lina joshichaniyara

Romance Inspirational

5.0  

lina joshichaniyara

Romance Inspirational

પ્રેમની પરછાઇ

પ્રેમની પરછાઇ

12 mins
598


પરી આજે ખુબ ખુશ હતી. પરીના ૧૧માં જન્મ દિવસની જોર શોરથી તૈયારીઓ ચાલતી હતી. ઈવેંટમેંનેજર પોતાના સ્ટાફને સલાહ આપતી હતી કે આ વસ્તુ અહીં લગાવો, પેલી વસ્તુ ત્યાં લાગવો. દેવેન આ બધું જોવામાં વ્યસ્ત હતો ત્યાં જ એક હળવો સ્પર્શ થયો. ચંદનાને જોઈને દેવેનની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા.

"ચંદના, આજે આપણી પરી દસ વર્ષ પુરા કરીને ૧૧માં વર્ષમાં પ્રવેશશે. તું જેમ ઇચ્છતી હતી એવી જ ધામધૂમપૂર્વકની ઉજવણી એના ૧૧માં જન્મદિવસ ઉપર રાખી છે. આપણા બધા જ સગા-વ્હાલા, દોસ્ત, પરીના દોસ્ત, આપણી કંપનીના કર્મચારીઓ બધા જને આ ઉજવણીમાં સહપરિવાર આમંત્રણ આપ્યું છે. જોજેને આવી ઉજવણી આ શહેરમાં કોઈ એ નહીં કરી હોય. બધા માટે રિટર્ન ગિફ્ટ પણ લાવીને રાખી છે. તું ખુશ છે ને ?" દેવેન એક શ્વાસે ઘણું બધું બોલી ગયો.


ચંદના એ ગળગળી થઇને હકારમાં માથું હલાવ્યું. પરીને જોઈને બંને ખુબ ખુશ હતા. પરી એટલે દેવેન અને ચંદનાનું એક માત્ર સંતાન. દેવેન હજી વાત જ કરતો હતો ત્યાં જ પરી એ દેવેનનો હાથ પકડ્યો. પોતાની અને ચંદનાની દીવાલ પર લાગેલી તસવીર જોઈ ને દેવેન પોતાના ભૂતકાળમાં ખોવાઈ ગયો. એને યાદ આવી ગઈ પોતાની અને ચંદનાની પેહલી મુલાકાત.


દેવેન ૮માં ધોરણમાં હતો અને વિજ્ઞાન મેળા માટેના પોતાના પ્રોજેક્ટને લઈને સરને બતાવવા જતો હતો. એનું સમગ્ર ધ્યાન કાર્ડબોર્ડ પર ગોઠવેલી વસ્તુ પડી ન જાય એમાં હતું. એવામાં જ સામેથી કોઈ તુફાનની જેમ દોડતી છોકરી આવી અને દેવેન સાથે ભટકાઈ. દેવેનનો પ્રોજેક્ટ આખો વિખાઈ ગયો, તૂટી ગયો. દેવેન હજી ગુસ્સામાં એ છોકરીને કંઈ કહેવા જઈ રહ્યો હતો ત્યાં જ એ છોકરીના ભોળા અને માસૂમ ચહેરા ઉપર ધ્યાન ગયું અને એને જોતો જ રહી ગયો. મોટી મોટી આંજણ આંજેલી આંખો, એકદમ રૂપાળી કહી શકાય એવી સ્કિન, વાળમાં તેલ નાખીને બાંધેલા બે ચોટલા, એકદમ માસૂમ ચહેરો. બસ આ ચહેરાને દેવેન જોતો જ રહી ગયો. એ છોકરી દેવેનને પેહલી જ નજરમાં ગમી ગઈ. પછીથી એને ખબર પડી કે એ છોકરીનું નામ ચંદના છે અને આ વર્ષથી જ સ્કુલમાં નવી આવી છે.


