પ્રેમ-વ્હેમ
પ્રેમ-વ્હેમ
ડોરબેલ વાગતાં જયનાએ બારણું ખોલ્યું. મસમોટો લાલ ગુલાબનો બુકે લઈને કોઈ ઊભું હતું. બુકેની પાછળ એનો ચહેરો ઢંકાઈ ગયો હતો.
“કોણ?”
“વિલ યુ બી માય વેલેન્ટાઈન?”
જયનાને આતુરતા મિશ્રિત ગુસ્સો આવી ગયો.
“અરે! આટલી બેશરમી? આમ અજાણ્યાને ત્યાં જઈને ઊભા રહી જવાય? જરાય મર્યાદા ખરી કે નહીં?”
અને..
બુકેની પાછળ છુપાયેલો ચહેરો પ્રગટ થયો.
જયનાના ચહેરા પર એક આક્રોશ છલકાયો.
“તું?”
“હા.”
“હવે શું કામ?”
“મને તારા વગરની જિંદગી કેવી હોય એ સમજાઈ ગયું જયના.”
“તે મને બે વાક્યનો મેસેજ કરીને ભાગી ગયો ત્યારે મારી હાલત શું થઈ હશે એ વિચાર નહોતો આવ્યો? હવે તને સમજાયું એ તારો સ્વાર્થ છે.”
“અરે બધું ભૂલી જા જયના.”
“કેવી રીતે ભૂલું પ્રહર? પ્રેમ કરત
ાં તો કરી લીધો પણ... તું પૈસાદાર બાપનો દિકરો એટલે મારા જેવી સાધારણ મા-બાપની દિકરી સાથે પ્રેમ પણ ન કરાય. સ્ટેટસ ઓછું થાય. તમારા સમાજમાં તો પ્રેમ પણ પાત્રની યોગ્યતા નહીં તિજોરીની યોગ્યતા પ્રમાણે થાય ને પ્રહર! આવું તારા પરિવારે તને સમજાવ્યું અને તું? સમજી પણ ગયો ને! પેપરમાં તમારી કંપનીના ગોટાળા અને તમારી પડતીના સમાચાર વાંચ્યા છે. એટલે આજે ગુલાબના છોડ લઈને આવ્યો છે ને! પણ તેં તારા હાથે જ કાંટા વાવી દીધા છે.”
“જયના હવે ચાબખા ન માર. ચાલ ફરી એક થઈએ. મેં તને પ્રેમ કર્યો છે.”
“આહાહા! પ્રેમ?
તેં પ્રેમ કર્યો છે?
તને કંઈ વ્હેમ રહી ગયો છે પ્રહર.”
જયનાએ કડવાશથી મોં ફેરવીને બારણું બંધ કરી દીધું.
પ્રહરને હાથમાં રહેલા ગુલાબમાં છુપાયેલા કાંટા જાણે વાગી રહ્યા હતા.