મિત્રતા
મિત્રતા
મિત્રતા માટે કોઇ ઉમર હોય ? જીવનને ઊમંગોથી ભરવાની કોઇ મર્યાદા હોય ? મન કેમ સતત ગડમથલમા રહેતુ હશે ? હંમેશા લોકો શુ કહેશે એ વિચાર જ કેમ મન મારવા માટે પૂરતો છે ? હૃદયનો કોઇ ખૂણો કેમ કોઇ માટે કાયમ રીઝર્વ રહેતો હશે ? સંબંધો સ્વાર્થના જ હોય એ માનસિકતા ક્યારે જાશે ? શુ સાચે ચાલિસીની નજીક પહોચ્યા પછી પણ તરુણાવસ્થા જેવો થનગનાટ થતો હશે ? કોઇને મળવાનુ કે વાતો કરવાનુ મન થાય ? હજુ તો સવાલોની ગડમથલ ચાલતી હતી ત્યા જ સમરનો અવાજ સંભળાયો}"શ્રેયા ...મારો રુમાલ નથી મળતો જરા શોધી આપ ને..." અને શ્રેયા વિચારોના તોફાન ને વિખેરી સમરની આસપાસ વ્યસ્ત થઇ ગઇ..
શ્રેયા અને સમર પંદર વર્ષના પૂત્રના માતા-પિતા. સમર શ્રેયાને ખૂબ સાચવે.આમ જોઇએ તો સુખી લગ્ન જીવન. પણ શ્રેયા માટે કઇક ખૂટતુ, કઇક અધૂરુ. પણ દિલમા ચાલતા તોફાનને કદાચ શબ્દો નહી સમજાવી શકે એટલે તે મૌનથી સમજાવા વ્યર્થ કોશિષ કરતી. આવુ તેના મનમા પાંચ-સાત વર્ષથી ચાલતુ હતુ. સમજાવે પણ શુ ? એ એવો અભાવ હતો જે માંગવાથી ન પૂરો થાય. સમર પોતાનો પ્રેમ વ્યક્ત ન'તો કરી શકતો અથવા તો શ્રેયા બધુ સમજતી જ હોય ને આ ઉમરે વળી શુ પ્રેમ અભિવ્યક્ત કરવો. પણ શ્રેયા નાની નાની વાતોમાં પ્રેમ શોધે. વાતો કરવી, સાથે સમય વિતાવવો, આ બધુ જ તેના માટે રોમાંચ. ક્યારેક અમસ્તો જ કરેલો સ્પર્શ તો ક્યારેક વરસાદી સાંજ પર ફક્ત પોતાનો જ હક. શુ આ અહેસાસ માગીને મળે ? પતિ બન્યા પછી મિત્ર પણ કેમ નહી રહી શકાતુ હોય ?
પણ જ્યારથી સૌરભના પરિચયમાં આવી તેને કંઇક અલગ લાગણી થતી. સૌરભ એ સમરનો કલીગ. એક વર્ષથી અહી બદલી થઇ હતી. ઘરે આવતા જતા સંબંધો ગાઢ થવા લાગ્યા. સૌરભ હસમુખો તેમજ મળતાવડો અને વાતોનો ભંડાર. એ શ્રેયાના સ્મિત પાછળની ઉદાસી પારખી ગયો.
"શ્રેયા તમે તમારા જીવનથી ખૂશ નથી સાચુ ને ?" આ અણઘાર્યા સવાલે શ્રેયાને હચમચાવી દીધી પણ એણે ત્યારે પરીસ્થિતિ સંભાળી લીધી. સૌરભ શ્રેયાને ખૂબ સમજતો. અને આ વાત શ્રેયાને ખૂબ ગમતી કેમકે કંઈ પણ કહ્યા વગર જો કોઇ વ્યક્તિ તમારા સ્મિત પાછળની ઉદાસી પારખી લે તો એ સાચો સંબંધ. ધીરે ધીરે મિત્રતા વધી પણ એમા શારિરિક આવેગોનુ સ્થાન ક્યાય ન હતુ.
શ્રેયા હવે ખૂલા મનથી સૌરભ સાથે વાતો કરતી, પોતાની ઈચ્છાઓની, લાગણીની, પોતાનો ગમો અણગમો બધુ. અને સૌરભે ફરી એ જ સવાલ પૂછ્યો "શ્રેયા તમે કેમ ખૂશ નથી ?" અને આજે શ્રેયા હૈયુ ખોલી ને બોલી...
"સૌરભ, એક સ્ત્રી અને પુરુષ વચ્ચે શરીરનાં સંબંધ સિવાય પણ એક સંબંધ હોય છે, તેનાથી પણ ઊંચો અને પવિત્ર એ છે મિત્રતાનો સંબંધ, લાગણીનો સંબંધ એક એવો સંબંધ જ્યા પોતાને એક સ્ત્રી હોવાનો ભય નથી. ક્યારેક તકલીફોને ભૂલવા એક હુંફાળું આલિંગન જ બસ છે તો ક્યારેક ફક્ત પ્રેમાળ હાથ પકડવા માત્રથી સમસ્યાનો સામનો કરવાની શક્તિ મળી જાય છે. સ્ત્રી આત્મનિર્ભર ચોક્કસપણે થઇ ગઈ છે પણ તેને રડવા માટે એક મજબૂત ખભાની જરૂર કાયમ રહી છે. એક પ્રેમી પતિન બની શકે એવુ બને પણ એક પતિ જો પ્રેમી કે મિત્ર ન બની શકે તો જીવનમા કશુક ખૂટ્યા કરે છે. વર્ષોના સાથથી તો નિર્જીવ વસ્તુથી પણ લગાવ થઇ જાય છે પણ સંબંધોને સજીવ રાખવા લાગણીનુ ઓક્સિજન ખૂબ જરૂરી છે. સૌરભ મે તમારામાં એ મિત્ર જોયો છે , તમારી સાથે વાતો શેર કરવી ગમે છે."
"સૌરભ, તમે સમજો છો ને હુ શુ કહી રહી છુ ?" સૌરભ એટલુ જ કહી શક્યો "તમારા જીવનની એ ખાલી જગ્યાઓ હુ પૂરીશ હંમેશ માટે."
અને શ્રેયા ફરી થી પ્રેમ મા પડી, મિત્રતાના પ્રેમમાં વિશ્વાસના પ્રેમ મા.
જ્યા સ્ત્રી હોવા નો ભય નથી એવા પ્રેમ મા.