આ બાજુ ચંદનાને પણ દેવેનનો ભોળો ચેહરો, માસૂમ આંખો સ્પર્શી ગયા. જોતજોતા મા તો બંને ખુબ સારા મિત્રો બની ગયા. દેવેન અને ચંદના એકબીજાને પ્રોજેક્ટમાં, ભણવામાં મદદ રૂપ થતા. એકબીજાના ઘરે પણ જતા આવતા એટલે બંનેના મમ્મી પપ્પા પણ એ બંનેની ગાઢ મિત્રતાથી પરિચિત હતા. કોલેજમાં આવ્યા ત્યાં સુધીમાં તો તેમની મૈત્રીને પ્રેમના અંકુરો ફૂટી ગયા. એકબીજા સમક્ષ પ્રેમનો એકરાર પણ થઇ ગયો અને એક પ્રેમકહાની શરુ થઇ ગઈ. આખો દિવસ બેય સાથે ને સાથે જ હોય પછી તે ક્લાસ હોય, કેન્ટીન હોય કે કોલેજનો બગીચો. બંને એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા. બંનેની જોડી પણ સરસ લાગતી. કોલેજમાં તો એમને 'બેસ્ટ કપલ' એવું ઉપનામ પણ મળ્યું. દેવેન અને ચંદનાની કેમેસ્ટ્રી કહો કે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ, એ ખુબ જ સરસ હતી. બંને આંખોથી જ વાત કરી લેતા અને વગર કહ્યે એકબીજાના મનની વાત સમજી લેતા. સામાન્ય રીતે લવ સ્ટોરીમાં છોકરો પ્રેક્ટિકલ હોય છે અને છોકરી ભાવુક. પરંતુ અહીં એકદમ ઉલટું હતું. દેવેન ખુબ ભાવુક હતો અને ચંદના એટલી જ પ્રેક્ટિકલ.


દેવેન ઉચ્ચમધ્યમવર્ગીય માતા પિતાનું એક માત્ર સંતાન એટલે એનો ઉછેર એકદમ લાડકોડમાં થયેલો. જયારે ચંદના મધ્યમવર્ગીય માતા પિતાનું એક માત્ર સંતાન અને અતિશય લાડકી. પરંતુ ઘરની સામાન્ય પરિસ્થિતિના કારણે થોડી બાંધછોડ કરવી પડતી. દેવેન અને ચંદના પ્રેમ તો કરતા જ હતા પણ બંને પોતાના ભવિષ્ય માટે પણ એટલા જ સજાગ હતા. બંને કેરિયરને વધુ મહત્વ આપતા હતા.  બંનેએ નક્કી કર્યું હતું કે ભણીને વ્યવસ્થિત નોકરી મળે પછી જ ઘરમાં લગ્નની વાત કરવી. નરેશભાઈ, દેવેનના પપ્પા એકદમ સરળ વ્યક્તિ અને સામે નયનાબેન, દેવેનના મમ્મી એટલા જ આખાબોલા અને ક્રોધી. આ બાજુ ચંદનાના પપ્પા રમેશભાઈ અને મમ્મી રસીલાબેન, બેય એકદમ સરળ સ્વભાવ વાળા.અને બંનેની ઈચ્છા પોતાની દીકરીને ખુશ જોવાની.


દેવેન અને ચંદનાનું ભણવા નું પૂરું થયું અને બંનેને સાથે નોકરી પણ મળી ગઈ. બંને એકદમ ખુશ હતા. હવે ઘરમાં બંને એ લગ્નની વાત કરી. ચંદનાના મમ્મી પપ્પાને દેવેન પસંદ હતો એટલે એના તરફથી તો હા આવી ગઈ. અહીં દેવેનના ઘરમાં દેવેન ના પપ્પા ખુશ હતા કેમકે એમને ચંદના પસંદ હતી પણ મમ્મી ખુશ ના હતા. એમને ઘસીને ના પડી દીધી.


