રડવાનો અવાજ ભાગ-3
રડવાનો અવાજ ભાગ-3
એક મિનિટ ડાબી અને જમણી તરફ જોતી હું ત્યાં જ ઊભી રહી. અને કાર મેં જમણી તરફ ટર્ન કરી. બધાએ મને કહ્યું, 'અરે આપણે તો ડાબી બાજુ જવાનું હતું. તું કેમ આમ કરે છે?'
મેં કીધું 'મારે એક કામ છે, અહીં નજીકમાં જ, દસેક મિનિટ જ લાગશે, એ પતાવી લઉં પછી આપણે જઈએ આબુ. 'બાકી બધા માની ગયા પણ સેજલે પ્રશ્નાર્થ નજરે રીતે મારી સામે જોયું. મારાથી એને પણ કાંઈ જ કહી ના શકાયું. પણ પછી એણે મને એની આંખોથી સંમતિ પણ આપી દીધી. જાણે કહેતી ના હોય, જે હોય તે, આપણે સાથે જ છીએ. અને મને મનમાં જરાક હાશ થઈ.
દસેક મિનિટના ડ્રાઇવ પછી અમે જીવી અને ભિખા ના ગામ પહોંચી ગયા. ત્યાં જોઈને જીવી નું ઘર શોધતા અમને બહુ વાર ના લાગી. કાર થોડેક દૂર પાર્ક કરીને બધાને કારમાં જ બેસી રહેવાનું કહી ને, હું એકલી જ ઊતરી. બધાને મારા વર્તનથી ખૂબ જ નવાઈ લાગી. પણ હું કોઈને પણ કાંઈ જ પ્રોબ્લેમમાં મૂકવા નહોતી માગતી, એટલે મેં કાર પણ દૂર રાખી અને મારી સાથે પણ કોઈને ના લીધા. પણ સેજલ કહે 'હું આવું છું તારી સાથે. આમ અજાણી જગ્યાએ એકલા ના જવાય.' એમ કહીને એણે મારી સાથે આવવા જીદ કરી. મને પણ જાણે આમ અંદરથી તો બહુ જ સારું લાગ્યું. અને જીવીના ઘરે પહોંચતા સુધીમાં તો મેં સેજલને આખી વાત પણ કહી દીધી. એ પણ ડરી ગઈ અને મને કહે, 'ખરેખર આ વાત તને સાચી લાગે છે? 'મેં કીધું એ તો આપણે હવે જીવી ને મળીએ એટલે જ ખબર પડશે ને! આમ વાત કરતાં કરતાં અમે જીવી ના ઘરે પહોંચી ગયા.
બહારનો દરવાજો ખુલવાના અવાજથી એક માણસ બહાર આવ્યો. મોટી મોટી મૂછો અને દાઢી, એની આંખો તો એટલી બિહામણી હતી કે અમે તો એને જોઈને જ ડરી ગયા. અખાડાના પહેલવાન જેવું કદાવર એનું શરીર અને ઊપર ગંજી અને નીચે ધોતિયું પહેર્યાં હતા. એને જોઈને તો અમને એવું જ થયું કે અહીંથી ભાગી જ જઈએ. પણ અહીં સુધી પહોંચ્યા પછી ભાગી જવું? તો મને ક્યારેય જાણવા ના મળે કે કાલે મેં જે જોયું એ સાચું હતું કે નહીં? અને જો એ સાચું જ હોય તો શું મારે એ જીવી ને જણાવું ના જોઈએ?
એવું વિચારીને એ માણસ સાથે વાત કરવાની હિંમત ભેગી કરી. અને હિંમત કરીને એને પૂછ્યું 'જીવી છે?' એણે અમારી સામે જોયું અને કહે 'તમે કોણ છો? અને તમારે શું કામ છે?' અને આશ્ચર્યથી અમારી સામે જોતો રહ્યો.
મેં કીધું 'અમે શહેરમાંથી આવીએ છીએ, અને ગામડાંની છોકરીઓ ની રહેણી કરણી ઉપર સર્વે કરવાનું છે. તો પ્લીઝ અમને દસ મિનિટ માટે મળવા દો.'
'ઠીક છે!' કહીને એ અંદરની તરફ ચાલવા લાગ્યો. અને પાછળ જોઈને અમને કહે છે કે 'અંદર નહિ આવતા. મોકલું છું જીવી ને બહાર અને ફક્ત દસ જ મિનિટ.'
'હા, હા, પાકું!' કહીને એના ગયા પછી અમે રાહતનો શ્વાસ લીધો. અને પાછા મનમાં સવાલો તો થયા જ, કે આ અમે સાચું કરીએ છીએ કે ખોટું? ત્યાં તો જીવી બહાર આવી.
