ફના કોણ?
ફના કોણ?


આલિશાન કેબિનમાં મંત્રીશ્રી સ્વતંત્રતાદિવસ પૂર્વે યોજાયેલ પત્રકાર પરિષદમાં જોશભેર વાતો કરી રહ્યા હતા,
“મારા વતન માટે કેટલા શહીદોએ શહીદી વહોરી લીધી. વતન પર જો મુશ્કેલી આવે તો મારે ફના થઈ જવું પડે તો પણ કબૂલ છે. આ ખુરશીની ઇજ્જત એમ એળે જવા નહીં દઉં. દેશની જનતાની રક્ષા માટે હું હરહંમેશ હાજર છું.”
સરસ વાર્તાલાપ ચાલી રહ્યો હતો ત્યાં મંત્રીજીનો પી.એ. દાખલ થયો. એણે મંત્રીજીના કાનમાં વધામણી આપી.
“પેલા કેસને સુલટાવી દીધો છે. આપના સ્વીસ એકાઉન્ટમાં રકમ જમા કરાવી દીધી છે. થોડી ધાકઘમકી આપવી પડી પણ કામ પતી ગયું.”
આ ગુસપુસથી પત્રકારોના કાન ચમક્યા ન ચમક્યા ત્યાં મંત્રીજીએ ચહેરા પર સદંતર સપાટ ભાવ સ્થાપિત કરીને કહ્યું,
“અરે રામસિંગ, પત્રકાર મિત્રો માટે ચા-નાસ્તાનો પ્રબંધ કરજો. આજે હું પણ એમની સાથે જ ચા લઇશ.”
પોતે મનોમન વાતો કરી રહ્યા..
“આનો આવો જાહેર બફાટ ન ચાલે. પત્રકાર પરિષદ પૂરી થાય ત્યાં સુધી રાહ નહોતી જોવાતી? એને તો જોઈ લઇશ. વતન ખાતર કંઈ પરિવારની સુખસાહ્યબી રખડાવાય! આ એક નાની ઘટના મને ઉઘાડો કરી મુકવા કાફી હતી. પણ ખેર! બધું સચવાઈ ગયું.”
ચા ની ચુસ્કીમાં મંત્રીજીએ વતનને વહેતું મુક્યું.