STORYMIRROR

Jyoti Gohil

Romance Tragedy Others

4  

Jyoti Gohil

Romance Tragedy Others

એક સાંજ

એક સાંજ

4 mins
176

 સૂર્ય જાણે આખા દિવસનાં થાકથી વિરામ લઈ રહ્યો હતો. કદાચ તેને પણ આજે ઘરે જવાની ઉતાવળ હોય એવું લાગી રહ્યું હતું. પોતાનાં કેસરી સોનેરી કિરણોથી વાતાવરણને વધારે સુંદરતા બક્ષી રહ્યો હતો. આ કેસરી પ્રકાશમાં દરિયાના પાણી વધારે આકર્ષિત લાગી રહ્યાં હતાં. સૃષ્ટિ આ જ દરિયા કિનારે બેસી ને સૂર્યાસ્ત ને નિહાળી રહી હતી..હવાના એ આવતાં મંદ મંદ લહેરખીઓ વાતાવરણમાં વધારે ઠંડી પ્રસારી રહ્યા હતાં. છતાં પણ સૃષ્ટિ બસ આજે આ દરિયાને લહેરો અને સૂર્ય જોવામાં જ મગ્ન હતી. કદાચ તેનાં પગ સુધી આવીને ચાલી જતી ખારા પાણીની લેહરો તેનાં મગજમાં પણ વમળો લાવી રહી હતી.

' હું અહીં બેસી શકું. ?' અચાનક આ અવાજ સંભળાયો. સૃષ્ટિ તરત જ ઓળખી ગઈ. પરંતુ તેને કોઈ જવાબ આપવાનું યોગ્ય ના લાગ્યું. પેલી સવાલ પૂછનાર વ્યક્તિ જવાબની રાહ જોયા વગર જ ત્યાં બેસી ગઈ. ..થોડી વાર પછી સૃષ્ટિ બોલી.' હજું પણ આ શહેર યાદ છે ?'

આવનાર વ્યક્તિ આયુષ હતો. તે આ સવાલ પાછળનો કટાક્ષ સમજી ગયો હતો.

આયુષ : ' આજ સુધી ક્યારેય ભૂલાયું જ ન હતું..'

સૃષ્ટિ : ' ચાલો, કંઇક તો તને યાદ રહે છે. મને તો એમ કે કદાચ તને ટેવ પડી ગઈ હશે ભૂલવાની.!'

આયુષ એક પછી એક આ આવતાં બધાં જ કટાક્ષ સમજી રહ્યો હતો પણ કદાચ પોતાની જ ભૂલ હતી એવું સમજી ને કંઈ બોલી રહ્યો ન હતો.

આયુષ : ' એવી જ છે હજું, જરા પણ નથી બદલાઈ. !'

સૃષ્ટિ : ' ૫ વર્ષ માં તું કદાચ બદલાયો હશે. પણ લોકો હજું એવા જ છે..!'

આયુષ : ' આજે હું કોઈ દલીલ કરવા નથી આવ્યો તારી પાસે..'

સૃષ્ટિ : ' આજે દલીલ કરવા માટે કંઈ છે ખરું. .?'

આયુષ : ' સૃષ્ટિ, મે તે દિવસે પણ ઘણાં પ્રત્યન કરેલાં તને સમજાવવાના પણ તું કંઈ સમજે તો ને.'

સૃષ્ટિ ( હસીને ) : ' એ વાત માટે થઈ ને તું અહીં આવ્યો છે..?'

આયુષ : ' હા. તે દિવસે જે ભૂલ કરી હતી ને એ આજે સુધારી ને જઈશ..'

સૃષ્ટિ : ' આયુષ સમય બધાને એક જ વાર તક આપે છે..!'

  આયુષ હજું કંઈ જવાબ આપે એ પહેલા જ કોઈ આવે છે. અને સૃષ્ટિને કહે છે. ' જઈએ હવે . ?'

સૃષ્ટિ : હા..'

આયુષ આ આવનાર વ્યક્તિને જોઈ રહે છે પણ ઓળખતો નથી. બીજી બાજુ પેલી વ્યક્તિ પણ આયુષ સામે જોઈ રહે છે બંનેની પરિસ્થિતિ જોઈને સૃષ્ટિ બોલે છે.