"જો મમ્મી હું ચંદનાને સ્કૂલ ટાઈમથી પ્રેમ કરું છું. અને લગ્ન કરીશ તો એની સાથે જ નહિ તો આખી જિંદગી કુંવારો રહીશ. હું તમને દુઃખી કરીને લગ્ન નથી કરવા માંગતો. હું ઈચ્છું છું કે તમે ચંદનાને ખુશી ખુશી અપનાવો." નયનાબેન પોતાના દીકરાની જીદ સારી રીતે જાણતા હતા અને એના પ્રેમને પણ. છેવટે દીકરાની જીદ સામે ઝૂકી, મનેકમને પણ હા પાડી.


દેવેન અને ચંદનાના ધામધૂમથી લગ્ન થયા. લગ્ન કરી ચંદના દેવેનના ઘરે મિસિસ દેવેન બની આવી. બંનેનો પ્રેમ લગ્ન પછી પણ વધતો રહ્યો. લગ્નબાદ નયનાબેન અને ચંદનાને બનતું ના હોવાથી દેવેને બીજા શહેરમાં નોકરી લઇ લીધી. ત્યાં ચંદનાને પણ નોકરી મળી ગઈ. એટલે બંને બીજા શહેરમાં રહેવા લાગ્યા. અહીં બંને એ પોતાના સપનાનું ઘર ખરીદ્યું અને એ ઘરમાં રાજી ખુશી થી રહેતા હતા.


૨ વર્ષ બાદ દેવેન ને પોતાનો બિઝનેસ શરુ કરવાનો વિચાર આવ્યો અને આ વિચાર ને ચંદના એ અમલમાં મુકાવ્યો. દેવેનએ પોતાની કેમિકલ ફેક્ટરી શરુ કરી. શરૂઆત નાના પાયે હતી પરંતુ બંનેની અતિશય મહેનત અને લગનથી કંપની ઠીકઠાક મોટી થઇ ગઈ અને સારો નફો કરવા લાગી. આમ બંને પોતાની લાઈફમાં એકદમ સેટ થઇ ગયા હતા. ૫ વર્ષ કેમ વીતી ગયા એ ખ્યાલ જ આવ્યો.

ચંદનાને છેલ્લા મહિના-૨ મહિના થી માથા નો દુખાવો રહેતો હતો જે સવારે ઉઠે ત્યારે અતિશય હોય. બોલવામાં, સાંભળવામાં, અને જોવામાં પણ તકલીફ થતી હતી. દેવેનને ચંદના એ પોતાની આ તકલીફની વાત કરી અને બંને પોતાના સ્કૂલમિત્ર ડો. શિશિર પાસે ગયા. ત્યાં ડોક્ટરે જરૂરી એવા બધા ટેસ્ટ કરાવ્યા અને સાંજે દેવેનને રિપોર્ટ લેવા બોલાવ્યો.

"શું વાત છે શિશિર ? કંઈ વધારે સિરિયસ છે ? શું થયું છે મારી ચંદના ને ?"

"દેવેન, પેહલા થોડું પાણી પી લે અને થોડો શાંત થા."

સિસ્ટર હમણાં મારી પાસે કોઈને ના મોકલતા એવું સૂચન કરી શિશિર પોતાની કેબીનમાં આવ્યો.

"હવે તો કહે શિશિર, શું થયું છે ચંદના ને ?"

"દેવેન, હું ગોળ ગોળ વાત નહીં કરું. ચંદનાને બ્રેઈન ટ્યુમર છે."

આ સાંભળી દેવેન થોડી વાર માટે તો ચિત્તભ્રમ જેવો થઇ ગયો.

"દેવેન.., દેવેન... ?"

"હં..હા શિશિર..."

જો દેવેન આમ હિંમત હારવાથી કામ નહિ થાય. જો તું હિંમત હારી જઈશ તો ચંદનાનું શું થશે ? ચંદના તારા કરતા વધારે પ્રેકટીકલ પણ છે અને ચપળ પણ. એની પાસે ના તો તું જૂઠ બોલી શકીશ કે ના કંઈ છુપાવી શકીશ. આપણે ચંદનાને પ્રેમપૂર્વક, શાંતિપૂર્વક સંભાળવી પડશે."

