ઓલ્ડ ઈઝ ગોલ્ડ
ઓલ્ડ ઈઝ ગોલ્ડ




પુરાતત્વ વિભાગમાં માસ્ટર્સ થઇને આવેલી પૌરવી એવી કેટલીક ગુફાઓની મુલાકાત બાદ એની જર્જરિત હાલત જોઇને બહાર આવીને મીડિયા સમક્ષ બળાપો ઠાલવી રહી હતી.
" વી શુડ પ્રોટેક્ટ અવર આર્કિયોલોજીકલ પ્રોપર્ટી. ઓલ્ડ ઇઝ ગોલ્ડ. આ વર્ષો જુની પૂરાણી ગુફાઓમાં કુદરતનાં કંઇ કેટલાંય રહસ્યો છુપાયેલાં છે. સરકારની જવાબદારી છે છતાં ન સમજે તો આપણા જેવા આવી અસ્ક્યામતોની કિંમત સમજનારા લોકોએ એક થઈને કોઈ મજબૂત પગલાં લેવાં જોઈએ.”
પૌરવીના આ વેધક સ્ટેટમેન્ટને કેટલીય ચેનલોએ પ્રકાશિત કરીને એને પ્રસિધ્ધ બનાવી દીધી.
રિસર્ચ પ્રોજેક્ટ પતાવીને પંદર દિવસે ઘેર આવતાં જ સમજણા થઇ રહેલા દિકરાએ કહ્યું,
" મમ્મા, યૂ ડીડ એક્સલન્ટ જોબ. તેં તો સરકારની આંખ ઉઘાડી નાખી. "
પૌરવી ગર્વ અનુભવી રહી.
પણ તરત જ દિકરાનું બીજું વાક્ય આવ્યું,
" તો મમ્મા, દાદા દાદી પણ આપણી પુરાણી પ્રોપર્ટી જ થઇને?
આપણે એમની બહુ જ કાળજીપૂર્વક જાળવણી કરવી જોઈએને!”
સાસુ સસરાની સાથે હંમેશાં અનુચિત વ્યવહાર કરતી પૌરવી દિકરા સાથે નજર ન મેળવી શકી.
દિકરો હજી મમ્મીના વાક્યને પુનરાવર્તિત કરી રહ્યો હતો,
“ઓલ્ડ ઈઝ ગોલ્ડ.”