Mamta Shah

Crime Horror Romance

3  

Mamta Shah

Crime Horror Romance

રડવાનો અવાજ - ૨

રડવાનો અવાજ - ૨

3 mins
15.6K


એક મિનિટ તો વિચાર આવ્યો કે ચાલ પાછી જતી રહું, પણ પછી એવું થયું કે, રખે ને, કોઈને મદદની જરૂર હોય તો ? એટલે એકવાર ખોલીને જોઉં તો ખરી ! અને હતી એટલી હિંમત ભેગી કરીને મેં એ રૂમ ખોલ્યો. પણ ત્યાં તો કોઈ નહોતું. હવે મને ખરેખર ડર લાગ્યો. કોઈ છે નહીં તો આ રડવાનો અવાજ ક્યાંથી આવે છે ? ડરતા ડરતા મેં આખા રૂમમાં ફરીથી ટોર્ચ લઈ ને જોયું, પણ ત્યાં કોઈ જ ના દેખાયું. એટલે મેં ત્યાંથી પાછા જવાનું વિચાર્યું. જેવી હું પાછા જવા માટે ઉંધી ફરી કે મને લાગ્યું ત્યાં ખુરશીમાં કોઈ બેઠું છે. પણ હવે પાછળ જોવાની હિંમત જ નહોતી. હું ફટાફટ બહાર નીકળવા ગઈ, અને ત્યાં તો પાછળથી અવાજ આવ્યો,

'ક્યાં જાય છે છોકરી ?'

હવે શું કરવું એની અસમંજસમાં હું ત્યાં જ ઉભી રહી ગઈ. ના આગળ જવાની હિમંત ચાલે, ના પાછળ વળીને પાછળ જોવાની હિમંત ચાલે. ડરના માર્યા પગ ધૃજવા માંડયા, અને પરસેવો પરસેવો થઈ ગયો. મનમાં ભગવાનનું નામ લેવાનું ચાલુ કરી દીધું.

પછી હતી એટલી હિંમત એકઠી કરીને પાછળ જોયું. અને જેવું પાછળ જોયું કે પાછળનું દ્રશ્ય જોઈને મને ચક્કર જ આવી ગયા. એવું થયું કે હવે ધરતી મને સમાવી લે, કારણ કે ભાગવાની તો હિંમત રહી જ નહોતી. એક મિનિટ માટે મેં આંખો બંધ કરી લીધી, પણ આંખો બંધ કરવાથી જોયેલું - નજોયેલું થોડું થઈ જવાનું હતું ? બંધ આંખે પણ પણ જાણે ફરી ફરીને મને એ જ દ્રશ્ય દેખાતું હતું. ખુરશીમાં પડેલું એકલું માથું અને પલંગમાં સૂતેલુ એકલું ધડ.

ત્યાં તો ફરીથી અવાજ આવ્યો 'ડરીશ નહીં મારાથી. અને મારી વાત સાંભળ. અહીં બેસ મારી સામે.'

અરે, મારે તો ભાગી જવું હતું ત્યાંથી, અદ્રશ્ય થઈ જઉં હતું અને આ મને બેસવાનું કહે છે. અને નહિ બેસુ તો ?

એટલે હું બેસી ગઈ ચૂપચાપ. હવે મારી પાસે એનું માન્યા સિવાય છૂટકો પણ નહોતો.

એણે તો ફરીથી રડવાનું શરૂ કરી દીધું. હવે જે ડર મારામાં હતો, એ ડર મને ક્યાંક એનામાં પણ દેખાયો. એટલે મને જરાક નિરાંત થઈ કે આ મને નુકશાન તો નહિ કરે. ડરતા ડરતા મેં પૂછ્યું, 'કેમ રડો છો તમે ? શું થયું ?'

એણે એની વાત ચાલુ કરી. 'મારું નામ ભીખો. મું બાજુના ગોમમાં રહું હું. ના, રહેતો તો. મારા ગામની એક છોડીને હું બહુ પ્રેમ કરતો તો. એનું નામ જીવી. એય મુને બઉ પ્રેમ કરતી તી. પણ, આ જીવીના ભાઈઉ, એમને મું નતો ગમતો. અમે આમ નોખી નોતના. તણ દી પેલા હવારે આયા ને મન દાતણ કરતો જ ઉઠાઈ ગ્યા. અને પછી મુને બઉ માર્યો. મુને કે, અમારી જીવી હામુ ના આવતો હવ. પણ મુ ના માન્યો. અને એમણે મન મારી નાખ્યો. મું ને જીવી એ દાડે મંદિરમાં જઈને લગન કરવાના હતા. પણ... અને જીવી બચારી હજુ મારી વાટ જુએ સે. એને તો બાપડીને ખબર હઉ નહિ કે મારી હારે હું થ્યુ સે. આ એના મામાનું ઘર સે. ઓલા લોકોએ મારી લાશ અહીં ફળિયામાં દાટી મેલી સે. તમાર મારું એક કામ કરવાનું સે. મારી જીવી ને કેવાનું સે કે હવ મારી વાટ ના જુએ.'

હું બધા જે રૂમમાં સૂતા હતા ત્યાં ગઈ. પણ આટલું જાણ્યા અને સાંભળ્યા પછી ઊંઘ પણ ક્યાંથી આવે ? મનમાં ડર પણ ખૂબ અને બીજો એક વિચાર એવો પણ કે, જે એણે મને કહ્યું એ મારે કરવું જોઈએ ? જે એણે મને કહ્યું એ શું સાચું હશે ? અને ક્યાંક એણે કીધું એવુ કરવામાં અમે બધાં ક્યાંક ફસાઈ ના જઇએ ! શું કામ મારે આવા બધામાં પડવાની જરૂર ? પણ મૂળે સ્વભાવ મદદ કરવા વાળો. એટલે મનને મનાવ્યું કે આમાં નથી જ પડવું તોય મન ના માન્યું. પછી એવું થયું અત્યારે નહિ સવારે જ વિચારીશ કે શું કરવું છે. અને એમ પણ વિચારી લીધું કે હમણાં આ વાત ફ્રેન્ડઝને નથી કરવી. નકામા બધાં ડરી જાય. આ બધી મથામણ સાથે સૂવાનો પ્રયત્ન કરવા લાગી. પણ ઊંઘ પણ ક્યાંથી આવે ?

સવાર થઈ અને અમે બધા તૈયાર થઈને નીકળ્યા. કાર સ્ટાર્ટ કરીને ગામની બહાર આવ્યા. આગળ બે રસ્તા ફંટાતા હતાં. ડાબી બાજુનો રસ્તો આબુ જવા માટે અને જમણી બાજુનો રસ્તો જીવીના ગામ જવા માટે. અને મેં બ્રેક મારી. ડાબી અને જમણી તરફ જોતી હું ત્યાં જ ઊભી રહી...(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Crime