મોસમ
મોસમ
દેવભૂમિ દ્વારકા નજીકના ગુરુ ગામના સરપંચને ગામના કરસન ભંગીની પૌત્રી સામે સોનાની ચેનની, ઉચાપત અંગે ફરિયાદ અરજી મળી હતી. આ સાલ, હોળીના દિવસ સુધી ઠંડીની "મોસમ"નો મૂકામ રહ્યો હતો, હોળીનો તહેવાર હતો એટલે હોળીને ટાઢી પાડ્યા પછી પંચની બેઠક કરવી તેવું ઠરાવામાં આવ્યુ હતું.
છઠ્ઠા દિવસે હરજીમુખીને આંગણે આજે ભીડ હકડેઠઠ હતી, અને રૂપાથી મઢ્યો હોકો મોસાળામાં એક માસીના હાથમાંથી બીજી માસીના હાથમાં ભાણીઓ ફરે એવા લાડથી પંચના સભ્યઓ વચ્ચે ફરી રહ્યો હતો. પણ સન્નાટાથી વાતાવરણ ભારેખમ, બોઝિલ બની ગયું હતું. ફરિયાદજ સનસનીખેજ હતી.
ફરિયાદ એક સોળ વર્ષની યુવતી પર હતી. ગામના શિવ મંદિરના પૂજારીના પુત્રના ગળાની સોનાની ચેઈનની ચોરી કરવાનો આરોપ એના પર મૂકાયો હતો. એક સોળ વરસની યુવાન યુવતી અને તે પણ સુંદર, અહીં લોકોની ભીડ ન જામે તો જ નવાઈ હતી. ચોરીના આરોપ હેઠળ કોઈ સુંદર યુવતીને આમ પંચ સામે નત મસ્તક ઊભેલી જોવાનુ અજુગતું હતું,અને આ ટાણે જાણે સૌ કોઈ પોતાની સોનાની ચેન ચોરાઇ હોય તેમ પંચની કામગીરી જોવા એકઠા થયા હતાંં.
બીજુ કારણ એ હતું કે ગામના પોલીસ પટેલ ગોવિંદ ખુદ આ ઉચાપતના સાક્ષી હોવાના લીધે જુબાની આપવા હાજર રહેવાના હતાં. ગામ આખામાં લોકો એમની પ્રમાણિક્તાથી માહિતગાર હતાં. દ્વારકાધીશના દર્શને દેશના વિવિઘ જગ્યાએથી આવતા સરકારી ઓફિસરો એમની મહેમાનગતિ માણવા એમના ઘેર આવતા. ગામમાં કોઈ પણ સારો નરસો કાર્યક્રમ હોય તો એની જવાબદારી પણ પટેલજ સંભાળતા. સરકારી ઓફિસરોને કેવી રીતે સાચવવા એની પટેલને બરાબર ખબર હતી. પોલીસ સાહેબ પાછા હતાં મિલનસાર, એટલે કોઈનુંય કામ કરી આપવામાં પાછા નહોતા પડતા.
એક બાજુ ફરિયાદી ઇજ્જતદાર શિવ મંદિરમાં પૂજારી, તો તેમને શાક્ષીના રૂપમાં સાથ હતો નામી ગોવિંદ પોલીસ પટેલ અને સામે બાજુ એક અટુલી નાબાલીક મોસમ.
"મોસમ" એ યુવતીનું નામ હતું તે કરસન ભંગીની એક માત્ર પૌત્રી હતી. પંચની કાર્યવાહી શરૂ થઈ. ગરીબ મોસમ પાસે બચાવ માટે કોઈ દલીલ કરે તેવું કોઈ હતું નહીં.
