્યો. ધૂળથી લથબથ યુનિફોર્મ, દિવસ ભારનો થાક અને કલાકો સુધી ખૂલી જીપમાં મશીનગન સંભાળીને અકડાઇ ગયેલી કમર. આ બધાંથી મુક્તિ મેળવવાનો એક જ ઉપાય હતો, ગરમ પાણીથી સ્નાન. હજી તો ઓક્ટોબર મહિનાની શરૂઆત જ હતી પણ કાશ્મીરની ઠંડી પોતાનું વિકરાળ સ્વરૂપ દેખાડી રહી હતી. એક તરફ મન થાય કે સરસ મજાના ગરમ પાણીથી શરીરનો થાક દૂર કરી દઈએ, અને બીજી તરફ કપડા કાઢીને ગરમ પાણીનો એક મગ શરીર પર નાખવો એ જ એક મહા મુસીબત ભરેલું કામ બની જાય આ ઠંડીમાં. ખેર, જેમતેમ કરીને મહિપાલે એ દુર્ગમ કામ નીપટાવ્યું અને જલ્દીથી મેજર શર્માને મળવા જતો રહ્યો.

લગભગ અઠવાડિયાની શોધખોળ અને જાસુસી પછી મહિપાલને એ ખૂબસૂરત અજાણી છોકરી વિષે જાણકારી મળી હતી. મેજર પાસેથી પરમીશન લીધા પછી જ એણે આ ભગીરથ કામ ઉપાડ્યું હતું. જે માહિતી મળી હતી એના અનુસાર હાજીન નામના નાના એવા વિસ્તારમાં રહેતી કાશ્મીરી કન્યા એટલે નજમા. ઉંમર લગભગ ઓગણીસ વર્ષ. પિતાનું નામ અહમદ અલી. સી.આર.પી.એફ વાળાનો માહિતગાર.

કાશ્મીરમાં છુપાયેલા આતંકવાદીઓની ખબર દેવાવાળો. અહમદને બે વર્ષ પહેલાં જ આતંકવાદીઓએ મારી નાંખ્યો હતો. નજમા હવે પોતાની મા અને નાના ભાઈ સાથે રહેતી હતી. એના નાના ભાઈને તો મહિપાલ બરાબર ઓળખતો હતો. એક દિવસ સાયકલ પરથી પડી ગયો હતો ત્યારે મહિપાલે જ એની સારવાર કરી હતી. નજમાના પિતા સી.આર.પી એફનાં ખબરી હતા એટલે નજમા પાસે કોઈ પાકી ખબર હોવી જોઈએ એવી મહિપાલની આશા વધુ દૃઢ બની. મેજર સાથે નક્કી કર્યા મુજબ કાલે બપોર પછી હાજીન તરફ પેટ્રોલિંગ માટે જવાનું નક્કી થયું.

ઓક્ટોબરની શરૂઆતની ઠંડી આખાય કેમ્પમાં પોતાનો અડ્ડો જમાવીને બેઠી હતી. એક તરફ નિશબ્દ સન્નાટો અને બીજી તરફ કડકડતી ઠંડી. આ બેમાંથી કોણ વધુ કાતિલ એ કહેવું મુશ્કેલ હતું. મહિપાલની તો ઊંઘ હરામ થઇ ગઈ હતી. સવાર પડતાં જ એને ચટપટી થઇ આવી હાજીન તરફ પેટ્રોલિંગ કરવા જવાની. આમેય થોડા દિવસોથી હાજીનમાં મીલીટન્ટનાં છુપાયાની ઉડતી ખબરો આવી રહી હતી. આને કારણે મહિપાલને હતું કે નજમા પાસેથી એના વિશેની માહિતી મળી શકશે.

જેલમ નદીને કિનારે વસેલી નાનકડી વસાહત-હાજીમ આતંકવાદના પંજામાંથી બચી નહોતી શકી. કોઈ કોઈ જગ્યાએ તૂટેલા ઘરો અને કાશ્મીરી પંડિતોનાં છોડી દેવાયેલા મકાનો એ વાતની સાક્ષી પૂરતાં હતા. ચિનારના બધાં જ પાન ખરી ચૂક્યાં હતાં. હજી અઠવાડિયા પહેલાં લાલ-લીલાં પાંદડાઓથી ઢંકાયેલું એ ઝાડ અચાનક જ કેવું ઉદાસ અને એકાકી લાગતું હતું! કુદરત પણ વિચિત્ર છે ને? જયારે આ વૃક્ષોને એનાં પાનની સૌથી વધુ જરૂર હોય, ખરી પડવાની મોસમ ત્યારે જ આવી જાય. આવી જ એક એકલતા ભરી બપોરે મહિપાલ મેજરની મહિન્દ્રા લઈને હાજીન જવા નીકળ્યો. કેમ્પથી હાજીન સુધીનો બે કલાકનો રસ્તો માંડ ખૂટ્યો. હેડક્વાર્ટરનાં હુકમની અવગણના કરીને આજે એ વાત કરી જ લેવાનો હતો.

