મિસ એબોર્શન
મિસ એબોર્શન


મિત્રો, આપણાં જીવનમાં ઘણી ઘટનાં એવી બનતી હોય છે કે આપણે એ ઘટનાને લીધે ઘણું ભોગવવાનું અને ગુમાવવાની નોબત આવતી હોય છે, આપણે એ સમયે લાચાર બની જઈએ છીએ, આપણે ઇચ્છતાં હોવાં છતાંપણ પણ કઈ કરી શકતાં નથી, આથી આપણે એ ઘટનાને એક ખરાબ સ્વપ્ન માનીને ભૂલી જવાં પ્રયત્નો કરતાં હોઈએ છીએ.
આવી જ એક ઘટનાં મારી સાથે બનેલ હતી, જે હું પણ એક ખરાબ સ્વપ્ન માનીને ભૂલવા પ્રયત્ન કરી રહ્યો હતો,
મારા પત્નીને ત્રણ મહિનાની પ્રેગ્નન્સી હતી, આ દરમ્યાન હું બહાર ગામ હતો, અને શનિવારે ગાયનેકોલોજિસ્ટ પાસે ફોલો-અપ માટે જવાનું હતું, આથી હું મારા ઘરે શુક્રવારે રાતે આવી પહોંચ્યો, અને શનિવારના રોજ અમે રાબેતાં મુજબ એ ગાયનેકોલોજિસ્ટ પાસે ફોલો-અપ માટે ગયાં, ત્યાં ગાયનેકોલોજિસ્ટ મેડમ મારા પત્નીની તપાસ કરી, અને કહ્યું કે "બધું એકદમ બરાબર છે, બાળકનાં હૃદયનાં ધબકારા પણ બરાબર છે, આવતાં શનિવારે તમેં ફરીવાર આવજો આપણે એન્ટીનેટલ સ્કેનિંગ કરીશું...!" - આથી અમે બનેવે ખુશ થતાં- થતાં મેડમનો આભાર માનીને મેડિકલ સ્ટોરમાંથી દવાઓ લઈને રાજી થતાં થતાં ઘરે પહોંચ્યાં.
ઘરે આવ્યાં બાદ અમારા બનેવની ખુશીઓનો પાર ના રહ્યો, બસ બનેવનાં મનમાં એક જ પ્રશ્ન હતો કે કે હવે શનિવાર કેમ ઝડપથી આવે, અને અમારા બાળકનું સ્કેનિંગ કરવામાં આવે, આ બાબતને લીધે અમારા બનેવમાં અપાર ઉત્સુકતા હતી. મનમાં એક પ્રકારનો આનંદ હતો કે અમારા સંતાનના સ્કેનિંગ દરમ્યાન અમને બાળકનાં નાના કોમળ હાથ, નાજુક માથું, નાના-નાના પગ, અને ગુલાબની પાંખડીઓ જેવી તેની આંગળીઓ, આંખો બંધ હોવા છતાંપણ તેનો આકર્ષક ચહેરો, જોઈ શકીશું....આ બધું વિચારીને જાણે રગરગમાં એક અલગ પ્રકારની સ્ફુર્તિ પ્રસરી જતી હતી...બસ હવે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતાં તો આવતા શનિવારની....
ફોલોઅપ પછીનો શનિવાર...
અંતે તે દિવસ આવી ગયો જેની હું અને મારા પત્ની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં, શુક્રવારે રાતે ઘણાં બધાં વિચારો કરીને રાતે અમે સુતા, વિચારોને લીધે શુક્રવારની રાત પણ જાણે એકદમ લાંબી હોય તેવું લાગી રહ્યું હતું.
