હીંચકો
હીંચકો


રાજ અને પૂજા. બાળપણના સાથી. એક સાથે સ્કૂલ જતાં. અને કોલેજ પણ એક જ. બાળપણની દોસ્તી યુવાનીના ઉંબરે પગ મૂકતાં જ પ્રેમમાં પરિણમી. અને એ પ્રેમને માતા પિતાની મંજૂરીની મહોર પણ મળી ગઈ.
પરણીને બન્ને પારેવા અમેરિકા ભણી ઉડ્યાં. અમેરીકા જઈ ડૉલરિયા દેશના રંગે રંગાઈ ગયાં. સોમવારથી શુક્રવાર ખૂબ જ કામ કરવાનું અને શનિવાર અને રવિવાર મજા!
ડૉલર કમાવાની મહેચ્છામાં બાળક પણ ના લાવ્યાં. અને ધીમે ધીમે બેઉની વચ્ચે કામની બાબતે ઝઘડાની શરૂઆત થઈ, અને પછી એકબીજા પર આક્ષેપો, કે તારા કારણે આપણે બાળક પણ ના લાવ્યા. વધતા ઝગડા સાથે એક દિવસ એમણે છૂટા પડવાનો આકરો નિર્ણય લીધો. માતા પિતાએ વાત જાણી અને મળવાના બહાને પાછાં બોલાવ્યાં. પહેલાં તો બે જણા સાથે આવવા માટે પણ તૈયાર નહોતાં. પણ પછી માતા પિતાના આગ્રહને વશ થઈને એ લોકો માન્યા. અને ઘરે આવ્યાં.
ઘરની પરસાળમાં પગ મૂક્યો અને સામે જ હીંચકો દેખાયો! જે હીંચકા પર બાળપણમાં એકમેકનો હાથ પકડી ઝૂલતાં હતાં, જે હીંચકો એમની યુવાની
નો, એમના પ્રેમનો સાક્ષી હતો, એને જોઈને લાગણીઓ હિલોળે ચડી! પૂજાએ કીધું રાજ 'છેલ્લી વાર મને આ હીંચકા પર ઝુલાવીશ?'
જેવી પૂજા હીંચકા પર બેઠી, આંખો સામે સંસ્મરણોનું વાવાઝોડું આવ્યું. ક્યારેક પૂજાની ચોટલી ખેંચતો રાજ દેખાયો, તો ક્યારેક રાજની આંખો પર હાથ મૂકી 'હું કોણ' પૂછતી પૂજા દેખાઈ, તો ક્યારેક યુવાનીના ઉંબરે પહોંચેલી, રાજ ને જોઈ ને શરમાઈ જતી પૂજા દેખાઈ. ચોમાસામાં અહીં બેસી માણેલા વરસાદ યાદ આવ્યા. અહીં સાથે બેસી જોયેલા સપના યાદ આવ્યાં. એકબીજાને આપેલા વચન યાદ આવ્યાં. રોજ સવારે આ જ હીંચકા પર સાથે ચા પીતા હતા! એ જ સવારની ઉષ્મા અને ચા ની સોડમ યાદ આવી. અને સાથે સંબંધોની વિસરાઈ ગયેલી ઉષ્મા પણ પાછી આવી!!
આ બાજુ રાજને પણ પૂજાને ઝૂલાવતાં, આ હીંચકા પર બેસીને એકબીજાને આપેલા વચન યાદ આવ્યાં. રાજની આંખો પણ તરલ થઈ ગઈ. બન્નેએ અમીભરી નજરે એકબીજા સામે જોયું. પૂજાએ ઉભા થઈને બેગમાંથી ડાઇવોર્સના પેપર લઈ ને ફાડી નાખ્યાં. અને બન્ને જણ પ્રેમથી એકબીજાને ભેટીને આભારવશ નજરે હીંચકાને જોયા કર્યો!!