પોલીસ પટેલ ગોવિંદના કહેવા પ્રમાણે લાંબા સમયથી 'મોસમ" ગામમાં માંગી ટૂંગીને તેનું અને અને તેના ઘરડા દાદાનું ગુજરાન ચલાવતી હતી, તેઓ અહીં વરસ પહેલા આવ્યા ત્યારથી એને જોતા હતાં. લગભગ બે મહિના પહેલાં એમના ઘર પાસે મહુડો પીધેલા મવાલી જેવા લોકોને મોસમની છેડતી કરતા જોયા અને એમને દયા આવી એટલે મવાલીઓને ધમકાવી બચાવી.
મોસમનું કોઈ નથી એવી જાણ થતા પટેલે ગામના મંદિરની સફાઈ અને દેખભાળ કરવા શિવ મંદિરના પૂજારીને લઈ અને બેટંક ખાવાના સાટામાં કામે રખાવી. બે મહિના કામ કર્યા પછી એ અચાનક મંદિરમાથી ગાયબ થઈ ગઈ. ગાયબ થઈ ગઈ એની કોઈ ફરિયાદ ન હતી, પણ પૂજારીએ તેમના પુત્રને આપેલી સોનાની ચેઈન લઈ ગઈ હતી એની સામે વાંધો હતો. પૂજારીએ ગોવિદ પટેલ પાસે ફરિયાદ નોંધાવી. જ્યારે એ પકડાઈ ત્યારે સોનાની ચેઈન એની પાસે જ હતી. હવે આનાથી વધીને બીજો કયો પુરાવો હોઈ શકે ? પોલીસ ચોકીમાં સોનાની ચેઈન પણ પૂજારીએ ઓળખી બતાવી હતી. ચેઇન ઘડવાવાળા સોનીથી માંડીને પોલીસના અન્ય સાક્ષીઓ પૂજારીની વાતને ટેકો આપ્યો. ગોવિંદ પટેલે પણ મોસમને મુદ્દા માલ સાથે કેવા સંજોગોમાં પકડી હતી એનું વર્ણન કર્યું. સરપંચ ના ધારા ધોરણે બધા સાક્ષીઓની જુબાની પૂરી થતી હતી.
આમ "મોસમ" પર આરોપ પૂરવાર થતો હતો. હરજીમુખીએ 'મોસમ'ની પૂછતાછ આદરી. મોસમની કથિત વાતો પરથી એટલું ફલિત થતું હતું કે જો મજૂરી મળે તો મજૂરી, નહીં તો ભીખ માંગીને એનું અને એના દાદા કરસન ભાંગીનું પેટ ભરતી હતી. ગામને પાદરે બાવળીયાની ઓથે કપડાં ટાંગી બનાવેલ આડાશમાં તે દાદા સાથે પડી રહેતી. બાપ કોણ તે ખબર નહતી અને પિતા ગુમાવ્યા હતાં. મરી ગયા હતાં કે ચાલી ગયા હતાં એની ખબર નહોતી. માત્ર માતાએ એને ઉછેરી હતી અને દસ વરસ પહેલા તેની મા પણ મરી ગઈ હતી અને એ માતાની નિશાનીરૂપ આ ચેઈન છે એવું કહેતા એ રડી પડી પણ પંચની બેઠકમાં દિલથી –દલીલથી નહીં સાબિતીથી જીતાય છે.
હરજીમુખીએ એને પૂજારી સામે સવાલ કરવાનો, પોતાની સફાઈ આપવાનો મોકો આપ્યો. ખુબજ ધૃણાથી અને છાના ક્રોધથી તમતમતા ચહેરે 'મોસમે' સાફ ના પાડી દીધી. પૂજારીની સાથે વાત કરવાનું તો દૂર એમની સામે જોવાનુંય ટાળ્યું અને ઉમેર્યું કે એણે ચેઈન ચોરી જ નથી એ પોતાની માતાની છેલ્લી નિશાની અને પિતાની એક માત્ર યાદગીરી છે.
'મોસમ'ની આ નિર્ભિકતા અને પૂજારીના ફિક્કા પડેલા ચહેરા પરના રંગ જોઈને હરજીમુખી અને પંચ ના સભ્યોને અચંબો થયો.