એને જોઇને સામે છોકરો હોય કે છોકરી, ઠરી જ જાય એવું તો એનું રૂપ હતું! મલાઈથી નહાતી હોય એવી ગોરી ગોરી અ
ને ચમકતી ત્વચા, ધારદાર અણિયાળી આંખો, જાણે કે એની આંખ માં જોઇએ તો ડૂબી જ જવાય, વગર લિપસ્ટિકે એકદમ ફૂલ ગુલાબી સુવાળાં હોઠ અને એની બાજુમાં એક નાનકડો કાળો તલ, એ તલ તો જાણે એની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દેતો હતો. અને લાંબા કાળા ઘેરા રેશમી વાળ, વાળમાં સરસ રીતે ગૂંથણી કરેલો ચોટલો. ખરેખર એ છોકરીને જે જુએ એ એના પ્રેમમાં જ પડી જાય!
આવીને ડરતા ડરતા અમને પૂછે છે કે 'બોલો હુ કામ હતું?' એક મિનિટ તો એવું થયું કે ખરેખર જો આ વાત સાચી હોય તો? આ છોકરીનું દિલ તો ના જ તૂટવું જોઈએ! એક મિનિટ તો એવું જ થયું કે ચાલો પાછા જતાં રહીએ. પછી થયું ના જે કામ કરવા આવ્યા છીએ એ કરી જ લઈએ. અને ધીરેથી મેં જીવી ને પૂછ્યું 'તુ ભીખા ને ઓળખે છે?' જવાબમાં એ આજુબાજુ જોવા માંડી, જાણે કોઈ સાંભળતું તો નથી ને? પછી કહે 'તમારે હુ કામ સે? તમારે એનાથી હુ લેવા દેવા?'
મેં કીધું 'જીવી, જે હોય તે સાચું બોલ. અમે અહીં તને મદદ કરવા આવ્યા છીએ.'
આશ્ચર્યથી અમારી સામે જોતી રહી ને કહે છે 'હોવે, જાણું હુ, પણ એનાથી તમારે હુ?'
'ક્યારે મળી હતી એને છેલ્લે?' મેં પૂછ્યું, મનમાં તો ડર હતો જ કે જો આ બધું સાચું હશે તો હું જીવી ને કેવી રીતે કહીશ?
' ચાર દાડા પેલા. ' જીવી
'અત્યારે ભીખો ક્યાં છે એની તને ખબર છે?' મેં પૂછ્યું.
ત્યાં તો એની આંખ માં થી શ્રાવણ - ભાદરવો ચાલુ થઈ ગયા. અને કહે 'ના, મુ તો તણ દાડાથી એની વાટ જોઉં સુ. મને લગનનો વાયદો આલી ને ગીયો, તે પાસો આયો જ નઈ. મારો હારો મન છેતરી ગ્યો બુન. '
મેં અને સેજલે આઘાત અને આશ્ચર્ય મિશ્રિત નજરે એકબીજા સામે જોયું, અને ઇશારાથી જ વાત કરી લીધી કે હવે આને કહી જ દઈએ સાચી વાત. અને મેં શરૂ કર્યું ' જો જીવી, એણે તને નથી છેતરી, એ તો તને તે દિવસે લઈ જવા આવવાનો જ હતો. પણ ક્યાંક થી તારા ભાઈઓને એ વાત ની ખબર પડી ગઈ. અને સવારે જ એને ઉપાડી ગયાં. અને પહેલાં એને ખૂબ માર માર્યો અને તારાથી દૂર રહેવા સમજાવ્યો. પણ એ એક નો બે ના થયો, એટલે તારા ભાઈઓએ એને મારી નાખ્યો.
પહેલાં તો એને સાંભળીને વાત માન્યામાં ના આવી. એટલે કે છે 'તમને ચેવી રીતે ખબર પડી બુન?'
પછી મેં એને બધું જ કીધું. એ તો ચોધાર આંસુએ રડવા માંડી. અને આંસુ લૂછી ને જતા જતા મને કહે છે 'ખૂબ આભાર બુન તમારો. પણ જેણે આ કર્યું છે એને તો હું સજા અપાઈશ જ.' અને એક મક્કમ નિર્ધાર સાથે મક્કમ ચાલે, જીવી ત્યાં થી જતી રહી.
હું અને સેજલ એકબીજાની સામે જોતા જ રહ્યા, જાણે જીવી ની મક્કમતા જોઈને અમે ડરી જ ગયાં, કે હવે જીવી શું કરશે? અને અમે ક્યાંક જીવી નો જીવ તો જોખમમાં નથી મૂકી દીધો ને એને કહીને?
શું જીવી, ભીખાની સાથે જે થયું એનો બદલો લઈ શકશે? કે એના ગુનેગાર ને સજા અપાવી શકશે? કે પછી હવે જીવી ના જીવ પર જ જોખમ છે? જીવી સાથે શું થાય છે જાણવા માટે થોડી રાહ જુઓ..... વધુ આવતા અંકે.....