પાનખરની પીડા
પાનખરની પીડા


દિવાળીના દિવસો નજીક આવી રહ્યા હતા. સૌ હર્ષ ઉલ્લાસથી દિવાળીના આગમનની તૈયારી કરી રહ્યા હતા. બજારોમાં ભીડ નજરે પડતી હતી. વર્ષ થોડું નબળું હતું. વરસાદ ખપ પૂરતો પણ ન પડ્યો. મજૂર વર્ગમાં જોઈએ તેટલો ઉત્સાહ ન હતો. પરંતુ શ્રીમંતોને ક્યાં દુષ્કાળ નડે છે? એ તો દુષ્કાળનો લાભ ઉઠાવી વધુ રૂપિયા કમાવવાની તરકીબો શોધી કાઢે છે.
મહેશભાઈના ઘરમાં પણ ખરીદી ચાલી રહી હતી. તે બાંધકામ વિભાગમાં એંજીનીયર હતા. આવક ખૂબ સારી હતી.(પગારની સાથે) પત્નિ બે બાળકો અને વૃધ્ધ માતા-પિતા સાથે એક સરસ ફ્લેટમાં ઉચ્ચ સોસાયટીમાં રહેતા હતા.તેમના પત્નિ મીના બહેન પણ દિવાળીની તૈયારીમાં લાગી ગયા હતા. ઘરમાં નવા ફર્નિચરથી માંડીને કપડા સુધીની તમામ ખરીદી ચાલુ જ હતી, દિકરી શૈલી માટે મોંઘામાં મોંઘા ચોલી શુટ, પુત્ર માટે રેડીમેડ કપડા, પોતાના માટે નવી ફેશનની સાડી અને મહેશભાઈ માટે કિંમતી સૂટ. બધી જ ખરીદી થઈ ગઈ હતી.
ઘરમાં રહેલા વૃધ્ધ સાસુ-સસરા વિસરાઈ ગયા હતા. તેમના માટે બે જોડી કપડા લેવાનો કોઈના મનમાં વિચાર સુધ્ધા ન આવ્યો!. વહુ ખરીદી કરીને આવતા ત્યારે જયામાં હોંશે હોંશે પૂછતા બેટા આ તારી સાડી સરસ છે કેટલાની આવી? ત્યારે મીના બહેન મ્હોં બગાડી જવાબ આપતા મને કંઈ બધી વસ્તુના ભાવ યાદ નથી. જયામા ચૂપ થઈ જતા.
ધનતેરસ આવી ગઈ. લક્ષ્મીપૂજન થવા લાગ્યું. અને રંગોળીથી ઘર સજાવવામાં આવ્યું. જાત-જાતની મીઠાઈઓ બનવા લાગી. કોલોનીમાં મીઠાઈ અને જુદા-જુદા ફરસાણોની સુગંધ પ્રસરવા લાગી.
જયામા અને ઠાકરબાપા પોતાના રૂમમાં ઠાકોરજીની સેવા કરતા અને સમય વીતાવતા. તમને ડાયાબીટીસ છે ડોક્ટરે મીઠાઈ ખાવાની ના પાડી છે કહી મીના બહેન તેમને સાદુ ભોજન જ આપતા.
મીઠાઈ અને ફરસાણ તો ખાસ નવા વર્ષે આવનાર મહેમાનો માટે રાખવામાં આવ્યું હતું. દિવાળીના દિવસે રાત્રે ઘરના બધા રોશની જોવા શહેરમાં ઉપડી ગયા. ઘરમાં વૃધ્ધ દંપતી અંધારામાં બેસી અતીત ને યાદ કરવા લાગ્યા.
ઠાકરબાપાની આવક ત્યારે ખપ પુરતી જ હતી. પરંતુ દિવાળીમાં મહેશ માટે તેઓ નવા કપડા ખરીદતા,ફટાકડા લેવા મહેશને સાથે લઈ જતા. તેને જોઈએ તેટલા ફટાકડા અપાવતા. દિવાળીની રાત્રે મહેશ જીદ કરી તેના બા-બાપુજીને સાથે લઈ રોશની જોવા જતો. ઘરમાં મહેશને ભાવતી મીઠાઈઓ બનતી. પોતે બંને કરકસર કરી લેતા. પરંતુ મહેશને કોઈ ચીજની કમી ન રહેતી.
આજે એ મહેશને મા-બાપ સાથે બેસી વાત કરવાનો પણ સમય નથી.અરે! દિવાળીના બે જોડી સારા કપડા ખરીદી મા-બાપને આપવાની તેને ફુરસદ નથી. આજે વૃધ્ધ દંપતી વિચરે છે,
'વસંતો બધી કળીને ખીલવવામાં વિતાવી દીધી,
ખીલેલી એ કળીએ, પાનખરની પીડા વધારી દીધી!
છતાય પુત્ર અને પૌત્રના સુખ ખાતર એ બંને એ પાનખરની પીડાને પોતાના મુખ પર 'દિવાળીની ખુશાલી' થી ઢાંકી દીધી.