હરજીમુખીના સવાલો હજુ ચાલુ હતાં. શિવ મંદિરથી એકાએક ભાગી જવાનું કારણ પૂછતાં એણે સીધી નજર પૂજારી સામે તાકીને પંચને જે જણાવ્યું એ ખરેખર અકળાવનારી બાબત હતી. ગોવિંદ પટેલની ભલામણથી પૂજારીએ આશરો આપ્યો ત્યારે એના મનમાં પૂજારી માટે અપાર શ્રદ્ધા, સન્માન અને કૃતજ્ઞતાના ભાવ ઉપજ્યા હતાં પણ પછી એ ધૃણા અને તિરસ્કારમાં પલટાતા ગયા. વખત જતાં પૂજારીની નજર અને નિયત સાફ ન હોય ત્યાં એ કેવી રીતે એમના આશરે સલામત રહી શકે ? આશ્રયદાતા જ જ્યાં ભરખી જવા તૈયાર હોય ત્યાં કેવી રીતે રહી શકાય ? એ એને લાલચ, ધમકીથી વશ કરવા મથ્યા, એને એમની વાસનાપૂર્તિનું સાધન સમજીને જે વ્યહવાર આચરવા માંડ્યો એ પછી તો એક પળ એ ત્યાં રહેવા તૈયાર નહોતી.
હવે પંચની બેઠકમાં મોસમ માટે માટે સહાનુભૂતિ અને બેરિસ્ટર માટે નફરતના ભાવ છલકાયા પણ કોર્ટમાં કોઈની સહાનુભૂતિથી સાબિતીથી કેસ મજબૂત નથી બનતો, એના માટે તો ઠોસ સાબિતી, નક્કર પુરાવા જોઈએ. આ ગરીબ, લાચાર છોકરી ક્યાંથી પુરાવો લાવે ? એ કેસ હારી જશે એમાં કોઈ શંકા નહોતી.
ચૂકાદા વખતે ચિક્કાર મેદની હતી. મોસમ માટે સૌના ચહેરા પર ઉત્સુકતા કરતાં ક્યાંય વધારે ચિંતા દેખાતી હતી. ન્યાયની દેવીના આંખે તો પાટા બાંધેલા હોય છે અને જે એની નીચે બેસીને ચૂકાદો આપવાના છે એમની તટસ્થતા વિશે ખાતરી નથી હોતી કારણકે ઘણુખરું ન્યાયનું પલ્લું મોટાભાગે લાગવગ, ધનવાન કે મોભાદાર વ્યક્તિઓ તરફ વધારે નમતું હોય છે. હરજીમુખીની ધારદાર નજરે લોકોના ગણગણાટ પર સન્નાટો છવાયો.
હરજીમુખીએ ચૂકાદો આપતા પહેલા એકવાર 'મોસમ'ને સોનાની ચેઈન એની જ છે એની સાબિતી માંગી અને જો મોસમ ઈચ્છે તો એની સફાઈમાં હજૂપણ કંઈક કહેવાની તક આપી. મોસમની સફાઈ અને સાબિતી જ એ સોનાની ચેઈન હતી જે પૂજારીએ મોસમ સાથેની છેડછાડમાં એની પાતળી કેડે બાંધેલી જોઈ લીધી હતી. મોસમ એ સોનાની ચેઈન પોતાની પાસેથી ચોરાઈ જવાના ડરે ગળાના બદલે કેડે કંદોરાની જેમ બાંધતી હતી.
ચેઈનની સાથે લંબગોળ નાનું પેન્ડન્ટ હતું જે દૂરથી નક્કર દેખાતું હતું પણ એ લંબગોળ પણ ડબ્બી ઉપર કોઈ દબાણ આપતા એ ખુલતી હતી. એમાં મોસમના પિતા અને માતાની તસ્વીર હતી. આ જ એનું સત્ય હતું અને આ જ એની સાબિતી હતી જે 'મોસમે' રડતાં મુખીને બતાવી.
