મમતા
મમતા
હેમાના લગ્નને દસ વર્ષ થયા પરંતુ ખોળાનો ખૂંદનાર ન મળે. અમર સાથે હેમાના પ્રેમ લગ્ન.
બંને એક જ કંપનીમાં નોકરી કરે. સાથે જવા-આવવાનું. જિંદગી ખુશખુશાલ પણ એક જ ખોટ,ખોળાના ખૂંદનારની.
ડોક્ટરોને બતાવ્યું, બંનેના રિપોર્ટ નોર્મલ. ક્યાં કમી તેજ ન સમજાય. અમર હેમાને સાંત્વન આપતો પરંતુ હેમા ઉદાસ રહેવા માંડી. સ્વભાવ ચીડીયો થઈ ગયો.
આખરે તપાસ કરતા માલુમ પડ્યું કે, આણંદમાં સરોગેટ મધરની મદદથી બાળક થઈ શકે.
બંને જણા ઉપડ્યા આણંદ. ડોકટરને મળ્યા. બંનેની તપાસ કરી ડોક્ટરે પણ સરોગેટ મધરની સલાહ આપી.
અંતે લીલાબેન નામની છૂટાછેડા લીધેલી મહિલા સરોગેટ તરીકે બાળકને જન્મ આપવા તૈયાર થઈ. એ માટે એવું નક્કી થયું કે,સરોગેટ મધર બનવાની તૈયારી કરે એને લગતા કાયદેસર પેપર તૈયાર થાય એટલે રૂપિયા બે લાખ આપવા અને પ્રસુતિ પછી બાળક સોંપે એટલે બાકીના ત્રણ લાખ રૂપિયા આપવા. નવ મહિના સુધી લીલાબેનની સંપૂર્ણ કાળજી અમરે કરવી.
જોતજોતામાં નવમહિના પુરાં થયાં લીલાબેને સુંદર મજાની ઢીંગલી જેવી દીકરી ને જન્મ આપ્યો. એક મહિના સુધી લીલાબેન સ્તનપાન કરાવે એટલે અમર-હેમા, લીલાબેન સાથે અમરે રાખેલા ફ્લેટમાં રહ્યા.
અંતે એ દિવસ આવી પહોંચ્યો. લીલાબેનથી પરી જેવી દીકરી છૂટી પડવાની. છેલ્લું સ્તનપાન કરાવતા લીલાબેન વિચારી રહ્યા,"કેવી જિંદગી? ત્રીજી વખત' મા ' બની પરંતુ બાળક મારી પાસે ન મળે, ભગવાન મારા થકી દંપતિને માવતર બનાવે છે પરંતુ હું ક્યારેય મા નહીં બની શકું. "
ભગવાને લીલાબેનની વાત સાંભળી હોય એમ એમના લગ્ન થયા. સમય જતા લીલાબેન પોતાના બાળકને જન્મ આપી સ્તનપાન કરાવી માતૃત્વનો આનંદ માણી રહ્યા.