નાનું ઘર
નાનું ઘર
'હાશ.. આખરે આપણું પોતાનું ઘર બની ગયું.' રીતેશ બોલ્યો.
રીતિકા:-' હા..હાશ... હવે મને શાંતિ થશે. પોતાના ઘરમાં એક પ્રકારની માનસિક શાંતિ મળશે. આ આપણે પાંચ કે છ વર્ષ સુધી ભાડાના મકાનમાં રહ્યા હતા પણ શાંતિ મળતી નહોતી.'
રીતેશ:-' મારે પણ ઓફિસ જવાનું થતું હતું ત્યારે થતું કે ઘરમાં આવીશ ત્યારે મકાનમાલિકની કચકચ સાંભળવી પડશે. આપણે પાંચ વર્ષમાં મોંઘા ભાડામાં રહ્યા હતા. છતાં શાંતિ નહોતી. હજુ વર્ષ પુરું થાય કે બીજું મકાન બદલવાનું. ઘર બદલીને થાકી ગયો હતો. એ તો સારું છે કે મારા મિત્રએ લોન મેળવવા માટે મદદ કરી હતી. અમદાવાદ જેવા શહેરમાં વન બીએચકે ઘર લેતા પણ ફાંફા પડી જાય છે.'
રીતિકા:-' આપણે બંને જોબ કરીએ છીએ છતાં માંડ માંડ ઘર ચાલતું હતું. હવે બે રૂપિયા બચાવીને ઘર ચલાવીશ.'
રીતેશ:-' તું બહુ સમજું છે રીતિકા.'
રીતિકા:-' પણ તમારા જેટલી નથી.'
રીતેશ:-' એટલે ?'
રીતિકા:-' એટલે કે તમે ઠરેલ છો. મારા જેવીને ધીરજના પાઠ શીખવ્યા અને સમજુ બનાવી. નહિતર હું નટખટ હતી.'
રીતેશ:-' રીતિકા, હજુ પણ તું નટખટ છે. આ રવિવારે આપણે ડી માર્ટ જઈને શોપિંગ કરવા જવાનું છે. તું આવીશ ને !'
રીતિકા:-' હા...હા.. હવે તમે કહો એ પ્રમાણે જ.'
