નવજીવન
નવજીવન
રામપરા નાનકડું ગામ. એમાં રહેતાં લોકો સાધારણ રીતે તંદુરસ્ત. ચોખ્ખાં હવાપાણી અને મહેનતુ લોકો. એટલે શરદી, ખાંસી, તાવ તરિયા જેવી નાની મોટી સાધારણ માંદગી તો ઘરઘથ્થુ ઉપચારથી મટી જાય. ખરી કસોટી કોઈ સ્ત્રીની સુવાવડ આવવાની હોય ત્યારે જ થાય. એ પણ હમણાં સુધી તો ગામની ગંગા દાયણ જ સુખરૂપ પાર પાડતી. હવે ગંગાબાની તબિયત લથડી હતી એટલે રાતવરત એ કશે જઈ શકતાં નહીં. એમાં ગોવિંદની રાધાને ઘણાં વર્ષો પછી દિવસ ચડ્યાં હતાં. બંને ખૂબ ચિંતામાં હતાં. દિવસે તો ગમે તેમ કરી પહોંચી વળાશે પણ રાતના કંઈ મુસીબત આવી તો, શું કરશું ? એ ચિંતા એમને કોરી ખાતી હતી.
ગોવિંદનો પિતરાઈ નજીકના થોડા મોટા કહેવાય તેવા કસબામાં રહેતો હતો. એણે ગોવિંદને રાધાને નવમો મહિનો બેસતાં જ પોતાના ઘરે બોલાવી લીધાં હતાં. તેના ઘરની નજીકમાં જ એક ડૉકટર શાહ તેમના પત્ની સાથે દવાખાનું ચલાવતાં અને બાજુમાં જ પાંચ ખાટલાની નાની હૉસ્પિટલ હતી. ડૉ.શાહના પત્ની મીરાબેન ખૂબ જ માયાળુ અને સંનિષ્ઠ ડૉક્ટર હતાં. પતિ પત્ની બંને બાળકોના ડૉક્ટર પણ કમનસીબી કેવી કે લગ્નના દસ વર્ષ પછી પણ એમના ઘરે કોઈ સંતાન ન હતું. બંનેએ ખૂબ દવા કરી પણ પરિણામ શૂન્ય આવતા ભગવાન પર ભરોસો મૂકી બધું છોડી પોતાના કાર્યક્ષેત્રમાં મન પરોવી દીધું.
ગોવિંદ રાધાને લઈ ડૉક્ટર મીરાબેન પાસે તપાસ કરાવવા આવવા લાગ્યો. રાધાને જુન મહિનાની અઠ્ઠાવીસ તારીખ આપી હતી. બંને ખૂબ ઉત્સાહમાં હતાં. ત્યાં જ ચોવીસ તારીખે રાધાને દુઃખાવો ઉપડ્યો એટલે ગોવિંદ એને રિક્ષામાં બેસાડી હૉસ્પિટલ આવતો હતો. ત્યાં જ હૉસ્પિટલની નજીક જ એક ટ્રક રિક્ષા સાથે અથડાઈ અને રિક્ષા ઊંધી પડી ગઈ. ટ્રકનું પૈંડું ગોવિંદ પર ફરી વળ્યું. એ ત્યાં જ મૃત્યુ પામ્યો. રાધાને ઊંચકીને લોકો ડૉ. શાહના દવાખાને લઈ આવ્યાં.
રાધાને જોઈ ડૉ. મીરાબેન એને તરત જ ઑપરેશન થિયેટરમાં લઈ ગયાં. એની હાલત પણ ખૂબ ગંભીર હતી. એ બેભાન અવસ્થામાં પણ એક જ રટણ કરી રહી હતી. "ડૉક્ટર મારા સંતાનને બચાવી લો." ડૉક્ટર મીરાબેન અને ડૉક્ટર શાહે ખૂબ જહેમતથી રાધાનું ઑપરેશન કરી એના સંતાનને તો બચાવી લીધું. પણ રાધાની હાલત ખૂબ કફોડી હતી. એના બચવાના કોઈ એંધાણ વર્તાતા નહોતા.
મીરાબેને રાધાની છાતી પર એની દીકરીને સૂવડાવી. રાધાએ પ્રેમભરી એક અંતિમ નજર પોતાની દીકરી પર નાંખી. મીરાબેનના હાથમાં પોતાની દીકરીનો હાથ મૂકી દીધો અને ગોવિંદ પાછળ ચાલી નીકળી. જાણે નિઃસંતાન ડૉક્ટર દંપતીને સંતાન સુખ આપવા માટે જ બંને પતિ પત્ની રામપરા ગામમાંથી અહીં આવ્યા ન હોય.
હૉસ્પિટલમાં સૌની હાજરીમાં આ ઘટના ઘટી. ગોવિંદના પિતરાઈએ પણ કોઈ દાવો ન કર્યો એટલે ડૉક્ટર દંપતીએ બધી કાનૂની કાર્યવાહી કરી એ દીકરીને દત્તક લઈ લીધી. એક અનાથ બાળકીને ડૉક્ટર દંપતીએ અને બાળકીએ ડૉક્ટર દંપતીને જાણે નવજીવન આપ્યું.