મહિપાલની આંખો શોધતી હતી નજમાને. એણે દૂરથી જ જોઈ લીધી હતી એને રોડના કિનારે ઉભેલી. ગાડી ઉભી રાખીને એ નજમાને પોતાની તરફ આવતી જોઈ રહ્યો.

“સબ ઠીક હૈ?” એણે ગાડીમાંથી ઉતરતા પૂછ્યું. આખાય કેમ્પમાં પોતાનાં રોબદાર આવજથી જાણીતો મહિપાલ પોતાના અવાજમાં અચાનક આવી પડેલી નરમાશથી થોડો ચોંકી ગયો.

“જી, સલામ વાલેકુમ સાહબ.”મીઠી મધુરી ઘંટડી વાગી જાણે. ચહેરા પર સુંદરતાનો ગુમાન, અજીબ બોલકી આંખો, રૂપાળી એટલી કે એક સેકંડ વિચાર આવી જાય કે કોઈ આટલું ગોરું હોય શકે ખરાં?

“વાલેકુમ સલામ. હું નાયક મહિપાલ. તમને રોજ જોઉં છું અહિયાં. બસ્તીમાં બધું બરાબર તો છે ને?”

“જી, બધું ઠીક છે. મને ખબર છે તમારું નામ.” એણે થોડું શરમાતાં કહ્યું.

“અરે વાહ. એ કઈ રીતે?”

“આરીફ છે ને. હું એની બહેન છું. નજમા નામ છે મારું. આરીફ તો તમારા બહુ વખાણ કરે છે.”

“અરે હા. પેલો સાયકલ સવાર કેમ છે એ? હમણાંથી દેખાયો નથી?”

"જી, એ તો ઠીક છે. હમણાંથી ક્રિકેટનું ભૂત સવાર છે એના પર. આખો દિવસ બેટ લઈને ફર્યા કરે છે.”

“હા, હા... બહુ સારો છોકરો છે. તેંદુલકર બનવું છે શું?”

“ના. આફ્રીદી.” મહિપાલને થોડી વાર તો કંઈ સુજ્યું નહિ કે શું કહે. પાકિસ્તાની ક્રિકેટરો માટે કશ્મીરીઓની દીવાનગી એ જાણતો હતો.

“જી, થોડી મદદ જોઈતી હતી તમારી.” નજમાએ અચકાતા કહ્યું. એની એ મીઠી વાણીમાં એક કશિશ હતી જે મહિપાલને વિવશ કરી રહી.

“હા બોલો. મારાથી બનતી બધી જ મદદ કરીશ.”

“મેં જોયું છે તમે આરીફની પણ સારી સારવાર કરી હતી. અહિયાં હાજીનમાં બધાં બહુ માને છે તમને.”

“અમે તો અહીં આવ્યા જ છીએ તમારી મદદ કરવા. બોલોને શું કામ હતું.” મહિપાલથી રહેવાયું નહિ. એને ખાતરી થઇ ગઈ હતી કે મિલીટન્ટની કોઈ ખબર મળી જ જશે આની પાસેથી. ચાર મહિનાથી એમ જ બેઠા રહેલા એના બટાલિયનનાં સૈનિકોને કંઈ કરી બતાવવાનો મોકો મળશે એવા વિચારથી એ મનોમન ખુશ થઇ ગયો.

“જી,કોઈની શોધ કરવાની છે. એનું નામ સાહિલ છે. બધાં કહે છે કે એ પેલે પાર જતો રહ્યો છે, અથવા પોલીસ પકડીને લઇ ગઈ છે. તમને તો બધી ખબર હોય છે.” વ્યાકુળ આંખે નજમા વિનવી રહી.

“એ તમારો શું થાય?” મહિપાલે અચકાતાં પૂછ્યું. ઘડી પહેલાની ચિંતા પ્રિયપાત્રનાં પોતાના સાથેના સંબંધનાં ઉલ્લેખ માત્રથી શરમમાં ફેરવાઈ ગઈ. નજમાએ આંખ ઢળી દીધી. મહિપાલ સમજી ગયો કે મામલો નાજુક છે.