"શિશિર, તને શું લાગે છે ? કયો ઈલાજ શક્ય છે ? ક્યાં સ્ટેજમાં છે ? ગમે તેમ કર. પૈસાની ચિંતા ના કર પણ મારી ચંદનાને કંઈ જ ન થવું જોઈએ. એને બચાવી લે,પ્લીઝ."


"દેવેન, આપણી બધી જ કોશિશ કરીશું. પછી તો બધું ઉપરવાળાના હાથમાં છે. અત્યારે તો તું ઘરે જા અને ચંદના ને કહે કે હું સાંજે રિપોર્ટ્સ લઇને ઘરે આવીશ."

દેવેન ડો. શિશિરને મળીને આવ્યો ત્યારે ચંદના એની રાહ જોઈને જ બેઠી હતી.

"શું થયું છે મને દેવેન ? કંઈ સિરિયસ છે ?

"ડો. શિશિર સાંજે તારા રિપોર્ટ્સ લઇ ને ઘરે આવશે પછી જ ખબર પડે."

સાંજે ડો. શિશિર ઘરે આવ્યા. બધા એ ચા નાસ્તો કર્યા. હોલમાં ગજબ શાંતિ છવાઈ ગઈ હતી. છેવટે ચંદનાથી ના રહેવાયું એટલે એણે સીધો જ શિશિર ને પ્રશ્ન કર્યો.

"શિશિર, મને શું થયું છે ? દેવેનના ચેહરા પરથી એટલું તો કહી શકું કે કંઇક સિરિયસ છે. જો શિશિર, દેવેન કદાચ મને સાચું ન કહી શકે પણ તું એક ડોક્ટરને સાથે મારો મિત્ર પણ છે. મને સાચું સાંભળવું છે. મને શું થયું છે ? જિંદગીને લઇ ને મારા ઘણા સપના છે, ઘણી ઈચ્છાઓ છે. જો મને કોઈ અસાધ્ય બીમારી હોય તો મને વહેલું કહી દે જેથી હું મારી કદાચ તમામ તો નહિ પણ થોડી ઘણી ઈચ્છાઓ પુરી કરી શકું. પ્લીઝ શિશિર...."

"અરે અરે...થોડી શાંત થા ચંદના..લે પાણી પી લે." દેવેન પાણીનો ગ્લાસ લઇ આવ્યો.

"જો ચંદના હું જાણું છું કે તું એકદમ પ્રેક્ટિકલ વ્યક્તિ છો. એટલે તારાથી કંઈ જ નહિ છુપાવું. ચંદના તને બ્રેઈન ટ્યુમર છે. પણ એનો ઈલાજ શક્ય છે." શિશિરે કહ્યું.

"ચંદના પોતે જાણે કે પોતાની જાતને આવી કોઈ વસ્તુ માટે પેહલેથી જ તૈયાર રાખી હોય એમ સ્વસ્થતા પૂર્વક શિશિરને પૂછે છે કે "કેટલો સમય છે મારી પાસે ?"

"એ તો સારવાર પછી જ ખ્યાલ આવે." શિશિરે દેવેન સામે જોયું.

"તો પછી ક્યારથી ચાલુ કરવાની છે સારવાર ? હું તૈયાર છું માનસિક અને શારીરિક રીતે પણ."

ચંદનાને આટલી સ્વસ્થ જોઈ દેવેન અને શિશિર અચંબામાં પડી ગયા.

શિશિરે કહ્યું "આપણે આવતીકાલે જ મારા સિનિયર ડોક્ટર છે એનો અભિપ્રાય લઈને પછી આગળ વધીએ.


