ન કહેવાયેલી વાતો - 5
ન કહેવાયેલી વાતો - 5
( ગતાંકથી શરૂ....)
મિશા ને એ વાતની તો ખુશી થઈ કે થોડાં દિવસ તેના મમ્મી પપ્પા સાથે રહેવા મળશે પણ સાથે સાથે એ વાતની ચિંતા પણ હતી કે જો તેનાં મમ્મી પપ્પા ને ખબર પડશે કે આદિત્ય અહીં રહે છે તો તેઓ પોતાને અહીં રહેવા દેશે નહીંં.
મિશા એ વિચારી લીધું કે શક્ય હોય ત્યાં સુધી મમ્મી પપ્પા ને આદિત્ય સામે આવવાં દેશે નહીંં.
સવારમાં મિશા ઊઠી ત્યાં તેના મમ્મી એ ચા નાસ્તો બનાવી રાખ્યો હતો.
આજે રવિવાર હતો એટલે સ્ટુડિયો પણ જવાનું ન હતું...એટલે તે મમ્મી સાથે ફટાફટ કામ પર લાગી ગઈ જેથી આખો દિવસ તેમની સાથે આરામથી પસાર કરી શકે..
**************
" નિશાંત, આજે તો તું ઘરે જ છો ને.." ગીતાબેને કહ્યું.
" હા, મમ્મી બોલો શું કામ હતું.."
" હવે મારે તને કેટલી વાર કહેવાનું ...? હવે તો લગ્ન વિશે વિચાર.."
" મમ્મી, હજું વાર છે..."
" અરે, શું વાર છે..26 વર્ષ તો થયાં, મને તો આરામ આપ હવે.."
" મમ્મી, તને કીધું ને મને કોઈ ગમશે ત્યારે લગ્ન કરી લઈશ.."
" હે ભગવાન, હું જીવું છું ત્યાં સુધીમાં આને કોઈ ગમી જાય તો સારું..!"
" શું મમ્મી, કરી દીધો ને રવિવાર ખરાબ મારો..! હું જાવ છું."
" ક્યાંય નથી જવાનું, મારી સાથે આવવાનું છે. એક ફ્રેન્ડના ઘરે."
" સારું, જલ્દી કરજે.."
નિશાંત વિચારવા લાગ્યો આમ ક્યાં સુધી મમ્મી ને આમ ના પાડશે....
ક્યારેક તો લગ્ન માટે હા કહેવી જ પડશે ને... ક્યાં સુધી રાહ જોશે એ વ્યક્તિની જે કદાચ તેની પાસે ક્યારેય નહીં આવે...!
******************
મિશાના ફોનમાં આકાશનો કોલ આવ્યો.
" આટલી સવારમાં આકાશનો ફોન.." મિશા એ કહ્યું અને ફોન ઉપાડ્યો.
" ગુડ મો્નિંગ..મિશા "
" ગુડ મો્નિંગ આકાશ..કેમ આજ સવાર સવારમાં..?"
" અંકલ - આંટી આવ્યાં છે ને એટલે થયું પૂછી લઉં કંઈ જરૂર નથી ને.." આકાશે હસતાં હસતાં કહ્યું..
" તને કેમ ખબર, મમ્મી પપ્પા તો હજું સવારે આવ્યાં..!"
" મે જ બોલાવ્યાં છે તો મને તો ખબર હોય જ ને."
" એક મિનિટ ...તે શું કામ બોલાવ્યાં...?"
" હમણાં તને એકલું એકલું ના લાગે ને એટલે.."
" આકાશ, તું સાચું બોલે છે ને કંઈ બીજી વાત તો નથી ને..??"
" અરે ના ના બીજી કોઈ વાત નથી..હું આવું છું થોડીવારમાં ત્યાં.."
" હા સારું આવ.."
મિશા એ ફોન મૂક્યો અને તે વિચારવા લાગી કંઈક તો વાત છે જ આકાશ આ રીતે અચાનક મમ્મી પપ્પાને મને કહ્યાં વિના તો ના જ બોલાવે...!
