STORYMIRROR

Mamta Shah

Classics Romance Tragedy

4  

Mamta Shah

Classics Romance Tragedy

પ્રેમનું આલિંગન

પ્રેમનું આલિંગન

4 mins
29.7K


કવિતા, જેવું નામ તેવા જ ગુણ. સુંદર અને સરળ છોકરી. રૂપાળી અને ગુણવાન પણ ખરી જ, અને ચબરાક તો બહુ જ. જિંદગી પોતાની શરતો પર જીવનારી છોકરી. જે કામ માટે કોઈ નકાર કરે એ તો એને પહેલાં જ કરવું હોય. જિંદગીને પણ એટલો જ પ્રેમ કરે અને પોતાને પણ. એ તો છે જ ને, જે પોતાને પ્રેમ કરે તે જ જિંદગી ને પ્રેમ કરી શકે ને !

આજે એ જરા ઉદાસ હતી. આમ તો એને પોતાને જ ઉદાસ રહેવું ના ગમે. પણ એનું મન ક્યાંય નહોતું લાગતું. એ આજે એના અહાન ને બહુ જ મિસ કરતી હતી. એ અને અહાન એક બીજાના ગળાડૂબ પ્રેમમાં હતાં.

રહેતા તો બંને જુદાં શહેરમાં હતાં. પણ આજના આ સ્માર્ટફોન ના જમાનામાં, જ્યાં જુદા જુદા દેશ ના લોકો પ્રેમમાં પડી શકે, ત્યાં જુદા શહેરની શું વાત?

અહાન એની બિઝનેસ મીટિંગ માટે પૂણે ગયો હતો. એની ત્રણ દિવસ ની ટુર હતી. અને આજે તો એ ત્રણ દિવસ પૂરાં થવાનાં હતાં. આમ તો એ જ્યાં પણ હોય, જેવો ફ્રી થાય કે તરત પહેલું કામ કવિતા સાથે વાત કરવાનું જ કરે. જો ફોનના થાય એવું હોય તો મેસેજ તો અચૂક કરે. એવી રીતે બે દિવસ તો બેઉને વાત થઈ જ હતી. પણ આજે બન્નેનું શેડ્યૂલ બિઝી હતું, એટલે કવિતાને એમ જ હતું કે આજનો દિવસ કેવી રીતે જશે? અને એટલામાં તો એનો ફોન વાગ્યો. અને એના મોઢા પર સુંદર સ્મિત આવી ગયું. આવે જ ને! એ જેને યાદ કરતી હતી એનો જ તો ફોન હતો. અહાને જ્યારે એને કીધું કે મારી રિટર્ન ફ્લાઇટ તો તારા શહેરમાંથી જ છે, ત્યારે તો એ સાંભળીને પાગલ જ થઈ ગઈ. અહાનને કહે છે કે તું મારા શહેરમાં આવીશ અને મને મળ્યાં વગર જઈશ? અહાન એને સમજાવવાનો બહુ જ પ્રયત્ન કરે છે, પણ માને એ કવિતા?

મન તો એને પણ બહુ જ હતું કે કવિતાને મળીને જાય. પણ એ કવિતાને તો ના જ પાડે છે. એને એમ થાય છે કે કદાચ હું ના પહોંચી શકું તો? પણ એને પણ ક્યાં ચાલવાનું હતું કવિતાને મળ્યા વગર.

જેવો એ કવિતાના શહેરના એરપોર્ટ પર ઉતરે છે, એવો કવિતાનો ફોન આવે છે. પણ એ ફોન નથી ઉપાડતો. એને એમ થાય છે કે ચલ આજે તો કવિતાને સરપ્રાઇઝ આપું. એમ પણ હવે એની ફ્લાઇટ બે કલાક લેટ હતી. એટલે એ ફટાફટ ટેક્સી બૂક કરે છે, અને પહોંચી જાય છે કવિતાની ઓફિસ. કવિતા તો એને જોઈને પાગલ જ થઈ જાય છે. અને એનો ફોન ના ઉપાડ્યો એના માટે તો કેટલું લડે છે એને. અહાન કહે છે, તને કહી દેત, તો તને આટલી ખુશ જોઇ શકત હું?

પછીનો ટાઈમ તો કેટલો સરસ. સમી સાંજે ડૂબતા સૂરજની સથવારે રિવર ફ્રન્ટ, એકબીજાનાં હાથમાં હાથ નાખીને, કેટલી બધી વાતો!!કેટલા બધા સપનાં ! કેટલા હસી મજાક !

એક બાજુ આ નાની મુલાકાતનો ઉત્સાહ અને બીજી બાજુ બસ હંમણાં છૂટા પડવાનો ટાઈમ થશે, એનું દુખ પણ. અને છૂટા પડવાનો ટાઈમ આવી પણ ગયો. કવિતા કહે છે કે મારું ચાલે તો હું તને ક્યારેય જવા જ ના દઉં. અહાન પણ કહે છે કે મારે પણ ક્યાં તારાથી દૂર જવું છે? પણ જવું તો પડે ને, જલ્દી પાછો આવીશ બસ. પણ તું આમ મોઢું ના ચડાવ, મારે શું તારું ચડેલું મોં જોઈ ને જવાનું? અને ચડેલું મોં જોવા પાછા આવવાનું? તું હસતી રહે ને, તો જ હું જલ્દી આવું પાછો.

ત્યાં તો કવિતાની આંખો પાણી પાણી થઈ ગઈ. એટલે અહાન એને કહે છે કે પ્લીઝ તું જા, તને રડતી જોઇને હું કેવી રીતે જઇશ? કવિતા કહે છે કે ઓકે, ચલ એક સરસ હગ આપ તો જ જવું. અને ત્યાં જ બેઉ જણ એકબીજામાં ખોવાઈ જાય છે, એક સરસ પ્રેમ ભર્યું આલિંગન આપીને. જાણે કે બીજી વખત મળવાના ટાઇમ સુધીની એનર્જી ના આપવાની હોય એકબીજા ને !

બસ એ એમની છેલ્લી મુલાકાત બની ગઈ. એમને પણ ક્યાં ખબર હતી કે કે એ એમની છેલ્લી મુલાકાત હશે! જે ફ્લાઇટમાં અહાન હતો, એ ફ્લાઇટ ક્યારેય એના શહેર સુધી પહોંચી જ નહીં.

આજે એ વાતને ત્રણ વર્ષ થયાં. પણ જાણે એ આલિંગનની ઉષ્મા, એની ખુશ્બુ જાણે હજી યથાવત છે! અને હજી કવિતાને જાણે કે એમ જ થાય છે કે હમણાં મારો અહાન આવશે અને મને ફરીથી એ જ પ્રેમ ભર્યું આલિંગન આપશે અને કહેશે કે હવે ક્યારેય નહીં જઉં તારાથી દૂર.


Rate this content
Log in

Similar gujarati story from Classics