નવી નિમણુંક
નવી નિમણુંક


મિત્રો આપણાં દરેકની લાઈફમાં જેમ આનંદ,ખુશીઓ, અને ઉત્સાહ જેવી લાગણીઓ રહેલી હોય છે, તેવી જ રીતે આપણાં દરેકની લાઈફમાં એક ડર પણ રહેલો હોય જ છે. કોઈકની લાઈફમાં આ ડર નાનો હોય છે, તો કોઈકની લાઈફમાં તો આ ડર એટલો બધો કે મોટો હોય છે, જેને લીધે તે વ્યક્તિ રાતે શાંતિથી સુઈ પણ નથી શકતી અને ભર ઊંઘમાંથી તે એક ઝબકારા સાથે જાગી જતી હોય છે. મારી અંદર હાલમાં પણ એક ડર રહેલો છે, જે મેં નીચે વર્ણવેલ છે....!
મિત્રો હાલમાં હું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જોબ કરું છું, અને છેલ્લા એક વર્ષથી મને પ્રતિનિયુક્તિ મળતાં હું ડેપ્યુટેડ નર્સિંગ ટ્યુટર તરીકે જોબ કરી રહ્યો છું, છેલ્લાં ચાર વર્ષથી તો આ બરાબર ચાલતું હતું, હું અને મારા પત્ની રાજીખુશીથી રાજકોટમાં રહેતાં આવ્યાં હતાં.
પરંતુ છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન મેં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ નર્સિંગ ટ્યુટરની પરિક્ષા આપી હતી, જેમાં મારે અડધો માર્ક ઓછો આવવાને લીધે, મારું નામ વેઇટિંગ લિસ્ટમાં આવી ગયું હતું, મારું નામ વેઇટિંગ લિસ્ટમાં આવ્યું એનું મને દુઃખ તો હતું જ પણ સાથે સાથે એ વાતની ખુશી પણ હતી કે એટલો વધારે સમય હું મારી પત્ની સાથે રાજકોટમાં રહી શકીશ.... પછી કઇ સંસ્થા ખાતે મને નિમણુંક આપવામાં આવે એ કોઈ નકકી નહોતું, ઉપરાંત જે કોઈપણ જગ્યાએ ઓર્ડર આવશે તે જગ્યાએ પાંચ વર્ષ ફિક્સ પગારમાં વિતાવવા જ પડશે, આ બાબત પણ નિશ્ચિત હતી.
હાલમાં આ પરીક્ષામાં પાસ થનાર બધાં જ ઉમેદવારોને અલગ - અલગ સંસ્થાઓમાં નિમણૂક મળતાં, તે લોકોને નિમણૂક આદેશ પણ આપવામાં આવેલ છે, જે વાતના આજે ત્રણેક મહિના પસાર થઈ ગયાં છે.
ગૌણ સેવા પસંદગી મંડળ વેઇટિંગ લિસ્ટ ક્યારે ઓપરેટ કરે એ મને હાલમાં પણ કોઈ જ ખ્યાલ નથી, બની શકે કે મંડળ આવતીકાલે, આવતાં અઠવાડિયે, આવતાં મહિને કે પછી આવતાં વર્ષે આ વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરે....આ વેઇટિંગ લિસ્ટ જ્યારે પણ ઓપરેટ થશે તે દિવસથી માંડીને પાંચ વર્ષ સુધી મારે મારા પત્નીથી અલગ થવાનું થશે. એ વાત તો નિશ્ચિત છે.. બસ મને એ જ બાબતનો ડર હંમેશા હતો..છે.. અને ભવિષ્યમાં પણ રહશે. મારા પત્નીથી દૂર થવાનાં ડરને લીધે હાલમાં હું પણ ક્યારેક ભર ઊંઘમાંથી ઝબકીને જાગી જાઉં છું. આ પાછળ એક કારણ એ પણ છે કે હાલમાં મારી પત્નીને ત્રણ મહિનાની પ્રેગ્નન્સી છે, જો આવી હાલતમાં હું તેને એકલી મૂકીને મને જે સંસ્થામાં આદેશ આપવામાં આવે ત્યાં મારી નોકરી કરવાં માટે જઈશ, ત્યારે મારી પત્નીની માનસિક હાલત કેવી થઈ જશે...? આ બાબતનો ડર મને હંમેશા સતાવે છે.
આ સમયે મારે મારી પત્ની પાસે મારી હાજરી હોવી ખુબજ જરૂરી છે, કારણે કે મારી એકમાત્ર હાજરી તેના મનોબળમાં સો ટકાનો વધારો કરતી હોય છે, કોઈની તબિયત ફોન કરીને પૂછવી અને તેને રૂબરૂ મળીને, તેની પાસે બેસીને, તેના બરડામાં વ્હાલથી હાથ ફેરવીને પૂછવી..! - આ બને પરિસ્થિતિઓ વચ્ચે જમીન આસમાનનો ફરક રહેલો છે.