આકાશ આવે ત્યારે તેને જ સરખી રીતે પૂછી લઈશ..અને નિશાંત ને પણ મેસેજ કરી ને કહી દે છે કે તેનાં મમ્મી પપ્પા આવ્યાં છે, થોડો સમય હોય તો અહી આવી જાય આકાશ સાથે વાત કરવા...
" આશી અહીં આવ તો..." મિશા ના મમ્મી બોલ્યાં,
" મમ્મી, હવે તો મિશા નામ યાદ રાખી લે.." મિશા એ બનાવટી ગુસ્સાથી કહ્યું,
" હા હા મિશા બસ.."
" સરસ ...બોલો શું કામ હતું..!"
" મિશા, ધ્વનિ, આકાશ અને નિશાંત ને પણ બોલાવી લે આજે જમવા માટે.."
" કેમ મમ્મી, આમ અચાનક.."
" બધાંને હું અને તારાં પપ્પા મળી પણ લઈશું એટલે.."
" હું હમણાં જ બધાને કહી દઉં છું."
મિશા ને સમજાતું જ નથી કે આ બધું થઈ શું રહ્યું છે..હવે તો બધાં આવે જ પછી જ કંઈ વાત થાય....!
" મિશા, હું અને તારા પપ્પા થોડો સામાન લઈ આવીએ. બપોર માટે.." મિશાના મમ્મીએ કહ્યું.
" મમ્મી, હું લઈ આવી..બોલો શું લાવવાનું છે."
" ના ના, તું ઘરે જ રહે હમણાં બધાં આવતાં જ હશે.."
" ઠીક છે. તમે જ લઈ આવો.."
મિશાને એકવાતનો ડર હતો કે ક્યાંક આદિત્યના ઘરમાંથી કોઈ મળી ન જાય.
**************
" મમ્મી હવે કેટલી વાર..ક્યારે જઈશું...?" અકળાઈને નિશાંત બોલ્યો.
" તારે શું ઉતાવળ છે.." ગીતાબેને કહ્યું.
" અરે મમ્મી, મારે મિશાના ઘરે જવાનું છે. તેના મમ્મી પપ્પા આવ્યાં છે એટલે.."
" હા, તો ચાલને મે ક્યારે ના પાડી...!!"
" પણ તારે તો તારા ફ્રેન્ડના ઘરે જવાનું છે ને મમ્મી..?"
" હા, મિશાના મમ્મી વર્ષા બેન જ મારાં ફ્રેન્ડ છે."
" પણ તે ક્યારેય કીધું નહીંં કે..."
" હવે પાછો લપ કરવાં બેસી ગયો ચાલ ને હવે મોડું થાય છે..."
" હા હા ચાલો..."
*********************
મિશાના મમ્મી પપ્પા ઘરે આવતાં જ હોય છે કે ત્યાં જ નીચે પાર્કિગમાં દિનેશભાઈ અને હેમાબેન મળી જાય છે.
" કેમ છો, વર્ષાબેન...??" હેમાબેન એ પૂછ્યું..
" તમે અહીંયા..." વર્ષાબેન બોલ્યાં..
" હા, અમે અહીં હમણાં રહેવા આવ્યાં છીએ. મિશાના ઘરની સામે જ..."
" ઓહ, મિશા એ હજુ અમને કીધું નથી."
" વર્ષાબેન, આદિત્યની તરફથી અમે માફી માંગીએ છીએ."
" તમારે માફી માંગવાની કોઈ જરૂર નથી, થવાનું હતું તે થઈ ગયું."
" હા...ચાલો તો આજે બપોરે સાથે જમીએ.." મિશાના પપ્પા રાકેશભાઈ એ કહ્યું.
" અરે, પણ આમ અચાનક.." દિનેશભાઈએ પૂછ્યું.
" હા, મિશા ના ફ્રેન્ડ્સ પણ આવવાનાં છે અને તમારી સાથે થોડી વાત પણ કરવી છે..જો તમને કોઈ વાંધો ન હોય તો..!"
" રાકેશભાઈ અમને શું વાંધો હોય.. આટલાં સમય પછી સાથે જમીશું એનાથી સારું બીજું શું હોય..! હું અને હેમા જરૂર આવીશું.."
" આદિત્યને પણ લેતાં આવજો.."
" જરૂર.."
