Rita Macwan

Drama Thriller

3  

Rita Macwan

Drama Thriller

મિત્રતાની સુવાસ

મિત્રતાની સુવાસ

6 mins
566


કોલેજનો પહેલો દિવસ હતો ફી ભરવાની લાંબી લાઈનમાં સુકેતુ અને ભાગ્યેશ આગળ પાછળ હતા. જેવો ભાગ્યેશનો નંબર ફી ભરવાનો આવ્યોકે કોલેજના કલાર્કે ૭૫૦ રૂપિયા માંગ્યા અને ભાગ્યેશ પાસે ૫૦૦ રૂપિયા જ નીકળ્યા. અને જો આજે ફી નહી ભરે તો એડમિશન રદ થાય તેમ હતું. એણે કલાર્કને કહ્યું,” કાલે ફી ભરું તો નહી ચાલે? આજે મારી પાસે ૫૦૦ રૂપિયા જ છે.” કલાર્કે કહ્યું,” નહી ચાલે, નિયમ એટલે નિયમ .” અને ભાગ્યેશનો ચહેરો રડમસ થઈ ગયો. સુકેતુ એ કહ્યું ,”દોસ્ત હું ભરી દઉં છું તારા વધારાના પૈસા. કાલે મને આપી દેજે. આ રહ્યું મારું સરનામું. અને ભાગ્યેશની આંખમાં આભારની લાગણી ઝળઝળિયાં સ્વરૂપે ડોકાઈ. અને બીજે દિવસે બાકીના પૈસા આપી પણ દીધા. અને આમ સુકેતુ અને ભાગ્યેશ કોલેજના પહેલા દિવસથી જ ગાઢ મિત્રો બની ગયા.


બંનેના વિચારોમાં ઘણી સામ્યતાઓ હતી. એકબીજાની ગમા અણગમાની વાતો કરતા મિત્રો બન્યા. સાંજે કોલેજ છૂટવાના સમયે કોલેજના ગેટ પર એક આલીશાન કાર ડ્રાઈવર સાથે આવીને ઉભી રહી.સુકેતુ એ ભાગ્યેશને કહ્યું,” ચાલ દોસ્ત આજે સાથે જ ઘરે જઈશું, તને તારા ઘરે ઉતારી દઈશ એ બહાને તારું ઘર પણ જોઈ લઈશ. “ આ સાંભળતા જ ભાગ્યેશ આડું જોઈ ગયો. એની આંખમાં ભીનાશ છવાઈ ગઈ એ સુકેતુ એ જોઈ લીધી. સુકેતુએ કહ્યું “ઓકે, કાલે મળીયે છીએ.” કહી ગાડીમાં બેસી જતો રહ્યો.


સુકેતુ મુંબઈમાં રહેતા ધનાઢ્ય પરિવારનો એકનો એક દીકરો હતો. પિતા રઘુવીર સંઘવી અને માતા સુમિત્રાનો એક નો એક લાડકવાયો દીકરો હતો. માબાપ ધર્મિષ્ઠ અને કર્મનિષ્ઠ. દીકરો પણ આ જ વારસો લઇ જન્મ્યો. પ્રામાણિકતા અને વફાદારી પિતા એ વારસામાં આપ્યા હતા. એ રાત્રે સુકેતુને પોતાના દોસ્તની આંખોની ભીનાશે સુવા ન દીધો. જયારે બીજી બાજુ ભાગ્યેશ ?


નામ પ્રમાણે ભાગ્ય કોશો દૂર હતું. ભાગ્યેશ એક એવો યુવક હતો કે જેના માબાપે યુવાનીમાં કરેલી ભૂલનું પરિણામ હતું. તેને અનાથાશ્રમ ના દરવાજે મુકીને જતા રહ્યા હતા. એટલે જ સુકેતુની ઘર પણ જોઈ લેવાશે એ વાત થી એની આંખો ભીની થઇ ગઈ હતી.