“છેલ્લા એક મહિનાથી લાપતા છે. તમારાથી કંઈ મદદ થઇ શકે તો મોટો ઉપકાર થશે અમારા પર.” જેલમ આખી ગાંડીતુર થઈને જાણે નજમાની આંખમાં વસી હોય એમ એની આંખો વરસી પડી. મહિપાલ થોડો ગભરાઈ ગયો.

“જુઓ તમે રડો નહિ. હું શોધી લાવીશ સાહિલને. પ્લીઝ રડવાનું બંધ કરો.” માંડ માંડ એ આટલું બોલી શક્યો. આરીફ સાથે સાહિલનો એક ફોટો મોકલવાનું કહીને મહિપાલ કેમ્પમાં પાછો જવા નીકળ્યો. એક અજીબ બેચેની વીંટળાઈ વળી એને; જાણે નજમાની આંખોનું પૂર એને ખેંચી રહ્યું હતું અને એ લગભગ એમાં તણાતો જતો હતો. મીલીટન્ટની માહિતીની આશે આવેલાં મહિપાલને ખાલી હાથ પાછા ફરવું પડ્યું હતું. ’મેજર શર્માને શું કહેશે હવે?’

કંઈ કેટલાય વિચારો કરતો આખી રાત એ પડખાં ઘસતો રહ્યો. ક્યારેક વિચારોમાં એ ડૂબતો જતો પેલી બે વાચાળ આંખોનાં ઊંડાણમાં તો ક્યારેક એ જ આંખોનું પૂર એને વહાવી લઇ જતું ક્યાંય દૂર સુધી. સવાર થતાં સુધીમાં આ બધાં જ વિચારો સાહિલને શોધવાનાં એક મક્કમ નિષ્કર્ષ પર આવીને અટકી ગયા. ઉઠીને તરત જ એ મેજર શર્માને મળવા ગયો. નજમાનો પોતાનામાં મુકેલો વિશ્વાસ કામ કરી ગયો અને મેજર શર્મા એને સાહિલને શોધવામાં મદદ કરવા તૈયાર થઇ ગયા. આસપાસનાં બીજા આર્મી કેમ્પ, સી.આર.પી.એફ, બી.એસ.એફ, પોલીસસ્ટેશનમાં રહેલા પોતાના ઓળખીતા ઓફિસરો સાથે મેજર શર્માએ વાત કરી લીધી હતી. એમનાં જણાવ્યા અનુસાર છેલ્લા એક મહિનામાં સાહિલ નામની કોઈ જ વ્યક્તિની ધરપકડ થઇ નહોતી. હવે એક જ શક્યતા વધી હતી. સાહિલનાં ગાયબ થવા પાછળ એનાં પાકિસ્તાન જતા રહ્યાંનાં ચાન્સ વધુ હતા. નજમા પાસેથી સાહિલનો ફોટો પણ આવી ગયો હતો.

એ પછીના બે અઠવાડિયા મહિપાલ દોડતો રહ્યો. સાહિલના મિત્રો સાથે મુલાકાત,મદરેસાના મૌલવી સાથે એકથી વધારે બેઠક,ખબરીઓ સાથેની પુછતાછ,આજુ બાજુની બટાલિયનમાં શોધખોળ-આ બધાંની સાથે રોજનું પેટ્રોલીંગ તો ખરું જ. છેવટે આટલી મહેનત પછી ખબર મળી કે સપ્ટેમ્બરમાં સાત લોકો પેલી પાર ગયા હતા જેમાં હાજીનનો એક છોકરો પણ હતો. એ દરમિયાન નજમા સાથે મહિપાલની મુલાકાત થતી રહી. દર વખતે નજમાની આંખોમાં રહેલી તડપ વધારે ને વધારે ઊંડી થતી રહેતી હતી. મહિપાલ એ ઊંડાણથી બચવા વધારે જોશથી પોતાના કામમાં લાગી જતો. આ નિર્દોષ છોકરીને એ જાણવા છતાં કહી નહોતો શકતો કે જેને એ આટલો પ્રેમ કરે છે એ તો એ કે-47નાં પ્રેમમાં પડીને જેહાદીઓના ટ્રેનીંગ કેમ્પમાં જઈને બેઠો છે!