પછી તો હોસ્પિટલ, સર્જરી, કેમો-રેડિયો થેરાપી, એ સિલસિલો ચાલુ થઇ ગયો. આ દરમિયાન ચંદના ખુબ શાંત, સ્વસ્થ અને મક્કમ હતી. જાણે કે જિંદગી સામે લડી જ લેવું છે. ઉલટું એ દેવેન ને હિંમત આપતી રહી. એક દિવસ ચંદનાએ દેવેનને પાસે બેસાડયો. એનો હાથ પોતાનાં હાથમાં લીધો અને કહ્યું,

"દેવેન, મને નથી ખબર કે મારી જિંદગી કેટલી છે. હું તને ખુબ પ્રેમ કરું છું અને હંમેશા તને સુખી અને ખુશ જોવા માંગુ છું. મને ખબર છે કે મારા ગયા પછી તું એકદમ ભાંગી જઈશ. પણ દેવેન, જીવન-મૃત્યુ તો એક ચક્ર છે. એમાંથી તો બધાને પાસ થવાનું જ છે. જેણે જન્મ લીધો છે એનું મૃત્યુ તો નિશ્ચિત જ છે.એ આપણે બધા જ જાણીએ છીએ. પરંતુ મારુ મૃત્યુ આટલું નજીક હશે એ મેં ન હોતું ધાર્યું. મને મારા મૃત્યુ પછી તારું શું થશે એ ચિંતા કોરી ખાય છે. જો દેવેન હું ઈચ્છું છું કે તું મારા મૃત્યુ પછી એ ગમમાં આખું જીવન વ્યતિત ન કરતા જિંદગીમાં આગળ વધે. જિંદગી જ્યાં સુધી લખી છે ત્યાં સુધી તો જીવવાની જ છે તો પછી એણે ખુશી ખુશી કેમ ના જીવવી ? હું ઈચ્છું છું કે મારા મૃત્યુ પછી પણ તું ખુશીથી જિંદગીમાં આગળ વધે. તારે મને પ્રોમિસ આપવું પડશે કે તું મારી વાત માનશે. હું તારી પાસે બે વિકલ્પ મુકું છું."


"પહેલો વિકલ્પ:

તું કોઈ સારી છોકરી શોધી અને એની સાથે જિંદગીમાં મને ભૂલીને આગળ વધ. તને મારાથી વિશેષ કોણ ઓળખે ? તો હું જ તારા માટે સારી છોકરી શોધીશ. હા, મને થોડી તકલીફ પડશે પણ તારી ખુશી માટે કંઈ પણ કરી શકું છું. બોલ ક્યારેથી ચાલુ કરું શોધવાનું ?"

"ચંદના, આ શું મજાક છે ? મેં મારી જિંદગીમાં સૌથી વધારે તને જ ચાહી છે. અને આખી જિંદગી ચાહતો રહીશ. ભલે આપણી પાસે સમય ઓછો પડ્યો હોય એકબીજા સાથે રહેવાનો. પણ જેટલો સમય સાથે જીવ્યા એ ખુબ જ યાદગાર અને સારામાં સારો સમય હતો. એ સમયની યાદ સાથે હું આખી જિંદગી ખુશીથી જીવી શકીશ એટલે આ છોકરી શોધવાનું ભૂત તો ઉતારી જ દે !"


"બીજો વિકલ્પ શું છે ?"

"બીજો વિકલ્પ એ છે કે મારા ગયા પછી પણ હું તારા માટે મારી પરછાઇ છોડીને જાઉં."

"એટલે ? હું કંઈ સમજ્યો નહિ. જો આમ સંતાકૂકડી ના રમ મારી સાથે જે કેહવું હોય એ સીધે સીધું કહે. મને ખબર છે કે તું ખુબ નટખટ, ચુલબુલી છે પરંતુ આ સ્થિતિમાં પણતું મજાક કેવી રીતે કરી શકે ?"

"દેવેન, હું મજાક નથી કરતી. મારી તો જિંદગી જ મજાક બની ગઈ છે. હા દેવેન, હું મારી પરછાઇ એટલે કે આપણા સંતાનની વાત કરું છું."

"શું ? શું કહ્યું તે ? આપણું સંતાન ? આ પરિસ્થિતિમાં કેવી રીતે શક્ય છે ? તું આ પરિસ્થિતિમાં માતૃત્વ કેવી રીતે ધારણ કરી શકે ? જો ચંદના, હું તારી જિંદગી સાથે કોઈ પણ રિસ્ક નથી લેવા માંગતો."


