નાનકીના પપ્પા
નાનકીના પપ્પા


"એ.... પપ્પા આવી ગયા....!!!" સોફા પર બેઠીને હોમવર્ક કરી રહેલી સાત વર્ષની નાનકીએ સ્કૂટરનો અવાજ સાંભળીને જાહેર કરી દીધું.
"મારા માટે શું લાયવા?" પપ્પાના પ્રવેશતાની સાથે જ નાનકીએ સવાલ કર્યો.
"સોરી દીકુ, આજે તો હું ભૂલી જ ગયો." પપ્પાએ બનાવટી હાવભાવ સાથે કહ્યું.
નાનકીએ તો હોમવર્ક બાજુમાં મૂકી દીધું. મોઢામાં હવા ભરી, અદબવાળી અને રીસાઈ બેઠી.
"અરે દીકુ, એટલામાં કંઈ રીસાઈ જવાનું હોય?" પપ્પા તો સોફા પાસે ઘૂંટણીયે બેસી નાનકીને વહાલ કરવા લાગ્યા. ગાલ પર બે-ચાર ચુમ્મીઓની સાથે હળવેકથી કરડી પણ લીધું!
"એ....." નાનકી તો રોવા લાગી.
"શું થયું?" મમ્મીએ રસોડામાંથી બુમ પાડી.
"આ પપ્પાએ... કડ્ડી લીધું..." રોતા રોતા નાનકી બોલી.
"આ પપ્પા તો બો ખરાબ. એક તો મારા દીકુ માટે કંઈ લાયવા નઈ ને ઉપરથી કડ્ડી લીધું." મમ્મી રસોડામાંથી બહાર આવીને બનાવટી ગુસ્સામાં બોલ્યાં.
એટલામાં તો પપ્પાએ ખીસ્સામાંથી એક ચોકલેટ કાઢીને નાનકીના મોઢાં આગળ નચાવી, નાનકીએ તો રીતસરની ચોકલેટ આંચકી લીધી અને ખાવામાં મશગુલ થઈ ગઈ.
"શું વાત છે ? આજે બો ખુશ !" મમ્મીએ પૂછ્યું.
"બસ એમ જ..." પપ્પાએ કહ્યું, "અરે આજે તો ચેતન મળ્યો હતો."
"કોણ? આપણે પેલે ત્યાં...." મમ્મી અંદાજો લગાવી રહ્યાં.
"અરે ના. તું નહીં ઓળખે. અમે સ્કૂલમાં સાથે ભણતાં હતાં. પછી તો એ લોકો ક્યાંક બીજે શિફ્ટ થઈ ગયેલાં" પપ્પા બોલ્યાં, "સાંજે હું ઓફિસમાંથી બહાર નિકળ્યો ને એ સામેથી આવતો હતો. હું એ તો એને ન ઓળખ્યો પણ એણે મને ઓળખી લીધો ને બૂમ પાડી. એને ધ્યાનથી જોયો ત્યારે હું એને ઓળખી શક્યો. એ તો એટલો સૂક-લકડી હતો અને હવે આટલો ફૂલી ગયો છે. પેટ તો આટલું મોટું!" હાથના ઈશારા સાથે પપ્પા બોલ્યાં.
"એમ !" મમ્મી બોલ્યાં.
"એની પાસે તો કંઈ બે ટેમ્પા છે, માર્કેટમાં ડીલીવરી કરે છે એવું એ બોલ્યો. તો મે કીધું સારું કમાતો લાગે છે, એટલે જ તે આટલી બોડી બનાવી લીધી છે! એ બોલ્યો, પથરા બોડી. ચરબી છે ચરબી! ટેમ્પામાં બેઠી બેઠીને! પણ તું તો યાર એકદમ ફીટ લાગે છે !"
આ ફીટ શબ્દ બોલતાંની સાથે જ પપ્પાની આંખોમાં ચમક આવી ગઈ.
"ખરેખર ? હું ફીટ છું કે ?" પપ્પાએ સહેજ અચકાતા આ સવાલ પૂછ્યો ને સાથે સાથે કબાટ પરના અરીસામાં ખુદને એક નજર જોઈ લીધો.
"આય હાય ! તો તમને આજ સુધી કોઈએ જ નથી કીધું?" મમ્મીએ વિસ્મય સાથે પૂછ્યું.
"શું....???" પપ્પાએ ખૂબ જ આશ્ચર્ય સાથે પૂછ્યું.
"...કે તમે તો એટલા ફીટ છો કે પાંત્રીસના થયા તોપણ લાગો તો પચ્ચીસના જ !!!" મમ્મીએ કહ્યું.
પપ્પાને તો મલકાઈ રહ્યાં અને અત્યાર સુધી ચોકલેટની લિજ્જત માણી રહેલી નાનકી તો સોફા પર ઊભી થઈ ગઈ, કમર પર પોતાના બંને હાથ મૂકીને પપ્પાને ધ્યાનથી જોવા લાગી જેની નોંધ મમ્મીએ ત્રાંસી નજરે લઈ લીધી.
"...અને હોય કેમ નહીં... આખરે પપ્પા છે કોના?" મમ્મીએ લાક્ષણીક અદા સાથે પૂછ્યું.
"કોના?" નાનકીથી અનાયાસે બોલી જવાયું.
"નાનકીના જ તો વળી, બીજા કોના?" મમ્મીએ ફોડ પાડ્યો ને નાનકી તો સોફા પરથી કૂદીને કીલ્લોલ કરતી પપ્પાને બાઝી પડી.