નવેમ્બરના અંતમાં આખરે સાહિલ સાથે વાત થઇ શકે એવો બંદોબસ્ત થયો. સુલતાન નામનો એક ખબરી પેલે પારથી આવ્યો હતો. એણે સાહિલનો ફોટો જોઇને એના પાકિસ્તાન હોવાની ખબર પાકી કરી હતી. માંડ મનાવ્યો હતો એને એક મોબાઈલ લઈને ત્યાં જવા માટે અને મહિપાલની સાહિલ સાથે વાત કરાવી દેવા માટે. મહિપાલને હવે ઉતાવળ થઇ આવી હતી. જાન્યુઆરીમાં એની ટ્રાન્સફર થવાની હતી. પોતાના ત્રણ વર્ષનાં ફિલ્ડ ટેન્યોર બાદ એ પોસ્ટ-આઉટ થઇ રહ્યો હતો. જતાં પહેલા એ પોતાના આ ‘સાહિલ શોધખોળ’ મિશનને પૂરું કરવા માંગતો હતો. નજમાની આંખોની એ તડપમાં વધારે વાર ડૂબવું હવે પોસાય એમ નહોતું.

કાશ્મીરની ઘાટીમાં બરફ પડવાની શરૂઆત હવે ગમે ત્યારે થઇ શકે એમ હતી. ડીસેમ્બરનું બીજું જ વીક ચાલતું હતું અને રોજબરોજની છૂટોછવાયો વરસાદ કાતિલ ઠંડીનો સંદેશો લઈને આવતો હતો. એક વરસાદી સાંજે મહિપાલ પર સુલતાનનો ફોન આવ્યો.

“જય હિન્દ સાહબ. સાહિલ મળી ગયો છે. મારી સાથે જ છે. લો વાત કરો.”

“હેલો, સલામ વાલેકુમ સાબ.” એક અપરિચિત અવાજ આવ્યો સામે છેડેથી.

“વાલેકુમ સલામ. કોણ? સાહિલ?”

“જી સા'બ, સાહિલ બોલું છું. તમે મહિપાલ સાહબ છો ને? હું મળ્યો છું તમને હાજીનમાં.” ડરથી ધ્રુજતો સાહિલનો અવાજ સંભળાયો.

“કેમ છે તું? કેમ ગયો એ પાર?” માંડ પોતાના ગુસ્સા પર કાબૂ રાખતાં મહિપાલ બોલ્યો.

“બહુ મોટી ભૂલ થઇ ગઈ સા'બ. મને બચાવી લો. કોઈ રીતે મને અહીંથી બહાર કાઢો સાબ. અહી તો નરક છે સાબ. મને પાછો બોલાવી લો. તમે કહેશો એ કરીશ. પ્લીઝ સા'બ.. પ્લીઝ...”

“કેમ? ત્યારે તો જેહાદ માટે મારી ફીટવા તૈયાર હતો. હવે શું થઇ ગયું?”

“દિમાગ ખરાબ થઇ ગયું હતું મારું. પ્લીઝ મને બચાવી લો.” નાના બાળકની જેમ સાહિલ ડૂસકાં ભરી રહ્યો હતો.

“તો ગયો જ શા માટે? કોણે ભડકાવ્યો હતો તને?”

“મૌલવી સાહેબે મારી મુલાકાત જુનૈબ સાથે કરાવી હતી. જુનૈબ ત્યાનો જ છે. અહીં આવ્યો હતો મારા જેવા છોકરાઓ ભેગા કરવા. અમને એકે-47 આપી અને કહ્યું ખૂબ પૈસા મળશે. જન્નત લઇ જવાનો વાયદો પણ કર્યો. હું એની વાતમાં આવી ગયો. પણ અહિયાં તો એવું કંઈ જ નથી. જાનવરો જેવું વર્તન થાય છે અમારી સાથે. ખોટું કહે છે કે હિન્દુસ્તાન કાશ્મીર પર જુલમ કરે છે. હિન્દુસ્તાની ફૌજ મસ્જીદ પાડે છે, કાશ્મીરી બહેન-બેટી સાથે દુર્વ્યવહાર કરે છે. પણ મેં તો જોયું છે સાબ, તમને... બીજા ફૌજી ભાઈઓને.... મારે અહિયાં નથી રહેવું સા'બ... મને મદદ કરો...મને..” એટલું બોલતા તો એનું રુદન છૂટી ગયું.

