પોસ્ટકાર્ડ
પોસ્ટકાર્ડ
સુંદર યાદોને દબાવીને બેઠેલ ડુંગર સમો જુનો પટારો ખોલતાં જ સહુ પહેલાં ફંફોળીને ધૂળ ખંખેરીને પોસ્ટકાર્ડ લઈને પોતાનાં હ્નદય સરસું ચાંપીને ચાંદની પોતાની ભૂતકાળની યાદોમાં સરી પડી.
એક પત્રિકામાં રાજ અને ચાંદની સાથે એકબીજાથી ચડિયાતા લેખો, કાવ્યો લખતા હતાં. બંનેને એકબીજા પ્રત્યે ભરપૂર આકર્ષણ અને એકબીજાનું સાહિત્ય વાંચવા તલપાપડ બની જતાં. પોસ્ટમેન આવે કે તરત જ ફંફોળીને એકબીજાનું વાંચતાં અને બીજો મહિનો આવે ત્યાં સુધી તે લખાણ પર અવનવા પ્રતિભાવો મૌન રહીને હદયથી આપતાં રહેતા.
આ હદયનું નિસ્વાર્થ આકર્ષણ કયારે પ્રેમમાં પરિણીત થયું તે એકબીજાને ખબર જ ન રહી. પ્રેમ, દેહના મિલન કરતાં હદયના મિલનનો શુદ્ધ સોના જેવો હોય છે. વણબોલે પાંગરેલી આ અજાણ્યાં બે હૈયાની પ્રીત ત્રણ વર્ષમાં પાંગરીને જાણે વટવૃક્ષ બની હતી. ચાંદની મર્યાદાની મજબૂત ચાદરમાં વીંટળાઈને મૌન રહી હતી પણ રાજે હિંમત કરી પોતાનાં હ્નદયમાં વિકસેલો પ્રેમ સામે પણ પ્રગટ્યો જ હશે તેવું માનીને હિંમત કરીને એક મસ્ત શણગારેલ પોસ્ટકાર્ડ ચાંદનીને શુભકામના આપવા માટે લખ્યું અને તેમાં પોતાનો ફોન નંબર પણ લખ્યો હતો. રાજને ભરોસો હતો કે જવાબ જરૂર આવશે જ.
ચાંદનીને પત્ર મળતાં જ તેની ખુશીનો પાર ન રહયો અને તે રાજનાં હદયનો ભાવ વણબોલ્યે જ સમજી ગઈ પણ મર્યાદાની ઓઢણી એવી ઓઢેલી હતી કે સરસ પોસ્ટકાર્ડ લખ્યું પણ શરમમાં પોસ્ટ ન કરી શકી કે ન ફોન પણ કરી શકી.
સમય વીતતાં ક્યાં વાર લાગે છે ? પાંચ વર્ષ વીતી ગયાં બંનેને ઘરવાળાનું દબાણ થતાં મજબૂરીથી લગ્ન કરવા જ પડ્યાં અને બંનેને એક સંતાન પણ હતું. આજ ફક્ત ચાંદની પાસે અખૂટ પ્રેમખજાનો એવું પોસ્ટકાર્ડ હતું.
અચાનક ઉંદર દોડતાં તે ચમકીને યાદોની દુનિયાથી બહાર આવીને રાજનો નંબર નેટ પરથી શોધીને ફોન કરીને બોલી,..
"રામ રામ ઓળખાણ પડે છે."
રાજના તો રામ રમી ગયાં અને ગળગળો થઇને બોલ્યો,.. "વહેલા ફોન કેમ ન કર્યોં."
ચાંદનીની આંખો સાંબેલાધાર વરસાદ વરસાવતી રડી પડી અને સ્નેહના વરસાદથી આંસુઓથી પોસ્ટકાર્ડ આખું પલળી ગયું. અધૂરી કહાની અને અધૂરું પોસ્ટકાર્ડ મર્યાદાની જૂની તૂટેલી ઓઢણીમાં દબાવીને પાછું જુના પટારામાં છુપાઈ ગયું.

