ન માનવા જેવો આભાર
ન માનવા જેવો આભાર


સવારે ચા બની. નવ વાગે નાસ્તો બન્યો. સાડા બારે ગરમ ગરમ જમવાનું પણ તૈયાર.
બે વાગે ટી.વી. જોતાં જોતાં અચાનક સારંગને યાદ આવ્યું, બે વાગી ગયા. હજી શ્રુતિ શું કરે છે? રુમની બહાર ડોકિયું કર્યું તો બાલ્કનીમાં ઝાપટીને કપડાં સૂકવતી શ્રુતિ નજરે ચડી.
સારંગને કપડાં પરથી વિખેરાયેલા સળની જેમ મગજ પરથી કરચલી વિખેરાઈ.
“આખો દિવસ શું કામ હોય તારે?”
આ પ્રશ્નના જવાબ કોરોનાએ સાક્ષાત દેખાડી દીધા હતા.
સવારે ચા થી માંડીને રાતના ઘરને લોક મારવા સુધીના બધાં જ કામ જે મહત્વના કામના લિસ્ટમાં આજ સુધી નહોતાં આવતાં એ શ્રુતિને વ્યસ્ત રાખતાં હતાં. ક્યારેય પગાર નહીં, રજા નહીં. વગર બોલે કરાતાં કામ સારંગને ડંકાની ચોટ
દેવા લાગ્યાં.
બીજે દિવસે સવારે શ્રુતિની આંખ ખુલી ત્યારે રસોડામાં ખખડાટ સંભળાયો.
બહાર આવીને જોયું તો સારંગના હાથમાં તપેલી અને સાણસી હતાં.
“શું કરો છો?”
“ચા મૂકું છું.”
“અરે હું મૂકીશ ને!”
“હા, તું જ તો મૂકે છે. લોકડાઉનમાં બધાને વેકેશન પડ્યું પણ તારે બેવડી જવાબદારી આવી એ સમજાયું. ડોક્ટર અને આવશ્યક સેવાઓ બજાવનારને થાળી વગાડીને શાબાશી મળી પણ તને અને દરેક ગૃહિણીને અમારે ધન્યવાદ આપવા જોઈએ એ છેલ્લા સાત દિવસથી તને જોઉં છું ત્યારે સમજાય છે. જિંદગીભર કોઈ અપેક્ષા વિના હર એક સંજોગમાં તમારી સેવાઓ 24/7 ચાલુ જ હોય છે.”
શ્રુતિને મનોમન કોરોનાનો આભાર માનવાનું મન થયું !