નવરાત્રિ-૨૦૧૯
નવરાત્રિ-૨૦૧૯


નવદુર્ગા.કોમ અને નવદુર્ગા વોટ્સએપ ગૃપ પર અંબાજીનો મેસેજ મુકાઈ ગયો,
”ફરી કસોટીનો કાળ આવી પહોંચ્યો છે. પૃથ્વી પર નવરાત્રિમાં પરિભ્રમણ કરવા માટે કોણ તૈયાર છે અને કઈ જગ્યાએ કોણ કોણ હાજરી આપશે એ નક્કી કરવા આજે રાત્રે મિટીંગ બોલાવવામાં આવી છે. દરેક એફેક્ટેડ દેવીઓને હાજર રહેવા વિનંતી.”
ખાસ આમંત્રિત કરાયેલા મહાદેવના અધ્યક્ષપદે બરાબર સમયસર મિટીંગ શરુ થઈ.
સરસ્વતીના વેલકમ સંબોધન પછી કાર્યવાહી ચાલુ કરવામાં આવી.
અંબાજી સહુથી વધુ પરેશાન હતાં.
”મહાદેવ, નવરાત્રિ આવી રહી છે. પહેલાં તો મારી અર્ચનામાં માત્ર આપણા નામના ગરબા જ ગવાતા. મને બહુ ગમતું. પણ છેલ્લા કેટલાય વર્ષોથી મને સમજ ન પડે એવી રચનાઓ અને તાલ માનવ લઈ આવ્યો છે.
તારા વાઘને પાછો વાળ રે, મોરી અંબાજી મા...
આ સાંભળીને રાજી થાઉં ત્યાં..
ભલા મોરી રામા, ભલા તારી રામા..
જેવું કંઈ અજબ સંભળાય. હવે આમાં રામ ક્યાં આવ્યા? રામા એટલે આપણે આપણા મર્યાદા પુરુષોત્તમ રામ સમજવાનું? બહુ કન્ફ્યુઝન થાય છે.
અને વળી સરસ બે તાળીના ગરબામાં હું તલ્લીન થાઉં ત્યાં તો ડાકલાં વાગવા માંડે. પછી ન જાણે શું શું માનવજાત ગાય છે!
આખી નવરાત્રિ હવે આવી ધમચકડીમાં જ પસાર થાય બોલો!”
બાજુમાં બેઠેલાં બહુચરાજી પણ શિયાંવિયાં હતાં.
“મહાદેવ, માનવજાત મલ્લામાતા તરીકે અમને બેસાડી રાખે અને પોતે તો આખો દિવસ ક્યાંય ગાયબ થઈ જાય. પાણીનો ભાવ પણ પૂછવા કોઈ આવતું નથી. ગરમીમાં ત્રાહિમામ પોકારી જવાય છે. રીતસર આકરી કસોટી થાય છે અમારી.”
આમ, દરેકની વાત સાંભળ્યા બાદ મહાદેવે માઇક સંભાળ્યું,
“હે દેવીઓ, હું તમારી વાત સમજી શકું છું. પણ ભક્તોની ભાવના સમજવાની વાત છે. લોકોને એક જ રાગ-તાલથી કંટાળો આવે એટલે ગરબાને વૈવિધ્યસભર બનાવે. તમને જેટલું ગમે એટલું સાંભળવું. આટલાં મોટાં આયોજન માત્ર આપણાં માટે જ માનવજાત કરે છે એનો આદર કરવો.”
એમ જ ઘણી બધી ચર્ચાઓ પછી બે નિર્ણય મહાદેવે સર્વસંમતિથી જાહેર કર્યા.
એક તો જેમ સીતામાતાએ વનવાસ પહેલાં પોતાનું અસલ સ્વરુપ અગ્નિને ખોળે પધરાવીને ભ્રામક સ્વરુપ ધારણ કર્યું હતું એમ માતાજીઓ નવરાત્રિ દરમ્યાન પૃથ્વી પર પોતાનાં ભ્રામક સ્વરુપ પધરાવે.
બીજી વાત કે કોઈ વાર હવે પછીનાં વર્ષોમાં કેટલાક પસંદગી પામેલા માનવગણને ચાચરના ચોકમાં આમંત્રિત કરવામાં આવે. નવરાત્રિ અહીયાં ઉજવવામાં આવે. તો આપણે આપણી પસંદગી મુજબ ગરબા માણી શકીશું.
મહાદેવના નેતૃત્વ હેઠળ ચાલેલી બેઠક અંતમાં ફળાહારથી સંપન્ન થઈ. દરેક દેવીઓ કસોટીમાંથી પાર પડ્યાં હોય એવી હળવાશ સાથે સ્વસ્થાને બિરાજી ગયાં.