મરેલા મળે તો મોજ માણીએ
મરેલા મળે તો મોજ માણીએ
ધરમપુરના રાજદરબારમાં તમામ મંત્રીગણ અને રાજદ્વારીઓની હાજરીમાં એક પ્રજાજન આવીને રાજાને નમન કરીને બોલ્યો,
"મહારાજ સ્મશાનમાં એક માણસ એક કબર બનાવીને બે દિવસથી ઉપર જોઈને વાતો કરી રહયો છે અને કોઈ પૂછે તો ગુસ્સો કરે છે."
સહુ હસવા લાગ્યાં પણ સ્થિર બુદ્ધિ ધરાવતાં રાજાએ પોતાનાં કુળનાં અનુભવી ગુરુજી સામું નજ઼ર કરતાં ગુરુજી બોલ્યાં,
"રાજન એ કોઈ પાગલ નહીં પણ મહાજ્ઞાની વ્યક્તિ છે ."
રાજા બોલ્યાં,
"ગુરુજી આ વાત આપ મને સાબિત કરી બતાવશો ?"
" તે માટે આપણે તેને મળવા સ્મશાનમાં જવું પડશે." રાજાએ ગુરુજીની વાત સ્વીકારી અને ગુરુજી સાથે ગયાં.
સ્મશાનમાં પહોંચતાં રાજાએ પેલાને પૂછ્યું,
" અરે ભાઈ તમે અહીં એકલાં શું કરો છો ?"
પેલો બોલ્યો,
"જ્યાં રે જૂવો ત્યાં નર જીવતાં
એવાં મરેલાં મળે તો મૌજૂ માણીએ."
ગુસ્સે ભરાયેલા રાજાને રોકતાં ગુરુજી બોલ્યાં,
"હું પણ મરેલો છું." પેલો ગુરુજીને ભેટી પડયો ને બંનેએ ખુબ વાતો કરી.
થોડીવારે પાછાં આવીને ગુરુજી બોલ્યાં,
"રાજન એ મહાન આત્મા સત્યની શોધ કરે છે. તમને નહીં સમજાય એની વાત."
"ગુરુજી પણ મારે તો સમજવું છે. આપ મને સમજાવો. "રાજાએ વિનંતી કરતાં ગુરુજી બોલ્યાં,
"તો સાંભળો ધ્યાનથી. તે ભગવાનને શોધવા આખી પૃથ્વી પર ફર્યો અને આખરે ભગવાન તો પોતાની ભીતર જ હોવાનો તેને અનુભવ થયો. બધું જાણ્યા છતાંય જે પોતાનો અહંકાર એટલે કે, ' હું ' પદને છોડી શક્યો નહીં અને મર્કટ મન અને ઇન્દ્રિયોનો કમને ગુલામ બનતો હતો.
જ્યાં સુધી આ ' હું ' પદ હતું ત્યાં સુધી ઈશ્વર સાથે જોડાઈ શકતો નહીં.
આથી તે પોતાની જ કબર બનાવી પોતાને મરેલો માનીને પોતાનાં આત્મ સ્વરૂપે પરમાત્મામાં એકાકાર બનીને ગૂઢ સંવાદ કરે છે. હવે તેને આ નાશવંત સંસારમાં કોઈ તેનાં જેવો મરેલો માનવી મળે તો જ મૌજ માણવાનું ગમે."
રાજા પાછાં વળતાં બોલ્યાં, "ગુરુજી આપ પધારો મહેલમાં. હું પણ મારી ચિતા જલાવીને પોતે મરીને સાચી મૌજ માણીને આવું છું."
રાજા સંપૂર્ણ સત્ય સમજી ગયા હોવાથી ગુરુજી આશીર્વાદ આપીને પોતાનાં રસ્તે ચાલતાં થયાં.

