પૅરાલિમ્પિકમાં પ્રવીણ કુમાર
પૅરાલિમ્પિકમાં પ્રવીણ કુમાર
પૅરાલિમ્પિકમાં ઊંચી કૂદમાં સહુથી નાની ઉંમરે ચન્દ્રક મેળવનાર 18 વર્ષના પ્રવીણ કુમાર તેની શારિરીક મર્યાદા માટે ભેદભાવનો સામનો કરી ચૂક્યો છે.
ઉત્તર પ્રદેશના જેવાર જિલ્લાના ગોવિંદગઢ ગામના આ ખેલાડીએ દિલ્હી યુનિવર્સિટીમાં બી.એ.માં પ્રવેશ મેળવવા માટે સ્પોર્ટસ ક્વોટામાં અરજી કરી હતી, પણ ડિફરન્ટલી એબલ્ડ હોવાને કારણે તેને પ્રવેશ નકારવામાં આવ્યો. તેને એની ક્ષમતા બતાવવાની તક પણ આપવામાં ન આવી.
હકીકતમાં તો પ્રવેશ વખતે પણ પ્રવીણ કુમાર નામના મેળવી ચૂક્યો હતો. એની શરૂઆત નવમા ધોરણમાં આંતરશાલેય સ્પર્ધાથી શરૂ થઈ. દિલ્હીથી અઢી કલાકના રસ્તે આવેલા ગોવિંદગઢની શાળા તરફથી ઊંચી કૂદમાં નામ લખાવવા ગયો ત્યારે શિક્ષકે તેની શારિરીક મર્યાદાને કારણે તેને સાફ ના પાડી. પણ પછી સિંચાઈ ખાતામાં કામ કરતાં તેના પિતાની અમરપાલની વિનંતીથી પ્રવીણને તક આપી અને પ્રવીણે સુવર્ણ ચન્દ્રક મેળવ્યો.
પ્રવીણનું ગોવિંદગઢ રમતગમતને ચાહે છે અને ત્યાં એનું નામ ઘરે ઘરે લેવાય છે. એના ભાઈબંધો ખાસ કરીને વૉલીબૉલના કૌવતના વખાણ કરતાં થાકતા નથી: ‘તેને આવડે છે એના કરતાં અરધું ય અમને આવડતું નથી. વો ખડે ખડે હમારે ઊપર સે કૂદ જાતા થા. ક્રિકેટ, વૉલીબૉલ, કબ્બડી... એવી કોઈ રમત નથી કે જેમાં એ અમારા બધાથી આગળ ન હોય.’
એના માતા નિર્દોષ દેવી કહે છે : ‘ એને કૂદકા મારવા બહુ ગમે. એ ધાબે જઈને કલાકો સુધી કૂદકા માર્યા કરે.’ ઘરના દસ ફૂટ ઊંચા છાપરા તરફ આંગળી ચીંધીને તેઓ કહે છે : ‘ઘરની અંદર પણ એ કૂદીને છાપરાને અડવાની કોશિશ કરે.’
પ્રવીણ જ્યુનિયર લેવલની સ્પર્ધાઓમાં સક્ષમ શરીરવાળા સ્પર્ધકોને પાછળ પાડી દેતો. પિતા અમરપાલને તેની વિશેષ ક્ષમતાની ખાતરી થઈ. એટલે તેમણે ખૂબ કોશિશ કરીને ડિફરન્ટલી એબલ્ડ ખેલાડીઓ માટેના દેશના ખ્યાતનામ કોચ ડૉ. સત્યપાલનો સંપર્ક કર્યો. સત્યપાલ કહે છે : ‘પ્રવીણને તેના પિતા મારી પાસે લઈને આવ્યા ત્યારે એની કૂદમાં કંઈ ખાસ ન હતું, પણ ખેલાડી તરીકે તેનામાં સ્ફોટકતા હતી.'
સત્યપાલે સપ્ટેમ્બર 2018 થી તેને તાલીમ આપવાની શરૂઆત કરી. સમય ઓછો હતો. તેમાંય પ્રવીણને કોવિડ થયો. ' તેમ છતા' , સત્યપાલ કહે છે.
'પ્રવીણ તેના માટે અનિવાર્ય એવી, આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતી ફૉસબરી ફ્લૉપ નામની ટેકનિક શીખ્યો. અમે થઈ શકે એટલું બધું કર્યું, અને પરિણામ તમારી સામે છે.’ પૅરાલિમ્પિકના બે-એક વર્ષ પહેલાં, પ્રવીણની તાલીમ ચાલુ હતી તે વખતે દિલ્હી યુનિવર્સિટીએ તેને ડિસેબલ્ડ કોટા થકી પ્રવેશ લેવાની સલાહ આપી. એ વાત શિષ્ય અને ગુરુ બંનેને ખૂબ ખટકી. સત્યપાલે યુનિવર્સિટી સત્તાવાળાઓને માંડ મનાવીને પ્રવીણને સ્પોર્ટસ ક્વોટાના પ્રવેશ માટેની રમત સ્પર્ધામાં ભાગ લેવા માટેની મંજૂરી મેળવી. પ્રવીણે એ સ્પર્ધાઓમાં નોન ડિસેબલ્ડ ખેલાડીઓ સાથે સ્પર્ધા કરીને બીજા નંબરે આવીને કૉલેજમાં પ્રવેશ મેળવ્યો.
હવે પ્રવીણ પૅરાલિમ્પિકમાં જીત્યો એટલે તેના રમતપ્રેમી ગામને આશા છે કે તેમને એક સ્ટેડિયમ મળશે. અત્યારે તો કોઈ પણ સ્તરની ઍડવાન્સ્ડ તાલીમ મેળવવા માટે ખરાબ રસ્તા પરથી અઢી કલાક પ્રવાસ કરીને દેશના પાટનગરમાં પહોંચવું પડે છે.
