મૃણમયી
મૃણમયી
ઈન્દ્ર સભા અત્યારે મૃણમયીના નર્તનથી ગુંજી રહી છે. અગ્નિ, વાયુ, વરુણ વગેરે દેવતાઓ સભામાં મૃણમયીના નૃત્યથી ખૂબ ઉત્તેજિત થઈ ગયા છે.
મૃણમયીના પગ નૃત્યને તાલે થીરકી રહ્યા છે. તેનું શરીર સંગીતના સૂરો સાથે નૃત્યની સરગમ છેડી રહ્યું છે અને મન નારાયણના ચરણોમાં ઝુકી નૃત્યમય પ્રાર્થના કરી રહ્યું છે.
તાળીઓનો ગડગડાટ થયો. સોનાના, ચાંદીના,હીરાના ઘરેણાઓ હવામાં ઉછળ્યા ! જાણે મૃણમયીના નાજુક,ચંદન શા..સુવાસિત શરીરને સ્પર્શ કરવા માંગતા હોય, સાથે સાથે રૂપિયા તો ખરા જ.
મૃણમયી બધાને પગે લાગી. આદાબ કર્યા અને ઘૂંઘરું રણકાવતી પોતાના રૂમમાં ચાલી ગઈ.પણ ત્યાં એક ધનિક આદમી ઊભો થયો અને મૃણમયી ને સ્પર્શવા ગયો. ત્યાં જ અમ્મા ઊભી થઈ અને તેને જોરદાર તમાચો મારી દીધો અને બોલી મારા ઘરમાં મારી બધી દીકરીઓ પવિત્ર છે અહીં માત્ર સંગીત નૃત્યની રમઝટ થાય દેહ વ્યાપાર નહીં સમજ્યા !
અને અમ્માએ તે ધનિક ને બહાર ખદેડાવી દીધો.
શિવભક્ત મૃણમયી જ્યારે પણ નૃત્ય કરતી ત્યારે જાણે ઈન્દ્ર સભામાં હોય તેવો અહેસાસ થતો આંખ બંધ કરી જાણે તેના નારાયણ (કૃષ્ણને તે પ્રેમી સ્વરૂપે જોતી )સિંહાસન પર બેઠા છે. તેમને ખુશ કરવાના છે.તેમને ચાહતના સ્વરૂપે,પ્રેમ સ્વરૂપે, પ્રાર્થના સ્વરૂપે નૃત્ય કરતી.
મૃણમયી દરરોજ શિવ મંદિર જતી. દૂધ ગંગાજળથી પ્રભુને સ્નાન કરાવતી અને બીલીપત્ર પારિજાત જેવા ફૂલો પ્રભુને અર્પણ કરતી.
આજે પણ દર રોજ ની માફક મૃણમયી મંદિરમાં પ્રભુ ને ફૂલ અર્પણ કરી રહી હતી.
ત્યાં જ હર હર મહાદેવ, હર હર મહાદેવ..કરતા એક અત્યંત તેજસ્વી સાધુ ત્યાં આવ્યા.શિવજી ની માફક તેમણે પણ વ્યાઘ્રચર્મ ધારણ કર્યું હતું. ગળામાં રુદ્રાક્ષની અસંખ્ય માળા, શરીરે ભભૂતિનો લેપ, કપાળ પર ચંદનનો લેપ,માથે જટા, એક હાથમાં ચીપિયો અને બીજા હાથમાં કમંડળ, ગૌરવર્ણ મુખ જાણે સાક્ષાત અગ્નિનું તેજ હોય તેવું અને જાણે સમુદ્રની ગહેરાઈમાંથી આવતો અવાજ હર હર મહાદેવ.
મૃણમયી અપલક નજરે, અનિમેષ નજરે સાધુને જોઈ રહી. બસ જોતી જ રહી..
અને થોડીક વાર પછી સાધુ જતા રહ્યા.
મૃણમયીએ તપાસ કરાવી.
મંદિરની ધર્મશાળામાં જ રોકાયા છે.
ધર્મશાળાની બહાર ઉમરડાનું ઝાડ છે ત્યાં બનેલા ઓટલા ઉપર જ સાધુ મહારાજ ધર્મ ઉપદેશ આપે છે.. મૃણમયી દરરોજ આવવા લાગી.
પહેલા તેનો ઉદ્દેશ્ય શિવભક્તિનો હતો. હવે સાધુને જોવાનો સાંભળવાનો અને એ.. ગાંડી.. સાધુને પ્રેમ કરી બેઠી હતી.
થોડોક વખત થયો હશે તેના ધ્યાનમાં આવ્યું કે સાધુનું ધ્યાન પણ પોતાની ઉપર છે.
મૃણમયી ઝૂમી ઉઠી. ખુશ થઈ ગઈ તેને પ્રેમનો અહેસાસ થઈ ગયો. સાધુ મહારાજની આંખોમાં પણ પ્રેમનું ઈજન દેખાયુ.