સમય જતા સુકેતુને બધી જ વાત ભાગ્યેશે જણાવી છતાં એમની દોસ્તીમાં કોઈ ફર્ક ન આવ્યો.પણ સુકેતુ તો વધારે ગહેરાઈથી નિભાવવા લાગ્યો. સુકેતુ કોલેજના બીજા વર્ષે નીતાના પરિચયમાં આવ્યો. કોલેજના વાર્ષિકોત્સવ વખતે મિત્રો બન્યા. મધ્યમવર્ગીય પરિવારની દીકરી સંસ્કારી હતી. ભણવામાં હોશિયાર હતી. ધીમે ધીમે દોસ્તી પ્રેમમાં પરિણમી. સુકેતુ એ નીતાની ઓળખાણ ભાગ્યેશ સાથે કરાવી અને પ્રેમની પણ વાત જણાવી. ત્રણે જણા સારા મિત્રો બની ગયા. જ્યાં જાય ત્યાં ત્રિપુટી સાથે જ હોઈ. જોતજોતામાં ત્રણ વર્ષ પુરા થઇ ગયા. ત્રણેય ફર્સ્ટક્લાસ ફર્સ્ટ આવ્યા.


સુકેતુ પિતાના ધંધામાં જોડાઈ ગયો. નીતા સાથે માબાપની સંમતીથી લગ્નગ્રંથિથી જોડાઈ ગયો. ભાગ્યેશે નક્કી કર્યું કે એ લગ્ન નહી કરે. પોતે અનાથ હોવાના કારણે બીજા એક અનાથને જન્મ નહિ આપે. એણે અનાથાશ્રમમાં જ મેનેજર તરીકે નોકરી કરવાનું મુનાસીબ માન્યું. અને અનાથ બાળકોને ભણાવવાનો ભેખ ધર્યો. સમય ઝડપથી પસાર થતો રહ્યો. અનાથાશ્રમથી થોડે દુર વૃદ્ધાશ્રમનું નિર્માણ થઈ રહ્યું હતું. પાંચ વર્ષમાં ઘણા તરછોડાયેલા વડીલો ત્યાં આવી આશરો લેવા લાગ્યા. ભાગ્યેશ ઘણી વાર આવા વૃદ્ધોની મુલાકાત લેતો હતો. એમની વ્યથા ને કથા સાંભળતો હતો. બસ નિજાનંદમાં પોતાનું જીવન વ્યતિત કરવા લાગ્યો. સમય વહેતો રહ્યો સુકેતુના માં બાપ જાત્રા કરવા ગયા અને અકસ્માતમાં પાછા ન આવ્યા. સુકેતુને ખુબ દુખ થયું ભાગ્યેશ આવીને મળી ગયો. હવે મળવાનું ઓછું થતું. ભાગ્યેશના શિરે અનાથાશ્રમની ઘણી જવાબદારી હતી. સાત વર્ષના વહાણા વહી ગયા. છતાં સુકેતુ ને નીતા માતા પિતા ન બની શક્યા. મા બાપના મૃત્યુથી હવે જીવનમાં એકલતા અને સુનકર વ્યાપી રહ્યો.બંને સમજુ હતા. દુ:ખી હતા પણ એકબીજા સાથે આ બાબતે ચર્ચા કરવાનું ટાળતા હતા. સંતાનની ઝંખના હતી પણ ઈશ્વરે એમના નસીબમાં સંતાન સુખ લખ્યું નહોતું. શેર માટીની ખોટ હતી. નીતા કદી પણ મા નહી બની શકે એવું તબીબી નિદાન હતું. ડોક્ટર ના નિદાન પછી બંને જણની સ્થિતિ કફોડી બની ગઈ છતાં વાસ્તવિકતા સ્વીકારી લીધી. બંને જણા એ બાળકને દત્તક લેવાના દ્રઢ નિશ્ચય સાથે ભાગ્યેશના અનાથાશ્રમમાં આવ્યા. ભાગ્યેશે બંને ને આવકાર્યા. પહેલીવાર અનાથાશ્રમમાં આવેલા દોસ્ત દંપતી ને પ્રેમથી પોતાના રૂમ પર લઈ ગયો. ને ત્રણે જણ સાથે જમ્યા. પછી પોતાના અનાથ બાળકોની ઓળખાણ કરાવી. એમાંથી એક ૨ વર્ષના છોકરાને પસંદ બંને જણા એ કરી, દત્તક લેવાનો નિર્ણય કર્યો. કાનૂની કાર્યવાહી કરી ને બાળકને પોતાના ઘરે લાવ્યા. ને બાળકના આવવાથી બંગલામાં રોશની આવી તો નામ પણ દીપક રાખ્યું.


