નિશ્ચય
નિશ્ચય
વલસાડમાં ચંદુભાઈનો સાડીનો સ્ટોર. સસ્તામાં સસ્તી અને મોંઘામાં મોંઘી સાડી એમના સ્ટોરમાં મળી રહે. દીકરા તનુષે એમ.બીએ.થઈને પિતાની સાથે સ્ટોરમાં જ સેટ થવાનું પસંદ કર્યું, પોતાની મરજીથી.
પત્ની કાન્તાબેને, વ્યવસાય કરતી મહિલાઓનાં બાળકોને સાચવવા માટે ઘરમાં જ" રમકડાં ઘર" નામની સંસ્થા ચાલુ કરી. પૈસાની કોઈ કમી નહીં પરંતુ સમય પસાર કરવા. મદદમાં ગંગા નામની બાઈ આવે.
વહુ તન્વીને સંપૂર્ણ આઝાદી. કોઈ રોકટોક નહીં. સર્વીસ પર જાય ત્યારે પૌત્ર રાહુલ ને કાન્તાબેન સાચવે. વહુ આવે ત્યાં સુધીમાં સાંજની રસોઈ પણ તૈયાર. વહુને કોઈ ચિંતા નહીં. છતાં પણ વહુને કાન્તાબેનની હાજરી ગમતી નહીં. કચકચ કરે રાખે. કાન્તાબેન સમજે પણ ધ્યાન પર ન લે.
ઉંમર થતાં ચંદુભાઈએ ધંધો દીકરાને સોંપી, કાન્તાબેન ને પણ " રમકડાં ઘર" બંધ કરાવી, કાન્તાબેન સાથે આરામથી ઘરે રહેવાનું પસંદ કર્યું. પૌત્ર રાહુલ પણ મૌટો થઈ ગયો.
એક દિવસ કાન્તાબેનને તન્વીની અને એની મા કલાબેન સાથેની વાત સાંભળવામાં આવી. પ્લાન એવો કે, હવે ધંધો તનુષના હાથમાં છે, તો બંને ને જાત્રા કરવા મોકલો ને પરત આવે ત્યારે ઘરે ન લાવતા ઘરડાઘરમાં મૂકી આવવાના. કાન્તાબેને વાત પતિને કરી.
રાત્રે ચંદુભાઈ એ તનુષને બોલાવી કહ્યું, કાલથી હું પણ દુકાને આવીશ,આખો દિવસ ઘરમાં ગમતું નથી. અને બીજે દિવસથી દુકાને જવા માંડ્યું. ધીમે ધીમે કારભાર પોતાના હાથમાં લઈ લીધો.
થોડા દિવસ પછી તન્વીના મમ્મી કલાબેનને બોલાવી કહ્યું, દસ વર્ષ સુધી તમારી દીકરી સાસરે રહી, હવે મેં નિશ્ચય કર્યો છે કે આ દસ વર્ષ જે રીતે તમારી દીકરી સાસરામાં રહી તે જ રીતે મારો દીકરો એનાં સાસરે રહેશે. આટલા વર્ષ સુધી વહુની કમાણી અમે લીધી નથી,એ બાબતે અમે કોઈ દિવસ કંઈ પૂછ્યું નથી. દીકરા વહુને દર વર્ષે એ લોકોની ઈચ્છા મુજબ ફરવા જવા માટે,ખરીદી માટે પૈસા આપ્યા છે. તો હવેથી એ જ રીતે મારો દીકરો એનાં સાસરે રહેશે.
કલાબેન તો વાત સાંભળી હતભ્રત. કળ વળતાં પૂછ્યું કેમ આવું? ચંદુભાઈ એ જવાબ આપ્યો,તમારે તમારી તન્વી સ્વતંત્ર રહે એવું જ જોઈતું હતું ને? તમારી સલાહ મુજબ અમને ઘરડાઘરમાં મોકલીને દીકરીને સ્વતંત્ર કરવી હતી. એટલે જ મેં નિશ્ચય કર્યો કે હું મારા દીકરાને એની પત્ની અને પુત્ર સહિત સાસરે મોકલું છું. દીકરી ને મહિયર જેવી સ્વતંત્રતા તો ક્યાં મળવાની ?
