ન કહેવાયેલી વાતો - 1
ન કહેવાયેલી વાતો - 1
ઓગસ્ટ મહિનાની આ વધુ એક આ વરસાદી સવાર છે. મેઘરાજા દર વર્ષની જેમ આ વખતે પણ સુરત પર જ વધુ મહેરબાની દર્શાવી રહ્યાં હોય એવું લાગી રહ્યું છે. મારાં સ્ટુડિયોની બારીમાંથી સુરતની આ વરસાદ સાથેની ખૂબસૂરત છબી દેખાય રહી છે.સમય છે સવાર નાં સાત વાગ્યાં નો..સાથે સાથે ચાલો મારી ઓળખાણ પણ આપી જ દેવ.
" અ વેરી ગુડ એન્ડ રેઈની મોર્નિંગ સુરત .રેડ એફ એમ 95 પર સવારની ચા અને મિશા ના મ્યુઝિકલ શો સાથે આપનું સ્વાગત છે.."
" હું છું આરજે મિશા...તો ચાલો શરૂ કરીએ આપનો મનપસંદ શો મોર્નિંગ નં.1... જ્યાં ચાલશે સોંગ્સ તમારી ફરમાઈશ ના.... ફર્સ્ટ સોંગ આ માહોલ માટે એશ કિંગ અને શાશા તિરુપતિ ના અવાજ માં બારીશ.... વી વિલ બેક આફ્ટર ધીસ સોંગ..."
" બ્રેક બાદ, ચાલો શરૂ કરીએ ફરીથી આપણો શો.... નેકસ્ટ વિક માં કરીશ એક અગત્યની જાહેરાત તો મોર્નિંગ નં.1 માં આવવાનું ચૂકશો નહિ.!! આગળ વધારીએ આપણી મ્યુઝિકલ જર્ની...."
હવે તો તમને ખબર પડી જ ગઈ હશે ને...! હું એટલે આરજે મિશા અને આ જગ્યાં છે અમારો રેડ એફએમ સ્ટુડિયો.. જ્યાં સવાર સવાર ની તાજી તાજી ખબરો ચાલી રહી છે.
આકાશ : " મિશા, આજ નું ન્યૂઝ પેપર વાંચ્યું...."
હું : " ના,હજું સુધી નથી વાંચ્યું કેમ.... ?"
આકાશ : " અરે...!! જો આજની બ્રેકિંગ ન્યૂઝ.... વધારે મેગી ખાવાથી એક યુવતીનું મોત...."
ધ્વનિ : " હે, શું બોલે છે....તું....હવે મિશાનું શું થશે... ?"
હું : " લાવ તો પેપર, એ આવા ન્યૂઝ તો આખા પેપર માં નથી.. ?"
આકાશ : " લે તો તું શું રાહ જોઈને બેઠી છો... કે આવાં ન્યૂઝ આવે પછી મેગી બંધ કરીશ... ?"
ધ્વનિ : " જો જે હો આકાશ .... એક દિવસ આ ચા અને મેગી ખાઈને જ મરશે..!"
હું : " તમે બન્ને નવરાઓ જાવ અહીંયા થી મારી લિંક આવી ગઈ છે..."
આકાશ અને ધ્વનિ : " હા હા, જઈએ જ છીએ...."
આ હતાં ધ્વનિ અને આકાશ તેઓ પણ મારી જેમ આરજે જ છે, અને મારી ફેમિલી ના એકમાત્ર સભ્યો પણ....!! પણ ખબર નહિ મારી ચા અને મેગીથી આ લોકો ને શું પ્રોબ્લમ છે .!! આખરે 12 વાગ્યે મારો શો પૂરો થયો...
આજે શનિવાર છે . મારો શો પૂરો થઈ ગયો છે, વિકેન્ડ પણ છે અને આજે મારે સ્ટુડિયો માં કંઈ કામ પણ નથી એટલે વિચાર્યું કે આજે જલ્દી ઘરે જતી રહું....