વર્ષા બેન અને રાકેશભાઈ ઘરે આવ્યાં...
" મિશા, ધ્વનિ નથી આવી હજુ સુધી..?"
" ના મમ્મી, આવતી જ હશે હવે.."
" મિશા, તે કીધું નહીંં આદિત્ય સામેનાં ફ્લેટમાં રહે છે...!"
" મમ્મી, કીધું હોત તો તમે અહીં મને રહેવાની પરમિશન ના જ આપત.."
" કંઈ વાંધો નહીંં ...હેમાબેન અને દિનેશભાઈ પણ આવવાનાં છે, આદિત્ય સાથે.." રાકેશભાઈ બોલ્યાં..
" પણ પપ્પા તેઓ અહીં કેમ..??"
" મારે થોડી વાત કરવી તેમની સાથે એટલે.."
" સારું..."
થોડીવારમાં ધ્વનિ આવી.... બધાએ મળીને જમવાની તૈયારી કરી. એટલી વારમાં આકાશ, નિશાંત, ગીતાબેન, આદિત્યના મમ્મી પપ્પા, આદિત્ય અને ધ્વનિ પણ આવી ગયાં......મિશાના મગજમાં એક જ વાત હતી કે મમ્મી પપ્પા એ કંઈ વાત કરવા આદિત્યને તેના મમ્મી પપ્પા સાથે બોલાવ્યાં હશે.
" મિશા શું વિચારે છે.." આકાશે પૂછ્યું..
" સમજમાં નથી આવતું, આદિત્ય ને અહી કેમ બોલાવ્યો..?"
" જમવા તારા પપ્પા એ નથી કીધું.?"
" આકાશ..! હું મજાક નથી કરતી ...."
" અરે સોરી..સોરી હમણાં તારા પપ્પા ને જ પૂછી લેજે.."
" હા.."
થોડીવારમાં બધાં જમીને હોલમાં બેઠાં હતાં....હવે રાકેશભાઈના બોલવાની બધાં રાહ જોઈ રહ્યા હતાં.
" મારે એક જરૂરી વાત કરવી છે..ખાસ તો દિનેશભાઈ સાથે.." રાકેશભાઈ મૌન તોડતા બોલ્યાં...
" હા, બોલો..." દિનેશભાઈ એ આશ્ચર્ય સાથે કહ્યું.
" મારી ઈચ્છા છે કે તમે મિશાને જે શેર આપ્યાં છે તે પરત લઈ લો..."
" પણ રાકેશભાઈ એ શેર મિશાના છે અને તેની મહેનતના છે હું કેવી રીતે લઈ શકું...?"
" આજે આ શેરના લીધે ચોરી થઈ છે ન જાણે કાલે કંઇક બીજું..."
" શું ચોરી....??"
" હા, ચોરી પૂછી જુઓ આદિત્ય...!"
મિશા ને તો સમજમાં નોહતું આવી રહ્યું કે આ બધું તેના પપ્પા ને કેવી રીતે ખબર...!
" આદિત્ય આ બધું શું છે...?" દિનેશભાઈ એ કડકાઈથી પૂછ્યું.
" પપ્પા આ કામ ખુશ્બુનું હતું જે મને પાછળથી ખબર પાડી.." આદિત્યે પોતાનાં બચાવમાં કહ્યું.
" આવી જ અપેક્ષા હતી તારાથી ..."
" આદિત્ય વતી હું દિલગીર છું...પણ હવે તો આ શેર હું આદિત્યને નહીંં જ સોંપુ."
" એ તમારો પારિવારિક વિષય છે હું તેમાં કંઈ ના કહી શકું. મિશા તું શેર આપી દેજે.."
" હા, પપ્પા આમ પણ હવે મારે આ શેરની જરૂરિયાત નથી.." મિશા એ કહ્યું..
" ઠીક છે, મિશા જેવી તારી ઈચ્છા.." દિનેશભાઈ તેમની વાત માનતા બોલ્યાં.
આકાશ અને ગીતાબેન વચ્ચે ક્યારની કોઈ ચર્ચા ચાલી રહી હતી. આખરે તેનો અંત આવ્યો અને ગીતા બેને વાત કરવાની શરૂઆત કરી..
