'Sagar' Ramolia

Abstract

4.9  

'Sagar' Ramolia

Abstract

પળેપળ જીવી લો -૩

પળેપળ જીવી લો -૩

2 mins
376


અને હા, રેખા ! હાડકાંની બિમારીને લીધે આ પરીક્ષિતના શરીરનો વિકાસ ધીમો રહ્યો, પરંતુ તેની બુદ્ઘિ તેજ બનવા લાગી. ઘરે રહીને પણ તે ઘણું શીખી ગયો. કદાચ તેને નાની ઉંમરે પણ સફળતાનો કોઈ મંત્ર મળી ગયો હોય એમ તે પોતાની દિવ્યાંગતાને ભૂલીને આગળ વધવા લાગ્યો. પરીક્ષા આપવા આવે ત્યારે પણ સરસ રીતે જવાબ આપે. તે નીચે તો બેસી શકે નહિ ! એટલે તેની જે ચાર પૈડાંવાળી ખાસ ગાડી હતી તેમાં બેસીને જ પરીક્ષા આપે. તેની માતાએ આ પરીક્ષિતનું ધ્યાન સતત રાખવું જ પડતું.

માતાની વાત આવી છે તો થોડી વાત પરીક્ષિતની માતા વિજયાબેન વિશે પણ કરી દઉં. પરીક્ષિતની પ્રગતિમાં કદાચ તેમની હિસ્સેદારી પણ ખૂબ છે. વિજયાબેને પરીક્ષિતનું એટલું ધ્યાન રાખ્યું કે, કદાચ પરીક્ષિત પોતે પણ પોતાની દિવ્યાંગતા ભૂલી ગયો હશે. પરીક્ષિતની દરેક બાબતનું ધ્યાન રાખવું, તેને અભ્યાસ કરાવવો, તેને કોઈ વાતનું ઓછું ન આવવા દેવું વગેરે જેવી દરેક બાબતમાં કોઈ કચાશ ન રહેવા દીધી. વિજયાબેનની મહેનત અને પરીક્ષિતની ધગશ - બંને મળીને પરીક્ષિતને સફળતાના રસ્તે આગળ વધારે છે.

વિજયાબેન પાસેથી જાણવા મળ્યું કે, પરીક્ષિત નાનપણથી જ પોતાના પિતાને પણ કહેતો કે, ’’પપ્પા ! તમે ચિંતા ન કરતા. હું એકાઉન્ટ કરવાનું કામ કરીને તમને મદદરૂપ બનીશ.” આ કેવી સમજદારી હતી એ નાના બાળકની ! સંપૂર્ણ શરીરવાળા બાળકો પણ આ ઉંમરે આવું કહી શકતા નથી. એટલું જ નહિ, કામ કરવામાંથી પણ ભાગતા હોય છે. ત્યારે આ નાના પરીક્ષિાતે તો આવી હિંમત બતાવી. પણ આવા જ સમયે કુદરતે જાણે આ પરિવારમાં બીજો આઘાત આપ્યો. પરીક્ષિતની ઉંમર દસ વર્ષની હતી ત્યારે જ તેના પિતાનું અવસાન થયું. પછી વિજયાબેન પરીક્ષિતને લઈને મુંબઈ પનવેલમાં રહેવા ગયાં. પણ આ આઘાતથી ન વિજયાબેન હિંમત હાર્યાં, કે ન પરીક્ષિતની ધગશ ઓછી થઈ. તેના મનમાં તો અવરોધો સામે જીતવાની ધગશ હતી, અને એ ધગશને જીતવા માટેનો પોતાનો સ્વભાવ બનાવી લીધો હતો.

અને હા, રેખા ! માણસના મનમાં આશાવાદ હોવો જોઈએ. આશાવાદ એટલે વિશ્વાસ, અને આ વિશ્વાસથી માણસ ગમેતેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ પોતાનો રસ્તો કાઢી શકે છે. પનવેલમાં જઈને પરીક્ષિતને પાંચમા ધોરણમાં પ્રવેશ અપાયો. ઘરે રહીને અભ્યાસ કરવાનો. આ રીતે સમય વીત્યો, ધોરણ દસની બોર્ડની પરીક્ષા આવી, પછી તેનું પરિણામ આવ્યું અને આ પરિણામે તો પરીક્ષિતની જિંદગીનાં અનેક દ્વાર ખોલી નાખ્યાં. દિવ્યાંગ બાળકોની શ્રેણીમાં ૮૦.૪૬ ટકા સાથે પાસ થઈને મહારાષ્ટ્રમાં પોતાનો ડંકો વગાડી દીધો. આ પરીક્ષા પણ તેણે પથારીમાં સૂતાં-સૂતાં જ આપેલી. પછી તો અનેક ટી.વી. ચેનલોવાળા, અનેક અખબારોવાળા અને રાજકીય નેતાઓ પણ પરીક્ષિતને સરાહવા માટે ઘેર આવવા લાગ્યા. પરીક્ષિતની આ સફળતા તેને વધારે આગળ વધવા પ્રેરે છે. દસમું ધોરણ પાસ કર્યા પછી તે માતાને મદદરૂપ બનવા માટે અભ્યાસની સાથે-સાથે ઓનલાઈન માર્કેટીંગ થકી કમાણી કરવા લાગે છે. અલબત, બધું પથારીમાં રહીને જ.

(ક્રમશ)


Rate this content
Log in

Similar gujarati story from Abstract