અને અને તે પ્રકૃતિની સાથે ગીત ગાવા બેસી ગઈ. તેના બગીચામાં દરેક ડાળ ઉપર ફૂલ ખીલેલાં લાગ્યા. વૃક્ષ અને તેનાં પર્ણો જાણે હવામાં ડોલી રહ્યા અને એક વૃક્ષ બીજા વૃક્ષને મૃણમયી ના પ્રેમ ની ખબર આપતું હોય તેમ એકબીજા સાથે હસવા લાગ્યા.કોયલ તો આજુબાજુના બધાના બગીચામાં જઈ ટહુકી આવી ,ખબર આપી આવી.
અને સાંજે સાધુ મહારાજને મળવા જવાનો સંદેશો આવ્યો.
ગાંંડી ગઈ મૃણમયી... શું પહેરું ? કયું ઘરેણુ પહેરું ?કરતા..કરતા..ગેરુઆ રંગના ચણિયા ચોળી ઉપર જડતરના ઘરેણાં, સોનાના પાયલ, મોગરાનો ગજરો..
અને અભિસારિકા બની સાધુ મહારાજને મળવા દોડી.
ખુલ્લી જટા, વિશાળ કપાળ ઉપર ચંદન લેપ અને અતિ સામાન્ય કહેવાય તેવા સાદા સફેદ વસ્ત્રો.
મૃણમયી અચંબિત થઈ ગઈ.
"આવો મૃણમયી, "સાધુ મહારાજે આવકારી.
ખન ખન ખન ખન ,પાયલ ખનકાવતી મૃણમયી સાધુ મહારાજ પાસે આવી.પગે લાગી અને ચરણ સ્પર્શ કરવા ગઈ ત્યાં તો સાધુ મહારાજ પાછળ હટી ગયા.
"મૃણમયી, મારું ધ્યાન, મારી તપસ્યા સન્યસ્ત જીવન બધું જ વિફળ ગયું. જ્યારથી તમને જોયા ત્યારથી..માત્ર તમે જ દેખાઓ છો. પ્રભુભક્તિમાં પણ તમારો ચહેરો દેખાય છે. મેં તમારી આંખોમાં પણ આ જ પ્રેમ જોયો ખરું ને મૃણમયી?'"
"જીવનમાં તમે જેને ચાહતા હોય તેનો પ્રેમ તમને મળી જાય તેથી વિશેષ શું હોય ? મહારાજજી, આપે મારો પ્રેમ કબૂલ્યો..હવે આ તન મન તમારું.. મારું બધું તમને સમર્પણ."
"આભાર મૃણમયી, મારો પ્રેમ સ્વીકારવા બદ્લ.
પણ પણ પણ.. "
"હું રહ્યો સન્યાસી માણસ.ઓહ ! હવે તો હું એ પણ નથી રહ્યો !"
મૃણમયી સાંભળી રહી..
. "મૃણમયી મેં સન્યસ્તના ધારણ કરેલા ભગવા કપડાં ત્યજી દીધા ,સાથે ભભૂતિ, કમંડળ અને ઘણું બધું...કારણકે હું હવે તેને લાયક નથી રહ્યો. સમાજના માણસો મને સ્વીકારે કે ના સ્વીકારે હું ખોટો સંન્યાસી બની તેમને છેતરવા નથી માંગતો. હું માત્ર મારા આત્માને જ સંભાળું છું ને સાંભળું છું. મારે મારા આત્માને દગો નથી આપવો અને તેથી જ આજે મેં સંન્યાસીના કપડાનો ત્યાગ કર્યો છે."
" તો શું હવે તમે મારી સાથે સંસાર?" મૃણમયી આનંદિત થઈને બોલી ઊઠી.
"મૃણમયી, તમે શક્તિસ્વરૂપ છો. ગંગાજીના અવતાર છો. સમાજની બધી ગંદકી તમને સ્પર્શીને પણ પવિત્ર થઈ જાય એટલા પવિત્ર છો. તમારી સાથે સંસાર માંડવાની ઔકાત આ હિન માણસમાં નથી."
' એટલે?" મૃણમયી બોલી.
"મે કરેલી ભૂલની સજા મને આપવી છે. મેં દગો કર્યો. સંન્યાસી જીવન ને દગો કર્યો, આત્માને દગો કર્યો,આ જીવન પ્રત્યેનો મોહ...મારે હવે છોડવો પડશે.
પ્રણામ.. છેલ્લીવાર.. "કહી સાધુ મહારાજે ચાલવા માંડયું.
મૃણમયી નીરખી રહી. પ્રેમ ને અનુભવવા છતાં પામી ન શકી.
અને થોડાક દિવસ પછી ખબર આવ્યા. સાધુ મહારાજની લાશ ગંગાજીમાંથી....!
