પકડો પકડો ચોર... ચોર...
પકડો પકડો ચોર... ચોર...
એક સવારે અકબરના દરબારના બધા મંત્રીઓ રજવાડે ભેગા થયાં અને ફરિયાદ કરી કે એમની બધી કિમંતી વસ્તુઓની ચોરી થઈ છે. અકબરને પોતાના કાન પર વિશ્વાસ ન થયો કારણ મંત્રીઓ જ્યાં રહેતા હતાં. ત્યાં રાજદરબારીઓ સિવાય બીજા કોઈનો પણ પ્રવેશ નિષેધ હતો. આમ મંત્રીઓ જ્યાં રહેતા હતાં એ રાજ્યની એકદમ સલામત જગ્યા માનવામાં આવતી. અકબરે બીરબલનો બોલાવ્યો અને વિગતવાર બધી વાત કહી. આ સાંભળી બીરબલ બોલ્યો “હોય ન હોય ચોર મંત્રીઓમાંથી જ કોઈક હોવો જોઇએ પણ તમે મહારાજ ચિંતા ન કરતાં મારી પાસે એક ગધેડો છે. જે ચોરને તુરંત ઓળખી કાઢશે.”
અકબરે આશ્ચર્યથી પૂછ્યું “એ કેવી રીતે ?”
બીરબલ “હવે વાત એવી છે કે મારો જે ગધેડો છે તેણે હું સામેના ઓરડામાં મુકીશ મંત્રીઓ એકપછી એક ગધેડાની પુછડી પકડશે. જેવી ચોર પુછડી પકડશે કે મારો ગધેડો “હોંચી હોંચી” એમ કરશે.”
અકબર આ સાંભળીને ખુશ થઇ ગયા. કોણ ચોર છે ? તેના કરતાં અકબર અને દરબારીઓમાં એ ગધેડા વિષે કુતુહુલતા જાગી. બીજા દિવસે સવારે જ મંત્રીઓ સહીત બધા દરબારમાં સમયસર આવી ગયા. બિરબલે પોતાનો ગધેડો એક બંધ કમરામાં મુક્યો. એકપછી એક બધા મંત્રીઓ અંદર જઈ જઈને ગધેડાની પુછડી પકડી બાહર આવવા લાગ્યાં. અકબર ઉસ્તુક્તાથી ગધેડાના આવાજની ઇન્તેજારી કરવા લાગ્યાં. પણ આ શું બધા અંદર જઈ આવ્યા છતાંય ગધેડા એ “હોચી..હોચી કર્યું નહિ..” આ જોઈ અકબર બોલ્યા “બીરબલ આનો મતલબ સાફ છે કે ચોર કોઈ બાહરનો જ વ્યક્તિ હોવો જોઇએ આ વખતે તારું અનુમાન ખોટું સાબિત થયું.” બિરબલે હસીને કહ્યું “મહારાજ થોંબો અને રાહ જુઓ...” આમ બોલી બીરબલ એક એક મંત્રીઓનો હાથ સુંઘવા લાગ્યાં. અને અચાનક એક મંત્રીનો હાથ સુંઘતા તેઓ બોલ્યા.”મહારાજ આ જ ચોર છે.”
એ મંત્રી એકદમ ગભરાઈ ગયો. અને બોલ્યો”મહારાજ આ ખોટું છે બીરબલ પોતાની વાત સાચી સાબિત કરતાં મને ફસાવી રહ્યા છે.” અકબર પણ આ જોઈ થોડા બીરબલ પર રોષે ભરાતાં બોલ્યા “બીરબલ આ બધું શું છે ?” હસતામુખે બીરબલ બોલ્યા “મહારાજ પેલો ગધેડો કોઈ ચમત્કારિક નથી મેં જાણી જોઈને પુછડી પકડતાં એ હોંચી હોંચી કરશે એમ બોલ્યો હતો. ખરેખર જાદુ ગધેડામાં નહી પણ પુછ્ડીમાં હતો.”
અકબર “એ કેવી રીતે બીરબલ ?”
બીરબલ “મહારાજ દરઅસલમાં મેં ગધેડાની પુછડી પર ઈત્ર લગાવ્યું હતું. જે ચોર નહોતા તેમણે ગધેડાની પુછડી પકડી પણ આ મંત્રી ચોર હોવાને કારણે એણે ગભરાઈને ગધેડાની પુછડી પકડી જ નહી અને તેથી તેનાં હાથમાં ઇત્રની સુગંધ નથી.”
આ સાંભળી મંત્રી લજ્જાઇ ગયો અને બોલ્યો “માફ કરો મહારાજ મારાથી ભૂલ થઇ ગઈ.”
અકબરે ખુશ થતાં બીરબલને ૧૦૦૦ સોનાની મોહરો આપતાં કહ્યું “વાહ બીરબલ વાહ! ગધેડાની મદદથી તે ચોર મંત્રીને ખરો ગધેડો બનાવ્યો.”