" હવે મુદ્દા વાત હું કરું જેનાં માટે આપણે સૌ અહીં ભેગા થયાં છીએ.." ગીતાબેન નિશાંત સામું જોતા બોલ્યાં.
" હા હા ગીતાબેન બોલોને..." મિશા ના મમ્મીએ સાથ પુરાવ્યો.
" હું વિચારતી હતી કે હવે મિશાના ડિવોર્સ ને પણ બે વર્ષ થઈ ગયાં છે તો તમે તેના લગ્ન વિશે કંઈ વિચાર્યું કે નહીંં..?"
" વિચાર્યું તો હોય જ ને ગીતાબેન આખરે ક્યાં સુધી અજાણ્યાં શહેરમાં એકલી રહેશે મિશા.." રાકેશભાઈ બોલ્યાં.
" પણ પપ્પા, આ વિશે તમે પહેલાં તો કીધું નથી..?" મિશા એ પૂછ્યું.
" અરે, બેટા એમાં પૂછવાનું શું હોય..! તારાં પપ્પા તારા સારાં માટે જ કહે ને." વર્ષા બેન તેને સમજાવતાં બોલ્યાં.
" નિશાંત અને મિશા સારા ફ્રેન્ડ પણ છે અને એકબીજા ને સારી રીતે સમજે પણ છે તો તમારું શું વિચારવું છે આ વિશે રાકેશભાઈ..?" પોતાની વાત મૂકતાં ગીતાબેને કહ્યું.
નિશાંત તો હજુ પણ તેના મમ્મી સામે જ જોતો હતો કે આ તેના મમ્મી શું કરે છે..? આદિત્યને આ જાણીને આંચકો લાગ્યો હતો..મિશા અને ધ્વનિ નિશાંતને ઈશારામાં પૂછી રહ્યાં હતાં કે આ શું છે...? બધાં વચ્ચે એક જ વ્યક્તિ ખુશ હતી તે હતો આકાશ....એટલે નિશાંત ને સમજાય ગયું કે આ બધું આકાશનું જ કામ છે.
" વાત તો તમારી સાચી છે.." રાકેશભાઈ બોલ્યાં.
" તો પછી મારા તરફથી તો હા છે.." ગીતાબેને કહ્યું..
" મમ્મી તને ખબર છે તું શું બોલે છે..?" નિશાંત પોતાનાં ગુસ્સાને રોકતાં બોલ્યો.
" હા, કેમ શું ખરાબી છે મિશા માં..?"
" મમ્મી આપણે જવું જોઈએ અહીંથી, મારે કામ છે.."
" અરે પણ આમ અચાનક..." ગીતાબેન ઉઠતાં બોલ્યાં.
" હા...."
" જયશ્રી કૃષ્ણ અંકલ આંટી. પછી ક્યારેક મમ્મી ને લઈને આવીશ.." નિશાંત એટલું બોલીને ત્યાંથી નીકળી ગયો.
" વિચારીને કહેજો, પછી મળીએ.." આટલું બોલીને ગીતાબેન પણ ત્યાંથી નીકળી ગયાં.
ધીમે ધીમે બધાં છૂટાં પડ્યાં....આકાશ ને ખ્યાલ નોહતો કે પરિસ્થિતિ આટલી વણસી જશે તેથી તે પણ નિશાંતના ઘરે જ ગયો.
નિશાંત ના ઘરે.....
" મમ્મી, આ બધું કોને પૂછીને કર્યું તે.." કડકાઇથી નિશાંત બોલ્યો.
" તારી માં છું, તને પૂછવાની જરૂર નથી મારે.." હુકમથી ગીતાબેને કહ્યું.
" આકાશ.....આકાશ ના જ કામ છે આ બધાં...તેને જ બોલાવ્યાં ને મિશા ના મમ્મી પપ્પા ને અહીંયા.."
" હા, તો શું ખોટું કર્યું આકાશે.. આમ તું ક્યાં સુધી રાહ જોઈશ ! " નરમાશથી તેઓ નિશાંતને સમજાવતાં બોલ્યાં.