બપોર થઈ ગઈ છે છતાં પણ મેઘરાજાની સવારી યથાવત્ જ છે.મારી ગાડી ના કાચની બહાર ઝરમર વરસાદનું પાણી ઝરી રહ્યું છે ....મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ અને એમાં પણ અમારાં સુરત ના રસ્તાઓ પછી તો પૂછવું જ શું...!!!
અત્યારે આ રસ્તાનો ખાલીપો જોઈ ને સાચ્ચે જ ૫ વાગ્યાંવાળો સીન યાદ આવી જાય. જો આ વરસાદ ન હોત ને તો ઠેર ઠેર સ્ટ્રીટ ફૂડ ખાનારા સુરતીની લાઈનો હોત... બસ તો આજ મોસમ ની મજા લેતાં લેતાં મારાં ઘરે પોહંચી....
તો મારાં ઘરમાં આપ સૌનું સ્વાગત છે.... આ છે મારું ઘર ...હોલ, કિચેન અને બેડરૂમ જેની સાથે છે આ મારી મીની ગાર્ડન જેવી બાલ્કની મારાં ફેવરિટ બ્લ્યુ લાઈટ અને મની પ્લાન્ટ એટલે કે ધનવેલથી સજાવેલ ઝૂલા સાથે.
આ ઘરમાં માત્ર હું અને મારી વ્હાલી ખુશી અમે બંને જ રહીએ છીએ.... ખુશી એટલે મારી ડાયરી, કેમકે આ એક માત્ર વ્યક્તિ જે દરેક સમયે મને સાચવે છે. એટલે હું તેને એક વ્યક્તિ માનું છું અને ને મે તેને ખુશી નામ આપ્યું છે. કહેવાય છે કે જ્યારે એક મકાનમાં આખો પરિવાર સાથે રહે છે ત્યારે તેને ઘર કહેવાય છે, પરંતુ અહીંયા તો ફ્કત હું અને ખુશી બંને જ છીએ તો પણ આ ઘર છે.. કારણ કે અહીંયા હું કોઈના પણ આક્ષેપો અને ટોન્ટ સાંભળ્યાં વિના જીવું છું.
ત્યાં જ નીચે થી મને મિશા.... મિશા.... નામની બૂમો સંભળાય છે, પછી મારા મગજમાં આવે છે કે આ મારું જ નામ છે..કદાચ આ નામ અત્યારે આખા સુરત ને યાદ હશે પણ મને નથી યાદ રહેતું..!!!
મિશા.... મિશા....નામ ની નીચેથી આવતી બૂમો સાંભળ્યાં પછી મને ખ્યાલ આવ્યો કે આ મારું જ નામ બોલાય રહ્યું છે...પણ શું કરું આ નામની આદત 2 વર્ષ થઈ ગયાં તો પણ હજુ સુધી મને નથી પડી....!!
બાલ્કની માં આવી ને જોયું તો ધ્વનિ અને આકાશ નીચે હતાં, અને વરસાદ પણ હવે થાકી ને વિરામ લઈ ચૂક્યો હતો....
હું : " શું થયું.?"
ધ્વનિ : " અરે, કંઈ નથી થયું... ચાલ ફટાફટ નીચે આવ, ડુમ્મસ જઈએ મસ્ત ટામેટાંનાં ભજીયાં ખાવા..."
હું : " અત્યારે, ટાઈમ તો જો....!"
આકાશ : " સમય જોયેલો જ છે, તું નીચે આવે છે કે અમે આવીએ ત્યાં... ?"
હું : " આવું છું."
બપોર ના 1.30 વાગ્યાં છે પણ આ વરસાદી માહોલ ના લીધે ડુમ્મસ ના ભજીયાં તો મળી જ રહેશે...!! ( ક્યારેક સુરત આવવાનું થાય તો ડુમ્મસ જરૂરથી જજો... ટામેટાં ભજીયાની સાથે બેસ્ટ સેલ્ફી પોઇન્ટ છે અને સાથે સાથે ઈન્ડિયા ના ટોપ માં આવનાર હોરર પોઇન્ટ માં પણ સમાવિષ્ટ છે....અહીં ની ખાસિયત એ છે કે અહીંયા ની દરિયાકિનારાની રેતી કાળા રંગની છે.. પ્રકૃતિ પ્રેમીઓને તો આ જગ્યાં તો ચોક્કસ ગમશે જ...પણ આ હોરર પોઈન્ટ કેમ ગણાય એ તો સુરત માં રહેવા છતાં મને નથી ખબર..)