“તું ચૂપ થઇ જા. તારી મદદ માટે જ તો આ સુલ્તાનને મોકલ્યો છે. નજમા મળી હતી મને. એના માટે જ હું તારી મદદ કરવા તૈયાર થયો છું, નહીતર તારા જેવા માટે મારા મનમાં જરા પણ દયા નથી. સુલતાનને બધાં જ રસ્તા ખબર છે. તું એની સાથે નીકળ અને અહી આવીને સરન્ડર કરી દે. બાકીનું હું સંભાળી લઈશ.”

“અત્યારે તો નહિ નીકળી શકાય. કોઈ નવો કમાન્ડર આવ્યો છે એટલે બહુ જ કડક ચોકીપહેરો છે. આવતા અઠવાડિયે એક ગ્રુપ કાશ્મીર આવવા નીકળવાનું છે. હું એમાં મારું નામ લખાવી લઈશ. નજમાને હમણાં કંઈ જ ન કહેતા પ્લીઝ. મને બચાવી લેજો સા'બ. હું અહિયાંની બધી જ ખબર તમને આપીશ.”

“અરે, એને તો ક્યારનો કહી દેત, પણ એ તો એટલો ચાહે છે તને કે તારા વિષે કહીને હું એનું દિલ ન તોડી શક્યો. તું પહેલા એલ.ઓ.સી. (લાઈન ઓફ કન્ટ્રોલ) ક્રોસ કર અને મને મળ. ચલ ફોન દે સુલતાનને.”

સુલતાનને ત્યાં જ થોડા દિવસ રોકાઈ જવાની સુચના આપી ફોન કાપ્યો મહિપાલે.

મહિપાલને થયું બરફ પડે એ પહેલા જો સાહિલ અહીં આવી જાય તો એના માટે સરળતા રહે. અહીં આવ્યા પછી થોડા દિવસ જેલમાં કાઢવા પડે પણ પછી બધું બરાબર થઇ જાય એમ હતું. બીજે દિવસે સવારે જ મહિપાલની આશંકા સાચી પડી. આખો કેમ્પ બરફની ચાદરમાં ઢંકાયેલો હતો. પહેલી વારની બરફવર્ષા જ એટલી હતી કે બધાં જ રસ્તા બંધ થઇ ગયા હતા. એ પછીના સાત દિવસો સુધી બરફ પડતો જ રહ્યો. સુલતાનનો મોબાઈલ સતત સ્વીચ ઓફ્ફ આવતો હતો.

નજમા સાથે વાત થયે પણ દિવસો વીતી ગયા હતા. એ ચિંતાથી પરેશાન એક દિવસ હિંમત કરીને કેમ્પ સુધી આવી ગઈ. મહિપાલ મેજર શર્મા સાથે વાત કરવામાં વ્યસ્ત હતો. એલ.ઓ.સી. (લાઈન ઓફ કન્ટ્રોલ) પર ચાલી રહેલા કોઈ એન્કાઉન્ટરની વાત કરી રહ્યા હતા એ. દસ આતંકીઓનું ગૃપ લાઈન ક્રોસ કરવાની તૈયારી કરી રહ્યું હતું. પોતાને મળેલી માહિતી મુજબ પહેલેથી તૈયાર બેઠેલા જવાનોએ બધાને મારી નાખ્યા હતા. માર્યા ગયેલાઓમાં સાહિલનું નામ પણ હતું. મહિપાલ આ સાંભળીને જાણે સુન્ન થઇ ગયો.

‘સાહબ? મેરા સાહિલ....’ નજમા ધ્રુજતાં અવાજે આટલું જ બોલી શકી. આંખોમાં એ જ તડપ અને ઉદાસી સાથે એ ત્યાં ઊભી હતી. એકદમ બોલકી એવી નજમા આજે સાવ ચુપ હતી. બોલતી હતી ફક્ત એની બે આંખો. મહિપાલ સમજતો હતો એ ભાષા. જાણે પૂછતી હતી, ’વાયદો પાળશો ને સાહબ? સાહિલને શોધી લાવશો ને?’ મહિપાલથી નજમાનું આ મૌન સહન ન થતું હોય એમ એ આંખ છુપાવીને ત્યાંથી નીકળી ગયો. આખા ઓરડામાં સ્મશાનવત શાંતિ પથરાઈ ગઈ. બોલતી રહી તો ફક્ત નજમાની બે આંખો... કંઈ કેટલાય સવાલો સાથે એ નિ:શબ્દ આંખો ક્યાંય સુધી મહિપલનો પીછો કરતી રહી.

-શ્રદ્ધા ભટ્ટ


Rate this content
Log in

Similar gujarati story from Romance