પળેપળ જીવી લો -૫
પળેપળ જીવી લો -૫
દિનેશની દાતારી
એ, રેખા ! એક વખત હું રીક્ષાની વાટ જોઈને ઊભો હતો. ત્યારે શું થયું, તને ખબર છે ? એક રીક્ષા મારી પાસે આવીને ઊભી રહી. રીક્ષાવાળાએ મને પૂછયું, ’’ચાલો, કયાં જવું છે ?” હું બોલવા જતો હતો ત્યાં ઓચિંતા મારું ધ્યાન તેના પગની સામે ગયું. હું તો અચંબામાં પડી ગયો. કારણ કે, એ રીક્ષાવાળાને બેય પગ હતા જ નહિ ! પલાંઠી વાળીને બેઠો નથી એ ખાતરી પણ કરી લીધી.
હું તેની સામે જોવા લાગ્યો. તે સમજી ગયો હશે. તે બોલ્યો, ’’અરે ! ચિંતા ન કરો ! રીક્ષા બરાબર જ ચલાવું છું.”
મેં પૂછયું, ’’ભાડું કેટલું થશે ?”
તે કહે, ’’કંઈ નહિ !”
ફરી પૂછયું, ’’કેમ, ભાઈ ! રીક્ષા હવાથી ચાલે છે ? ખાવા માટે પેટ નથી ?”
તે કહે, ’’અરે ! રામોલિયાસાહેબ ! તમે તો એવા ને એવા જ રહ્યા ! ચિંતા ન કરો ! ચોથો ફેરો મફત જ રાખું છું.”
મારું નામ લીધું એટલે મને ઝબકારો થયો. મને યાદ આવ્યું. મેં પૂછયું, ’’તારું નામ દિનેશ છે ?”
તે ’હા’ કહે છે અને મારો હાથ પકડીને રીક્ષામાં બેસાડી દે છે. રસ્તામાં મેં પૂછયું, ’’તારે પગ નથી તોય આવું જોખમી કામ કરશ ?” તે કહે, ’’આમાં જોખમી શું છે ? માણસ માટે કંઈ જોખમી હોતું જ નથી. એ તો જેને કામ ન કરવું હોય, એ જોખમનું બહાનું કાઢે છે. વળી જેનું મન નબળું હોય, એને બધે જોખમ જ દેખાય છે.”
જો રેખા ! આ દિનેશ અમારી શાળામાં ભણતો ત્યારે પણ આવી હિંમતવાળો જ હતો. હું કોઈ કામ ચીંધું, તો પગવાળા ઊભા થાય એ પહેલા તો તે એ કામને પૂરું કરી નાખતો. હું તેને ઘણી વખત કહેતો, ’’તારે આવી ઉતાવળ નહિ કરવાની ! કયારેક કંઈ લાગી જાય તો વળી તકલીફ ઊભી થાય.” ત્યારે તે કહેતો, ’’સાહેબ ! એવી તકલીફોનો ડર રાખીએ તો તો કદી’ કંઈ થાય જ નહિ ! તમે જ તો હેલન કેલર વિશે ભણાવતી વખતે કહ્યું હતું કે, બાળવયે જ કોઈ બિમારીને લીધે તે બહેરી અને આંધળી બની ગઈ હતી, છતાંયે તે હિંમત હારી નહોતી. આગળ વધીને તેણે ખૂબ સામાજિક કાયોઁ કયાઁ, ઘણું લખ્યું અને દુનિયામાં તેને આજે માનથી યાદ કરાય છે. તો સાહેબ ! મારે તો પગ જ નથી. બંને હાથ તો સલામત છે ને મજબૂત મન છે. પછી હિંમત શા માટે ન રાખી શકું? હું કયારેય મારા કુટુંબ ઉપર ભારે નથી પડયો. મારી આ દશા જોઈને તમારી જેમ બીજા લોકો પણ પહેલા તો મારી રીક્ષામાં બેસતા ડરે છે, પણ મારા અવાજમાં વિશ્વાસભર્યો રણકો જોઈને આનંદથી બેસી જાય છે.”
હા, રેખા ! દિનેશ તો હજી બોલ્યે જતો હતો, પણ મેં તેને અટકાવ્યો અને પૂછયું, ’’પણ તારું ’ચોથો ફેરો મફત’નું રહસ્ય મને સમજાયું નથી. એ વળી શી વાત છે ? કે પછી તું મારી પાસે ભણતો એટલે ભાડું લેવા નથી માગતો ?”
ફરી તે બોલવા લાગ્યો, ’’તમારું ભાડું તો હું ન જ લેત ! પણ આ ફેરામાં એવું પણ નથી. હું દરેક ચોથા ફેરામાં ભાડું લેતો જ નથી.”
(ક્રમશ)