સમય વીતતો ગયો દીપકને મોટો કરવામાં બંને જણ પોતાને ભાગ્યશાળી માનવા લાગ્યા. સારા સંસ્કાર આપવા લાગ્યા. દીપક પણ માતા પિતા સાથે તોફાન મસ્તી કરતો મોટો થતો ગયો. પ્રાથમિક શિક્ષણમાં તો એ કાયમ પ્રથમ રહ્યો. પણ હાઇસ્કુલમાં પણ એ સિલસિલો ચાલુ રાખ્યો. તેની શૈક્ષણિક કારકિર્દી તેજસ્વી રહી. અને ધોરણ ૧૨માં વિજ્ઞાન પ્રવાહ લઈ ને એ વન ગ્રેડ પ્રાપ્ત કરી મેડીકલમાં પ્રવેશ મેળવી લીધો. ખુબ જ હોંશિયાર એવો દીપક જોતજોતામાં ડોક્ટર દીપક બની ગયો. ડોક્ટર દીપક સુકેતુ સંઘવી બની ગયો...અને સાથે સાથે પોતાની સાથેજ ભણતી દિપાલી સાથે લગ્નગ્રંથીથી જોડાઈ ગયો, સુકેતુ અને નીતાની જાણ બહાર. લગ્ન કરી માબાપને પગે લાગ્યો તો બંને જણ આઘાતથી દિગ્મૂઢ થઈ ગયા. પહેલી વાર એમના દિલમાં કઈક ખટક્યું.દિપાલી દેખાવમાં અને ભણવા માં ખુબ હોશિયાર હતી પણ પૈસાદાર પિતાની અભિમાની દીકરી હતી. માતા ૫ વર્ષની દિપાલીને મુકીને મૃત્યુ પામી હતી. પિતા એ પોતાની દીકરીને ખુબ લાડ લડાવીને મોટી કરી હતી. રૂપ અને પૈસા તથા કોઈની રોકટોક નહિ હોવાને કારણે દિપાલી તોછડી અને અભિમાની બની ગઈ હતી.


દીકરો વહુ ડોક્ટર હતા સવારથી જ નીકળી જતા રાત્રે આવતા. સમય વહેતો ચાલ્યો..સુકેતુ અને નીતા પર હવે ઉમરની અસર થવા લાગી.


એકવાર સાસુ નીતાએ વહુ દિપાલીને કહ્યું,”બેટા તું અમને ઘરમાં કંપની આપી શકે ? નોકર ચાકર તો છે જ પણ અમને દીકરી નથી તો તું દીકરી બની થોડો સમય આપશે તો અમને ગમશે. આ સાંભળતા જ દિપાલીનો મિજાજ છટક્યો. એણે સાસુ ને તો કઈ નહિ કીધું પણ એ રાત્રે દીપકને કહ્યું કે આ ઘરમાં હું રહીશ અથવા તારા માતાપિતા. દીપકે પૂછ્યું કે શું થયું ? તો એણે કહ્યું કે તારી મા મને એની સાથે રહેવાનું કહે છે. કંપની આપવાનું કહે છે. હું તારી મા ની ગુલામ નથી. હું નહી રહી શકું આ ઘરમાં. હું જાવ છું મારા માતાપિતાની પાસે. દીપકે એને પ્રેમથી કહ્યું તું શું કામ જાય છે? મારા માતા પિતા જશે આ ઘરમાંથી.

અને બીજા દિવસે સવારે દીપકે માબાપની બેગ ભરી તૈયાર કરી. પિતાએ પૂછ્યું કે બેટા અમે ક્યાં જઈએ છીએ? તો એણે કહ્યું કે તમે અહી નહી રહી શકો. હું તમને નજીક જ આવેલા વૃદ્ધાશ્રમમાં મુકવા જઈ રહ્યો છું. તૈયાર થઈને નીચે ગાડીમાં આવીને બેસો.


સુકેતુ અને નીતા બંને સ્તબ્ધ થઈ ગયા. અચાનક આ શું થઈ ગયું.? પણ બંને એ કારણ પણ ના પૂછ્યું અને તૈયાર થઈ ને નીચે આવી ગયા.