સૃષ્ટિ : ' ઈશાન, આ આયુષ છે. સ્કૂલ ફ્રેન્ડ.,અને આયુષ આ ઈશાન છે મારાં હસબેન્ડ. !

ઈશાન : ' નાઈસ ટુ મીટ યૂ આયુષ..'

આયુષ : ' મી ટુ મિ.ઈશાન. '

  થોડી ઔપચારિક વાતો પછી સૃષ્ટિ જતી રહી..અને આયુષના મનમાં હજું પણ તેના શબ્દો ગુંજી રહ્યાં હતા તે થોડીવાર એ જ બેન્ચ પર થોડી વાર આંખો બંધ કરીને બેસી ગયો. તેને સૃષ્ટિ પાસેથી આ શબ્દોની અપેક્ષા હતી જ નહીં. તે માનસિક રીતે આ જવાબ માટે તૈયાર હતો જ નહીં. તેની આંખમાંથી અનાયાસે જ આંસુ સરી રહ્યાં હતાં .. ફરી એક વાર તેને પોતાના ભૂતકાળનાં દ્ર્શ્યો દેખાઈ રહ્યા હતાં.

આ એ જ દરિયા કિનારો હતો જ્યાં તે સૃષ્ટિ ને પહેલી વાર મળ્યો હતો.. અહીંથી જ તેનાં સફરની શરૂઆત થઈ હતી. .સૃષ્ટિ એ અહીં જ પોતાનાં માટે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો અને પોતે સ્વીકારેલો પણ.! ભવિષ્ય માટે અહીં બેસી ને કેટકેટલાં સપનાં જોયેલા અને આજ જગ્યાએ પાંચ વર્ષ પહેલાની આવી જ સાંજ. જયારે પોતે જ કહેલું કે તે 3 વર્ષ માટે વિદેશ જવા ઈચ્છે છે. .સૃષ્ટિ એ ખૂબ સમજાવેલો કે એક વાર લગ્ન કરી લે પછી જજે કારણકે સૃષ્ટિનાં ઘરેથી આ જ વર્ષે લગ્નનું મુહુર્ત પણ લેવાઈ ગયું હતું જે બદલવું કદાચ અશક્ય હતું. ઉપરથી પોતાના પપ્પાનો એ કડક સ્વભાવ તેને કયારેય વિદેશ જવાની પરવાનગી આપે તેમ ન હતો. .

  આખરે સૃષ્ટિના લાખ સમજાવ્યાં પછી પણ આયુષ ના માન્યો તે ના જ માન્યો..અને ઘરેથી કોઈ ને પણ કહ્યા વગર જ ચાલ્યો ગયો. .એ પછી એક ફોન કરવાનું પણ તેને યાદ જ ના આવ્યું. .આજે આટલાં વર્ષ પછી તેને એમ હતું કે બધું નોર્મલ થઈ ગયું હશે..પણ અહીં તો.

 આયુષે આંખ ખોલી ને જોયું તો એ સાંજ તો ક્યારની રાતમાં પરિણમી હતી..હવે એ કેસરી કિરણોનું સ્થાન ટમટમ તા તારાઓએ લઈ લીધું હતું..દરિયાના મોજા પણ જાણે તેને જોઈ કદાચ શાંત થઈ ગયાં હોય એવું લાગી રહ્યું હતું. આયુષ ત્યાંથી દરિયાની રેતી પર ચાલવા લાગ્યો.. આજે એને સૃષ્ટિ એ એક વાર કહેલાં શબ્દો યાદ આવી રહ્યાં હતાં.

'આયુષ , દુનિયા ગોળ છે. જે જયાંથી શરુ થાય છે એ ત્યાંજ આવીને પૂરું થાય છે. આ જ જિંદગીનું ગણિત છે..'

તે દિવસે તે આ વાત ખૂબ હસેલો. આજે પણ તેના ચહેરા પર એક હાસ્ય છવાઈ ગયું. બસ સમજાય ગયું આજે કે સાચે જ દુનિયા ગોળ છે.

એ સાંજે શરૂ થયેલી વાત બસ આ સાંજે આવીને પૂરી થઈ . .યાદ રહી ગઈ બસ. . એ સાંજ. ..!


Rate this content
Log in

Similar gujarati story from Romance