" મમ્મી, મેં જ મોટી ભૂલ કરી તારી અને આકાશ સાથે આ વાત શેર કરીને . "
નિશાંત પોતાનાં રૂમમાં જતાં જતાં કહેતો ગયો.
" અને હા, એક કલાક સુધી મને ઊઠાવવો નહીંં..." નિશાંત તે રૂમનો દરવાજો બંધ કરતાં કહ્યું.
ત્યાં જ આકાશ આવ્યો..
"આંટી, નિશાંત ક્યાં.." ઉતાવળા સ્વરે આકાશ બોલ્યો.
" એના રૂમમાં અને એક કલાક સુધી ઉઠાડવાની પણ ના પાડી છે...આકાશ મને લાગે છે કે આપણે ઉતાવળ કરી...વાત વધું બગડી ગઈ." ચિંતા કરતાં ગીતાબેને કહ્યું.
" ના આંટી, અત્યારે નહીંં કરીશું તો પછી મોડું થઈ જશે ને..! ચિંતા ના કરો, નિશાંત અને મિશા બંને સાથે હું વાત કરીશ.."
" સારું...પણ શાંતિ થી ..."
" હા આંટી તમે ચિંતા ના કરો...અને મને તે ડાયરી, ફોટોગ્રાફ સહિત આપી દો કદાચ જરૂર પડે.."
" પણ, દીકરા નિશાંતને ખબર પડશે તો..?"
" નિશાંતને હું સંભાળી લઈશ તમે એ મને આપી દો.."
ગીતાબેન એક આલ્બમ જેવી ડાયરી આકાશને આપી અને કહ્યું,
" સાચવજે, એક પણ વસ્તુ ખોવાઈ નહીંં.."
" હા, હા, આંટી મારા કરતાં વધુ ધ્યાન રાખીશ બસ..!"
**********************
( મિશા નું ઘર...)
" મિશા, અમે તને કહ્યાં વિના જ આ વાત કરી...પણ તું જ વિચાર આમ ક્યાં સુધી રહીશ..? " રાકેશભાઈ પૂછતાં બોલ્યા.
" પપ્પા, પણ આ રીતે નિશાંત સામે તમે વાત કરી..! તે અચાનક જ ચાલ્યો પણ ગયો કદાચ તેને ના ગમ્યું હોય એવું પણ બની શકે ને..?"
" હા, મિશા એ અમારી ભૂલ હું માનું છું. તું અત્યારે જ નિશાંતને ફોન કર હું વાત કરી લઉં અને માફી પણ માંગી લઈશ.."
મિશા નિશાંત ને ફોન કરે છે પણ તેનો ફોન બંધ આવે છે.
" કંઈ નહીંં મિશા કાલે સવારે વાત કરી લેજે, નિશાંત સ્ટુડિયો પર આવે ત્યારે.." ધ્વનિ ચિંતા ઓછી કરવા બોલી.
" હા, આ વાત પણ બરાબર છે. કાલે હું મળીને જ વાત કરી લઈશ.."
" ટેન્શન ના લેતી..આકાશ ત્યાં જ ગયો છે તે બધું જોઈ લેશે...સારું તો હું નીકળું હવે, કાલે મળીયે...બાય." ધ્વનિ એ ઘરની બહાર નીકળતા કહ્યું.
" હા, બાય.."
બીજા દિવસે સવારે રોજની જેમ મિશા અને ધ્વનિ સ્ટુડિયો પર આવ્યાં.
આકાશ અને નિશાંત આવી ગયેલાં હતાં પણ બન્ને અલગ અલગ બેઠાં હતાં જે વાત આશ્ચર્યજનક હતી બધાં માટે..!
" નિશાંત, મારાં મમ્મી પપ્પા તરફથી સોરી..મને પણ નોહતી ખબર કે તેઓ આવું કંઈક કહેશે.." મિશા એ કહ્યું.
" કોઈ વાંધો નહીંં મિશા, તારો શું વાંક એમાં..! જેને ખબર હતી તેઓ એ તો કહ્યું નહીંં." આકાશ સામું જોઈને નિશાંત બોલ્યો.
" તું મન પર ના લેતો....મને લગ્ન કરવામાં હવે કોઈ રસ નથી.." મિશા મજાક કરતાં કરતાં કહ્યું.
