પાણી જ પાણી
પાણી જ પાણી


“ઓહો! પાણી આવવાનો સમય થઈ ગયો.”
સંતુ પરાણે જાગી. મોં પર પાણીની છાલક મારી મારીને ઊંઘ ઉડાડવાનો પ્રયાસ કરતાં કરતાં હાથમાં રોજની જેમ બે-ત્રણ ડોલ લીધી અને ચાલમાં નીચે કોમન નળ હતો ત્યાં જઈને લાઈનમાં ઊભી રહી.
“હાશ! આજ તો બીજો જ નંબર છે. હમણાં વારો આવી જશે.”
અને વારો આવતાં નળ નીચે ડોલ મુકી. ડોલમાં પડતા પાણીને લીધે ઉઠતા વલયમાં પોતાના મનનું પ્રતિબિંબ પડતું જણાયું.
“મારી તો જિંદગી આમ ને આમ પાણી ભરવામાં જ ખતમ થઈ જવાની. બળ્યું જનમ પણ સાવ સામાન્ય ઘરમાં અને ફેરાય સામાન્ય રિક્ષા ચલાવતા રામનાથ સાથે થયાં. માત્ર એક ચાલમાંથી બીજી ચાલમાં આવી એટલું જ બદલાયું. ત્યાં આઈ સાથે ઘેર ઘેર કામ કરવા જતી અને અહીયાં રામનાથની ઓછી આવકમાં પૂરું ન થતાં બે ઘેર રોટલી કરવા જતી.
સંપન્ન લોકોને ઘેર નાનપણથી જતી-આવતી સંતુને આલિશાન જિંદગીનાં સપનાં જોઈને નિ:સાસો નીકળી જતો.”
પાછળથી તાઈએ બુમ પાડી,
“સંતુ એ સંતુ, આપણ કાય કરત આહાત? ડોલ છલકાય છે. આપણને પાણી બગડે એ ન પોષાય હોં!”
અને ઝબકીને સંતુએ ડોલ ખસેડીને બીજી મુકી.
“બે ડોલ પાણીમાં કાલ સવાર પાડવાની. અને પેલા તરુણાશેઠાણીને ત્યાં રોટલી કરવા જાઉં એટલી વારમાં એ કેટલું પાણી વેડફી નાખે એ જોઉં.”
રામનાથને ચા આપી એ ગણેલાં ત્રણ ડબલાંમાં શાહી સ્નાન કરીને તૈયાર થઈ. ત્યાં પતિએ કહ્યું,
“સંતુ ઈકડે બસ. એક વાત કહેવી છે.”
આ સમયે ક્યારેય બેસવાનું ન કહેતા પતિ પાસે એ સહેજ અચરજથી બેઠી.
“કાય ઝાલા રામ? સઘળા ચાંગલા આહે? તુઝી તબિયત છાન આહે?”
“હો હો મી બરા આહે. તુમી ઈકડે બસા. મારે વાત કહેવી છે. સહેજ મુંઝવણમાં છું.”
“સાંગ સાંગ માલા.”
સંતુને હવે ફિકર થઈ.
સંતુએ રામનાથને કપાળે હાથ મૂક્યો.
“અરેરે! મી ચાંગલા આહે. વાત જાણે એમ છે કે,
કાલે રિક્ષામાં જુહુ સ્કીમના બે પેસેન્જર હતા. બાપ-દિકરો હતા. એ ઇર્લા નર્સિંગ હોમથી બેઠા અને વાતો કરતા હતા.
“મમ્મીને તો હવે લાંબું થયું. હા પપ્પા જ્યાં સુધી ઇન્ફેક્શન નહીં નાબુદ થાય ત્યાં સુધી રજા નહીં મળે. ઘર કેમ સચવાશે? આપણી બંનેની જોબ અને મમ્મીને સાચવવાનું કેવી રીતે શક્ય બનશે?”
અને એ લોકો ચિંતામાં જ પોતાના ઘર પાસે ઉતરી ગયા. પણ મારા મનમાં સવાલ મૂકતા ગયા. “આમ્હી મદત કરા? આપણે શું કરી શકીએ?”
“રામ, વેડે હોઉ નકા. પાગલપન છોડ. આમચી સ્થિતી કાય આહે? તું જાણતો નથી?”
“હા પણ માનવતા મબલખ છે આપણી પાસે.”
“એકલી માનવતાથી શું વળે?”
એ દિવસે બંને વચ્ચે ચર્ચા ચાલી.
પણ પછી ઈર્લા નર્સિંગહોમમાં રોજ સંતુનો કલબલાટ ગુંજવા લાગ્યો.
મનસુખભાઈ અને કુંજન બાપ દિકરો રામનાથની રિક્ષામાં આવ-જા કરવા લાગ્યા. બંનેના જોબના સમય પણ સચવાઈ ગયા.
માલતીબહેન સાજાં થઈને ઘેર આવી ગયાં પણ સંતુને એમણે રજા ન આપી. સંતુ સવારથી સાંજ માત્ર માલતીબહેનને એમના ડિઝાઈનર બુટિકમાં મદદ કરવા લાગી. ધીરે ધીરે એ પોતે સ્વતંત્ર ડિઝાઇનિંગ કરવા લાગી.
રામનાથને મનસુખભાઈએ શેઠના ડ્રાઈવર તરીકે નોકરી અપાવી. એની પ્રમાણિકતા જોઈને શેઠે મનસુખભાઈના મદદનીશ તરીકે એને બઢતી આપી.
ચાલની રુમને બદલે કાંદિવલીમાં એક બેડરુમનું ઘર લેવાયું. ચાલના બધા પડોશીઓને રામનાથે વાસ્તુમાં બોલાવ્યા.
તાઈએ આશિર્વાદ આપતાં કહ્યું,
“તુ તો એક મોઠા માણુસ ઝાલા આહે.”
“ના ના તાઈ, હું એ જ તમારો રામ છું. આઈ-બાબાના ગયા બાદ તમે મા ની જેમ પ્રેમ આપ્યો છે. હંમેશાં તમારો અને ચાલના બધા પડોશીમિત્રોનો અહીં હક રહેશે. મળતાં રહેશું.”
બીજે દિવસે સંતુ સવારે ઊઠી.
રોજની ટેવ મુજબ ડોલ યાદ આવી પણ અહીં તો ઘરમાં જ બાથરુમ અને રસોડાની ચોકડીમાં જ નળ હતા. બસ, નળ ખોલો અને પાણી જ પાણી. સંતુએ નળ ખોલ્યો અને
ડોલમાં પડતા પાણીને લીધે ઉઠતા વલયમાં ફરી પોતાના મનનું પ્રતિબિંબ પડતું જણાયું.
થોડા દિવસ પછી મનસુખભાઈને વિનંતી કરી રામનાથ અને સંતુએ ચાલમાં દરેક રુમમાં પાણીની લાઈન નખાવવા માટેની કાર્યવાહી ચાલુ કરાવી.