પ્રેમની પરિભાષા
પ્રેમની પરિભાષા
મીના અને રાજુ ગળાડૂબ પ્રેમમાં. ભાવિના સોણલાં જોતાં જોતાં રોજ ઘૂઘવતા દરિયાને નિહાળી રહેતા.
રાજુ વધુ અભ્યાસ અર્થે અમેરિકા ગયો, રોજ સંપર્કમાં રહેવાનું મીનાને વચન આપીને. એકાદ વર્ષ બરાબર ચાલ્યું ધીમે ધીમે સંપર્ક ઓછો થવા લાગ્યો.
બે વર્ષ પછી રાજુ આવ્યો તો સીધો પોતાના લગ્નની કંકોત્રી લઈને જ મીનાને મળ્યો. સોરી,મીના હું તારો ગુનેગાર છું, મારા ઉજ્વળ ભવિષ્ય માટે ત્યાંના નાગરિકત્વવાળી છોકરી સાથે લગ્ન કરું છું, મને ભૂલી જજે.
મીના તો આટલું સાંભળતા જ અવાક્ બની જોઈ રહી ! રાજુ ચાલ્યો ગયો તેનો પણ ખ્યાલ ન રહ્યો.
ધીમે ધીમે સ્વસ્થ થઈ આઘાતમાંથી બહાર આવી, પોતાના ભાવિ વિષે વિચારવા લાગી. અભ્યાસનું અંતિમ વર્ષ હતું,બરાબર અભ્યાસમાં મન પરોવ્યું, યુનિવર્સિટીમાં પ્રથમ આવી.
ગામમાં જ ચાલતા અનાથાશ્રમમાં નોકરી સ્વીકારી. બાળકોને પ્રેમથી સાચવતી બાળકો પણ એની સાથે ખીલી ઊઠ્યા. બાળકોને વિવિધ પ્રવૃતિઓ કરાવી હરીફાઈમાં ભાગ લેવડાવતી બાળકોમાં વિશ્વાસ પેદા કર્યો.
આ અનાથાશ્રમમાં એક બાળકી પરી હતી જે બોલી, સાંભળી શકતી નહીં. એ એની લાડકી બની ગઈ. મા ગુજરી જવાથી પિતા રોજ સવારે મૂકી સાંજે પરત લઈ જાય. મા વગર મૂંઝાયેલી રહેતી પરી મીનાની હેવાઈ થઈ ગઈ. રાત્રે ઘરે જવાની ના પાડે,મીના સાથે જ રહેવાની જીદ કરે.
અનાથાશ્રમના સંચાલકે પરીનાં પિતા મહેશને મીના સાથે ફરી લગ્ન અંગે પૂછતાં મહેશે કહ્યું," પરી મીના ટીચરની હેવાઈ થઈ ગઈ છે, જો મીના ટીચરની હા હોય તો મારી હા છે. "
સંચાલકે મીના સાથે વાત કરી મહેશ સાથે મુલાકાત ગોઠવી. મીનાએ એનો ભૂતકાળ કહ્યો અને એટલે જ એને પ્રેમ અને પુરુષ પર વિશ્વાસ નથી. મહેશ સાથેની બે ત્રણ મુલાકાત અને ખાસ તો પરીને કારણે મીના લગ્ન માટે તૈયાર થઈ.
પરીને ખૂબ આનંદ થયો. પરીનું કાનનું ઓપરેશન કરાવ્યું,મશીન મૂક્યું એટલે સાંભળતી થઈ. મીનાની સખત મહેનત, માવજત અને ભરપૂર પ્રેમથી થોડું થોડું બોલતી થઈ.
અનાથાશ્રમમાં વાર્ષિકોત્સવમાં સંચાલકશ્રી એ કહ્યું, પ્રેમની પરિભાષાનું ઉત્તમ ઉદાહરણ એટલે અમારા મીના ટીચર, કે જેની પ્રેમભરી માવજતને કારણે અમારાં બાળકોએ ખુબ પ્રગતિ કરી છે. અને સૌથી ઉત્કૃષ્ટ ઉદાહરણ એટલે પરી કે જે વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ આવી છે.