"દેવેન, હું આપણા સંતાનની વાત કરું છું. પણ મેં એમ ક્યાં કહ્યું કે હું માતૃત્વ ધારણ કરું ?"

"તું પાગલ થઇ ગઈ છે ચંદના. ચાલ હવે સુઈ જા."


દેવેન, આપણે આપણું બાળક સરોગસીથી ન કરી શકીએ ? સરોગસીથી થયેલું સંતાન આપણું જ હશે અને એ પણ દીકરી જ. મેં તો એનું નામ પણ વિચારી લીધું છે."પરી" પરી નામ હશે મારી દીકરીનું."


"ચંદના આ તું શું બોલે છે ? આ બધું શું ચાલુ કર્યું છે તે ? જો મેં તારી બધી જ વાત સાંભળી લીધી છે હવે ચૂપચાપ સુઈ જા."


દેવેન, એકવાર શિશિર સાથે આ બાબતે વાત તો કરી જો પ્લીઝ. પણ એ પહેલા મને જવાબ આપ કે જો આ વિકલ્પ શક્ય હોય તો શું તું આ વિકલ્પ પસંદ કરીશ ? શું તું આપણા સંતાનને મા અને બાપ બંનેનો પ્રેમ આપી શકીશ ?"


"ચંદના, આ વિકલ્પ પસંદ કરીશ એ સવાલ પૂછવાનો જ ન હોય. હું આ જ વિકલ્પ પસંદ કરું છું. પણ તારી જિંદગી સાથે કોઈ રિસ્ક લઇને નહિ. આપણું સંતાન, તારું અને મારુ સંતાન ! મેં પણ ઘણા સપના જોયા છે આપણા ભવિષ્યને લઈને કે આપણું એક સંતાન હોય એમાં પણ એક પ્રેમાળ દીકરી, એ પણ એકદમ તારા જેવી. પણ ચંદના, તું એટલું ખાતરીપૂર્વક કેવી રીતે કહી શકે કે આપણે દીકરી જ આવશે કે તે એનું નામ પણ વિચારી રાખ્યું છે, દીકરો પણ આવી શકે ને ? અને પણ શું આપણા કેસમાં આ બધું શક્ય છે ?

"દેવેન...."

"અચ્છા ઠીક છે, હું કાલે શિશિર સાથે આ બાબતમાં વાત કરી લઈશ બસ. હવે સુઈ જા, પ્લીઝ."

"દેવેન શિશિર સાથે સરોગસી બાબત વાત કરે છે. અને શિશિરના એક ગાયનેકોલોજિસ્ટ મિત્ર સાથે ચંદનાના કેસની ચર્ચા પણ કરે છે. સાંજે શિશિર ચંદનાને ખુશ ખબર આપેછે કે સરોગસી થઇ શકે છે અને બધું જ વ્યવસ્થિત રીતે થઇ જશે. મારા મિત્રએ સરોગસી માટે એક ઓળખીતા બહેનને વાત પણ કરી લીધી છે અને એ તૈયાર છે. એમનું નામ રાધિકા છે."

"દેવેન, મારે એ માતૃત્વને માણવું છે. રાધિકાબેન આપણા ઘરમાં આપણા પરિવારના સભ્યની જેમ જ રહેશે. હું એક એક ક્ષણ આપણા બાળક સાથે વિતાવવા માંગુ છું."


સરોગસી ની વાતથી રમેશભાઈ, રસીલાબેન તથા નરેશભાઈ ખુશ થયા. જયારે નયનાબેને આવનાર બાળકને સ્વીકારવાની પણ મનાઈ કરી દીધી.