" મને પણ.." નિશાંત એ કહ્યું અને બધાં પોતાના કામે લાગ્યાં..
એક વાત તો મિશા એ નોટીસ કરી હતી કે કોઈ મોટી વાત જરૂર બની છે નહીંંતર ફ્કત કાલ માટે નિશાંત આકાશને આવી રીતે ઈગ્નોર ના કરે..!
" અરે, નિશાંત વાત તો સાંભળ મારી..." આકાશ નિશાંતની કેબિનમાં જઈને બોલ્યો.
" શું રહી ગયું છે તારે હવે બાકી બોલ." નિશાંતે પોતાનું કામ કરતાં કહ્યું.
" મેં શું ખોટું કર્યું એ બોલ, આમ ક્યાં સુધી ઇગ્નોર કરીશ..?"
" આકાશ મે તારા પર વિશ્વાસ કરીને મારી લાઈફની સૌથી મોટી વાત તારી સાથે શેર કરી અને તે શું કર્યું...મજાક બનાવી દીધો..!" નિશાંત ગુસ્સો કરતાં બોલ્યો.
" મેં તારાં સારા માટે કર્યું છે, છતાં પણ ન ગમ્યું હોય તો સોરી." આકાશે વાત પૂરી કરવાં માટે કહ્યું.
" નથી જોઈતું તારું સોરી, મારે વાત જ નથી કરવી અત્યારે તારી સાથે તું જઈ શકે છે.." દરવાજા તરફ ઈશારો કરતાં નિશાંત બોલ્યો.
" ઠીક છે ત્યારે, હવે નહીં કરું વાત બીજું તો શું....કોઈનું સારું કરવા જઈએ તો પણ લોકોને નથી ગમતું આજકાલ.." બોલતાં બોલતાં આકાશ ત્યાંથી નીકળી ગયો.
આ બાજુ ધ્વનિ અને મિશા ક્યારનાં આ બન્ને ની વાત સાંભળી રહ્યાં હતાં.
" કોઈ દિવસ ઝગડો ન કરનાર આ બે વચ્ચે શું થઈ ગયું અચાનક...?" ધ્વનિ એ પૂછ્યું.
" એ જ તો નથી સમજાતું, કોઈ વાત તો જરૂર છે.." મિશા એ જવાબ આપ્યો.
" કાલની વાત તો નથી ને..??" ધ્વનિ બોલી.
" ના, કાલ ની વાત આટલી પણ મોટી નોહતી કે નિશાંત આકાશ સાથે ઝગડો કરે. ચાલ આકાશ ને જ પૂછીએ." મિશા આકાશ ને આવતો જોઈને કહ્યું.
" આકાશ થયું છે તું અને નિશાંત આજે સવારથી જ આવું વર્તન કરી રહ્યાં..!" મિશા પોતાની વાત કહેતાં પૂછ્યું.
" નિશાંત ને જ પૂછી લે..નહીંંતર પછી એ કહેશે કે મે મજાક બનાવી દીધો વાતનો." આટલું બોલી આકાશ સ્ટુડિયો પરથી નીકળી ગયો.
" ચાલ મિશા શો નો ટાઈમ થઈ ગયો..આકાશ સાથે શાંતિથી વાત કરી લઈશું." ધ્વનિ એ સમય જોતાં કહ્યું.
" હા.."
સ્ટુડિયો પરથી હવે બધાં ઘરે જવાની તૈયારી કરી રહ્યાં હતાં ત્યાં જ એક નોટીસ આવી. નોટીસ જોઈને સૌથી વધુ આશ્ચર્ય મિશા અને ધ્વનિ ને થયું. આકાશ ને પણ ઝટકો જ લાગત પણ હમણાં તે અહીંયા હાજર ન હતો....!
નોટીસ માં લખ્યું હતું કે આરજે નિશાંત હવે રાજકોટથી શો કરશે કારણ કે તેને ત્યાં બદલી લીધી હતી.
" આ નિશાંત ને શું થયું છે..? સારો એવો ચાલતો હતો એ મૂકીને રાજકોટ..?"
ધ્વનિ એ પૂછ્યું.