અમે તો પેટ પૂજા કરી આવ્યાં ...પણ દરિયાકિનારે બેસવા ન જવાનો અફસોસ રહી ગયો મને કારણ કે વરસાદ ના લીધે કાદવ તો ઘણો હતો એટલે...!
હવે અમે પાછાં જઈ રહ્યાં હતાં...આકાશ ડ્રાઈવ કરી રહ્યો હતો ને હું અને ધ્વનિ પાછળની સીટ પર બેઠા બેઠા ફોનમાં ફોટોઝ જોઈ રહ્યાં હતાં.
આકાશ : " મિશા એક વાત પૂછું...?"
હું : " હા, પૂછ.."
આકાશ : " તારું નામ મિશા જ છે ને...!!"
હું : " કેમ તને નથી લાગતું...?"
ધ્વનિ : " મિશા આજે સ્ટુડિયોમાં વાત થતી હતી કે તારું નામ ફ્કત રેડિયો પ્રોફેશન માટે જ મિશા છે....એટલે..."
આકાશ : " હા, આપણે તો બેસ્ટ ફ્રેન્ડ છીએ તો પણ તે અમને બંને ને ક્યારેય તારા વિશે નથી કહ્યું...૨ વર્ષ થયાં હવે તો...!!!"
ધ્વનિ : " હા મિશા આ વખતે તો આકાશ ની વાત સાથે હું સહેમત છું .... કંઇક તો બોલ ... ?"
હું : " અરે બસ બસ....હા એ વાત સાચી છે હું માત્ર સુરત માટે આરજે મિશા છું. મારું નામ આરુષિ છે...અને એ કેમ છે એ બધું હું સમય આવ્યે જણાવી દઈશ એટલે અત્યારે કંઈ પૂછવું નહિ..."
આકાશ : " હા હા અત્યારે નહિ પૂછીએ.... કમસે કમ તારું નામ તો ખબર પડી.. આમ પણ તું ઉખાણાં જેવી જ છો...!"
હું : " ધન્યવાદ આટલી તારીફ માટે, હવે ડ્રાઈવિંગ પર ધ્યાન આપો..."
ધ્વનિ : " મિશા, કાલે તારા મોર્નિંગ શો પછી શુભમ સરે મિટિંગ બોલાવી છે ..."
હું : " કેમ ?"
આકાશ : " કેમ એટલે આપણાં બોસ છે એને ગમે ત્યારે મિટિંગ બોલાવે..."
ધ્વનિ : " એ આકાશ ચૂપ રે....મિશા મિટિંગ એટલે છે કે આપણાં આરજે ને શુભમ સર આર.જે. ઇવેન્ટ માટે 2 દિવસ સેલિબ્રેશનમાં મોકલી રહ્યાં છે તે માટે"
હું : " અરે વાહ.... આ વર્ષે કયા સીટીમાં છે... ?"
ધ્વનિ : " એ જ કાલે મિટિંગ પછી ખબર પડશે...99% તો અમદાવાદ જ હશે..!"
હું : " કાલે જોઈએ હવે.. "
તેઓ મને ઘરે ડ્રોપ કરી ને ગયાં.. અત્યારે મને ડાયરી એટલે કે મારી ખુશી સાથે જ વાત કરવાનું યોગ્ય લાગ્યું...મે લખવાનું શરૂ કર્યું..
ખુશી, આજે જ્યારે ધ્વનિ એ અમદાવાદનું નામ લીધું ત્યારથી જ મનમાં અશાંતિ ફરી વળી છે....તને તો ખબર જ છે ને કે આ શહેરમાં હવે પાછું જવું શક્ય નથી...! બસ, હવે એક જ પ્રાર્થના કે મારે ત્યાં ફરીથી જવાનું ન થાય.
તું તો બધું જ જાણે છે ને...! હવે જે થશે તે જોઈશું.
ક્રમશ :