ડબ્બીમાં યુવાનની ઝાંખી પડેલી એ તસ્વીર જોઈને હરજીમુખીના માનસપટલ પર એ યુવાનની તાજી છબી ઉપસી આવી. આ યુવાનને એ ખૂબ સારી રીતે ઓળખતા હતાં.
હરજી મુખીના માનસ પટલ ઉપર સત્તર વરસ પહેલાની ધૂળેટીની યાદ ચલ ચિત્રના રિલ માફક સરી આવી. આ તસવીર વાળો યુવાન ત્યારે શહેરમાંથી હોળીની રજાઓમાં ગામ આવેલો અને ગામના અન્ય જુવાનિયાઓ સાથે હોળી મુખીએ ખેલતો જોયેલો અને તેમાં કરસન ભંગીની માસૂમ દીકરી સાથે વિશેષ લગાવ રાખી ફાગ ખેલતો જોયો હતો. હોળીનો તહેવાર હોય તે ટાણે કઈ અજુગતું નહોતું લાગ્યું, પણ અત્યારે તે ફાગનો તાગ મળી જતો હતો. હોળીના ચાર દિવસ પછી તે યુવાન સફળતાના ઉચ્ચ શિખરે પહોંચવાની દોડમાં પછી કદી ગામમાં દેખાયો નહતો. તે હોળી પછી કરસન ભંગીની દીકરીએ કુંવારી માંના લેબલ સાથે મોસમને જન્મ આપેલો તે આખું ગામ જાણતું હતું. પણ એ ઘટના પર સમયના થર ચઢતા ગયા અને એ ઘટના અત્યારે ભૂલાઈ ગઈ હતી.
પણ આજે લગભગ સત્તર વર્ષ પછી એ હોળીનો ખેલાયેલો ફાગ ગણો કે પ્રેમીઓનો પ્રેમ,પરંતુ તેઓના શારીરિક ખેંચાણનું મૂર્તિમંત સ્વરૂપ મુખીની નજર સામે હતું. હવે તો હરજીમુખીને 'મોસમ'માં પેલા યુવાનના અણસાર પણ કળાતા હતાં.
ભૂતકાળની સફર ખેડીને પાછા આવેલા હરજીમુખીએ એમની નજર સામે ઊભેલી મોસમ અને પંચની બેઠકમાં હાજર સૌની ઉત્સુક નજરને ખાળી અને એક તીખી નજર પૂજારી ઉપર ઠેરવી ચૂકાદો આપ્યો.
મોસમ નિર્દોષ છે, પૂજારીજી તમારી ફરિયાદ ખોટી છે,એને જવા દો" કહેતા સોનાની ચેનની ડબ્બીમાં કરસન ભંગીની દીકરી સાથે રહેલો યુવાનનો ફોટો પૂજારીને બતાવ્યો ત્યારે, પંચની બેઠકમાં સન્નાટાને ચીરતા મુખીના અવાજથી ફેલાયેલી સ્તબ્ધતાના બોજ કરતાં પૂજારીના હૃદય પરનો બોજ વધારે હતો. પોતાના પેટના કુકર્મથી પૂજારીને પંચમાં જાણે પોતાની હયાતી ડંખતી હોય એમ સફાળા ઊભા થઈ ભીની આંખે મોસમને હાથ જોડી પાછા વળી ગયા.
અને બીજા દિવસે સવારે પૂજારીએ માનભેર 'મોસમ' અને કરસનને પોતાને ત્યાં તેડાવ્યા ત્યારે આ વરસે હોળી પછી વસંતનું આગમન થઈ રહેલ હતું...હરજીમુખીને હૈયે ટાઢક હતી કારણકે હવે 'મોસમ'ના જીવનની મોસમમાં હંમેશને માટે વસંત લહેરાવવાની હતી.