" હા, આમ અચાનક કોઈ ને કશું કહ્યાં વિના ડાયરેક્ટ રાજકોટ..! હું નિશાંત સાથે વાત કરીને આવું." મિશા બોલી.
" હા તું વાત કરી આવ ત્યાં સુધીમાં હું આકાશ ને ઈન્ફોમ કરું છું.." ધ્વનિ આકાશ ને ફોન લગાવતાં કહ્યું.
નિશાંત કેન્ટીનમાં બેઠો હતો મિશા તેની સામેની ખુરશી પર જઈને બેસી ગઈ .
" નિશાંત શું છે આ બધું...?" મિશા એ મુદ્દાની વાત પર આવતાં કહ્યું.
" ચા છે, બીજું શું દેખાઈ તને " નિશાંત ચા સામે જોતાં બોલ્યો.
" ચા નું નહીંં હું રાજકોટ જવાની વાત કરું છું. અચાનક શું થયું છે તને..? જો મારા મમ્મી પપ્પાની વાતનું ખોટું લાગ્યું હોય તો સોરી.." મિશા એકશ્વાસે બોલી ગઈ.
" શ્વાસ લઈ લે પહેલાં તો તું....અને મને કંઈ ખોટું નથી લાગ્યું." નિશાંત એ કહ્યું.
" તો પછી તે ટ્રાન્સફર કેમ લીધું..?"
" મને રાજકોટ ગમે છે અને જો ત્યાં જવા મળતું હોય તો વાંધો જ શું છે..?"
" નિશાંત, પાંચ વર્ષથી તું અહીંયા શો કરે છે, બે વર્ષ થી હું તને ઓળખું છું, કોઈ દિવસ તારાં પાસેથી મેં રાજકોટ શબ્દ નથી સાંભળ્યો.."
" હા તો બધું જ કહેવું જરૂરી થોડું છે..! બે વર્ષમાં તે પણ ક્યારે કહ્યું કે તારાં ડિવોર્સ થયા હતાં.." નિશાંત એ કહ્યું.
" તું કઈ વાત ને ક્યાં જોડે છે..? "
" મિશા, સિમ્પલ વાત છે, મારે રાજકોટ જવું છે મતલબ જવું છે. સુરત ને ક્યાં સુધી હેરાન કરીશ હું..! " નિશાંત હસતાં હસતાં બોલ્યો.
" અરે પણ...."
" પણ કંઈ નહીંં, મારે બે દિવસ પછી નીકળવાનું છે, પેકિંગ પણ બાકી છે હજુ..! ચાલ હું નીકળું પછી વાત કરીશ.." નિશાંત મિશાની વાત કાપતાં ફટાફટ ત્યાંથી નીકળી ગયો.
ધ્વનિ એ આકાશ ને વાત કરી બધી વિગતો જણાવી.
" શું નિશાંત રાજકોટ જાય છે..? હવે તો તેણે હદ જ કરી છે.." આકાશ એ કહ્યું.
" હા, હમણાં મિશા પણ ગઈ હતી વાત કરવાં તો પણ ના કીધું કે શું કામ તેણે ટ્રાન્સફર લીધું....એક મિનિટ આકાશ આમાં તારો હાથ તો નથી ને..!" ધ્વનિ એ શંકા કરતાં કહ્યું.
" તું સીઆઈડી જોવાનું બંધ કરી દે પહેલા તો...કેવી શંકાઓ કરે છે. મારો કોઈ હાથ નથી આમાં અને રહી વાત નિશાંત ની તો મને ખબર છે કે તે શું કામ જાય છે." આકાશ બોલ્યો.
" તો બોલ ને શું કામ જાય છે ?"
" એ પછી વાત, અત્યારે હું નિશાંતના ઘરે જાવ છું. મિશાને કહી દેજે.."
" હા, કહી દઈશ.."
" તું એક કામ કર તું અને મિશા બંને કાલે સવારે 10 વાગ્યે કેફે કોફી ડે આવી જજો, બાકી વાત ત્યાં કરીશું." આટલું બોલી આકાશે ફોન મૂક્યો.
હવે, આકાશ વિચારી રહ્યો હતો કે બધી વાતો કહેવાનો સમય હવે આવી ગયો છે.....!