અનાથાશ્રમથી થોડે દુર જ વૃદ્ધાશ્રમ હતો. અનાથાશ્રમ પાસે થી ગાડી પસાર થઈ સુકેતુની ત્યારે સંજોગોવસાત ભાગ્યેશ વૃદ્ધાશ્રમનાં દરવાજે જ ઉભો હતો. અને વૃદ્ધાશ્રમમાં કોઈ વડીલને દવા આપવા જઈ રહ્યો હતો. એણે દૂરથી સુકેતુ અને નીતાને જોયા. પાછળથી દીપક અને દિપાલી ગાડીમાંથી ઉતર્યા. સુકેતુ અને ભાગ્યેશની નજર મળી. બંને જણા દોડીને એકબીજાને ભેટી પડ્યા. દીપક અને દિપાલી પણ ત્યાં આવી પહોચ્યા. તેમની સામે જ સુકેતુએ હસતા હસતા અશ્રુ છુપાવતા ભાગ્યેશને કહ્યું,” દોસ્ત આજે મારો દીકરો મને વૃદ્ધાશ્રમમાં મુકવા આવ્યો છે. હું અને નીતા હવેથી અહીજ રહીશું. જયારે પહેલીવાર કોલેજમાં મળ્યા ત્યારે ભાગ્યેશની આંખમાં ભીનાશ હતી, આજે વર્ષો પછી સુકેતુની આંખમાં ચોમાસું બેઠું.


ભાગ્યેશે દીપકને કહ્યું,” બેટા આ તું શું કરી રહ્યો છે તને ખબર છે ? તો એણે તોછડાઈથી કહ્યું,” અમે એમની સાથે નહી રહી શકીએ.” ત્યારે ભાગ્યેશે જીવનમાં પહેલીવાર કોઈની ઉપર હાથ ઉપાડ્યો. દીપકને કહ્યું, “ જે માબાપે તને આ સામે દેખાતા અનાથાશ્રમમાંથી લાવીને તને કુળદીપક બનાવ્યો એને તું આજે વૃદ્ધાશ્રમમાં મુકવા આવ્યો ? દીપક અને દિપાલી સ્તબ્ધ થઈ ગયા. ભાગ્યેશે કહ્યું, “ હા બેટા તું અનાથ હતો, તું કોઈની ભૂલનું “પરિણામ” હતો. ત્યારે તારા આ માં બાપે તને પોતાનો સગો દીકરો બનાવી ઘરમાં લાવ્યા ને પોતાનો વારસદાર બનાવ્યો. પણ તું એમની મિલકત નો વારસદાર બન્યો પણ તેમના સુવાસિત સંસ્કારનો વારસદાર નહિ બની શક્યો...દીપક અને દિપાલી ને ભૂલ સમજાઈ પણ હવે ખુબ મોડું થઇ ગયું હતું.


સુકેતુ અને નીતાએ પોતાની જિંદગીનો શેષ સમય વૃદ્ધાશ્રમમાં જ વિતાવવાનું જ પસંદ કર્યું. પહેલાના સમયમાં માનવસર્જિત આશ્રમો બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ અને સન્યસ્ત આશ્રમ હતા. જયારે આજના યુગ ના માનવસર્જિત આશ્રમો છે, વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમ.


આજ ના કળિયુગનો આધુનિક શ્રવણ એવો દીપક અને દિપાલી ને વારસામાં આજના બે આશ્રમ વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમના સંસ્કારો પ્રાપ્ત થયેલ હોવાથી તેમણે તેમના માબાપ ને વૃદ્ધાશ્રમમાં મુકવાની ભૂલ કરી. જયારે સુકેતુ અને નીતા અને ભાગ્યેશને વડીલોપાર્જિત ચાર આશ્રમોના સંસ્કારો મળ્યાં હોવાથી તેમણે પોતાના સંસ્કારોની સુવાસને પ્રજ્વલિત કરી,”સંસ્કારોની સુવાસ”ને ફેલાવવાનું નક્કી કર્યું.


આને કહેવાય “મિત્રતાની સુવાસ"


Rate this content
Log in

Similar gujarati story from Drama