બધી જ પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ રાધિકા દેવેન અને ચંદના સાથે રહેવા આવી ગયા. દેવેન અને ચંદના રાધિકાબેનનો ખુબ ખ્યાલ રાખે છે. બાળકની ખુશીમાં ચંદના પોતાનું દુઃખ પણ ભૂલી જાય છે. સાતમા મહિને શ્રીમંત વિધિ પણ કરવામાં આવી. એ પછી તો ચંદના પોતાના બાળક સાથે વાતો કરતી. પોતાનો સ્પર્શ મેહસૂસ કરાવતી. રાધિકા ને હવે નવમો મહિનો બેસી ગયો. ચંદના બસ રાહ જોતી હતી પોતાના બાળકની. એવામાં ૧૩ ફેબ્રુઆરીની રાતે ચંદનાની તબિયત અચાનક થી ખરાબ થઇ ગઈ. એ દરમિયાન રાધિકાને પણ લેબર પેઇન્સ શરુ થઇ ગયા.


ચંદના એ દેવેન ને કહ્યું કે "હવે વધારે સમય નથી મારી પાસે. હું મારી પરીનું મોં તો જોઈ શકીશ ને ?"

"હા,હા, તને કંઈ નહિ થાય ચંદના. તું આપણી પરીને રમાડીશ પણ ખરી."


દેવેન તે એક વિકલ્પ પસંદ કર્યો આપણા સંતાન નો. હું તને મારા મૃત્યુની ક્ષણે એક વચન આપું છું કે હું તારી અને આપણા સંતાનની સાથે હુંમેશા રહીશ. જયારે જયારે તું મને યાદ કરીશ ત્યારે ત્યારે હું તારી પાસે આવીશ. મારા પ્રેમની કોઈ સીમા , કોઈ બંધનો રોકશે નહિ. હું મારી પરછાઇની જવાબદારી તને સોંપીને જાઉં છું. એનું ધ્યાન રાખજે. એનો ૧૧ મોં જન્મદિવસ ધામધૂમથી ઉજવજે. તું ખુશ રહેજે. એમ કહેતા કહેતા રાતે ૧૧.૫૯ વાગે ચંદનાના શ્વાસ અટકી ગયા અને ૧૨ વાગે દેવેનને ફોન આવ્યો કે રાધિકા એ દીકરી ને જન્મ આપ્યો છે. દેવેનને સમજાતું ના હતું કે એ હસે કે રડે ? દીકરીના જન્મ ની ખુશી માનવે કે પત્નીના મૃત્યુનો શોક ? પરંતુ દેવેને ચંદનાને એક વચન વધુ આપેલું કે જયારે ચંદનાનું મૃત્યુ થાય ત્યારે કોઈ રડે નહિ અને બધા જ એને આનંદપૂર્વક વિદાય આપે. આ વચન પણ દેવેને નિભાવ્યું.


પરીના આવ્યા બાદ, પરીનું ધ્યાન રાખવા દેવેને પોતાના સાસુ સસરાને પોતાની સાથે રહેવા બોલાવી લીધા. પરીના પગલાં દેવેન માટે ખુબ શુકનિયાળ સાબિત થયા. દેવેને ધંધામાં ખુબ પ્રગતિ કરી. ઇન્ડિયામાં એની કંપની ટોપ ૧૦માં આવી ગઈ. પરીમાં હંમેશા દેવેનને ચંદનાની જ પરછાઇ દેખાતી. દેવેન પરીની મા પણ હતો અને પિતા પણ. ચંદનાએ આપેલા વચન પ્રમાણે એ હંમેશા દેવેન અને પરીની સાથે જ રહે છે. દેવેનને ચંદના મૃત્યુ પામી છે એવું ક્યારેય નથી લાગ્યું.


પરી હવે બધું જ સમજતી હતી. પોતાની મમ્મીને જોઈ ના હતી પરંતુ એના હોવાની અનુભૂતિ કરી શકતી હતી. ભૂતકાળમાં ખોવાયેલા દેવેનનો હાથ પરી એ પકડ્યો અને એની બાજુમાં આંસુ ભરી આંખે ઉભી રહી ત્યાં જ પરીને અચાનક સુંવાળો સ્પર્શ થયો. આ સ્પર્શને ઓળખતા પરીને વાર ન લાગી. હા, એ સ્પર્શ ચંદનાનો હતો. પરી દેવેન અને ચંદનાનો હાથ પકડી ને ઉભી હતી...!


Rate this content
Log in

Similar gujarati story from Romance