પછી આવી શનિવારની એ સવાર જેની અમે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતાં, સવારે ગલેરીની બહાર વૃક્ષ પર બેસેલાં પક્ષીઓ પણ જાણે અમને આ શનિવારની યાદ અપાવતાં હોય તેમ મીઠા - મીઠા ટહુકાર કરીને જાણે અમને જગાડવાના પ્રયત્નો કરી રહ્યાં હોય તેવું લાગી રહ્યું હતું
અમે બંને રાબેતાં મુજબ જાગ્યાં, ફ્રેશ થયાં, અને મારા પત્નીએ તેના પેટ પર હાથ રાખીને કહ્યું..કે, " બેટા ! આજે અમે તને ટી.વી. સ્ક્રીન પર પહેલીવાર જોઈશું. તારા પપ્પા અને હું આજે ખુબ જ ખુશ છીએ...!"
ત્યારબાદ અમે બનેવે સવારે ચા - નાસ્તો કર્યો, અને બરાબર દસનાં ટકોરે અમે ગાયનેકોલોજિસ્ટ પાસે ફોલોઅપ માટે પહોંચી ગયાં, અમારો વારો આવ્યો, મેડમની ચેમ્બરમાં બનેવે ખુશ થતાં-થતાં પ્રવેશ્યા, મેડમને અમે ગુડ મોર્નિંગ વિશ કરી....મેડમેં અમને સામે વિશ કર્યું, ત્યારબાદ મારા પત્નીની સોનોગ્રાફી તપાસ કરાવવા માટે એક્ઝામિનેશન ટેબલ પર સુવડાવી, લગભગ દસથી પંદર મિનિટ થઈ ગઈ હોવાં છતાંપણ મેડમ હજુપણ મારા પત્નીની તપાસ કરી રહ્યાં હતાં, આથી મારો જીવ પણ મૂંઝાઈ રહ્યો હતો, એક મેડિકલ પર્સન હોવાથી મને એટલો તો ખ્યાલ આવી જ ગયો હતો કે કંઈક તો પ્રોબ્લમ છે જ તે...થોડીવાર પછી મેડમ બહાર આવ્યાં અને રેડીયોલોજિસ્ટ પાસે એક સોનોગ્રાફી કરાવવા માટે જણાવ્યું....મારા પત્ની પણ મેડીકલ પર્સન હોવાથી તેને આખી પરિસ્થિતિનો તાગ મેળવી લીધેલ હતો, આથી તે સંપૂર્ણપણે અંદરથી ભાંગી પડેલ હતી.
આથી તરત જ અમે સોનોગ્રાફી કરાવવામાં માટે ગયાં, ત્યાં વેઇટિંગમાં બેસેલ હતો, ત્યારે મારા મનમાં એક વિચારોનું વાવાઝોડું શરૂ થયું, મારું હૃદય પણ કબૂતરની માફક ફડફડાટ કરી રહયુ હતું, અને ત્યાંનાં રેડીયોલોજિસ્ટ સરે સોનોગ્રાફીના ફાઇન્ડિંગમાં "મિસ એબોર્શન" એવું સજેસ્ટ કર્યું...આ સાંભળી જાણે એકાએક અમારા પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેવું લાગી રહ્યું હતું, શું કરવું એ કંઈ ખ્યાલ નહોતો આવી રહ્યો, અમારી ખુશીઓ, અમે જોયેલા હજારો સપનાઓ જાણે પળવારમાં જ વિખરાય ગયાં હોય તેવું લાગી રહ્યું હતું, હૃદયમાં એક ઊંડો આઘાત લાગેલ હતો, વેદના આખે આખા શરીરમાં પ્રસરેલ હતી, આંખોના ખૂણાઓ સુધી આંસુઓ આવી ગયાં હતાં, એક મોટો બંધ જાણે તૂટવાની કગાર કે અણી ઉપર હોય તેવું લાગી રહ્યું હતું....આ દરમ્યાન મારી નજર મારા પત્નીનાં નાદાન અને માસૂમ ચહેરા પર પડી. પછી મનમાં વિચાર આવ્યો કે જો હું પડી ભાંગીશ તો મારી પત્નીની શું હાલત થશે. એને કોણ સાંભળશે, એને કોણ સાંત્વના આપશે. લવ મેરેજ કર્યા પછી આખા જગતમાં તેનું કોઈ પોતાનું હોય તો તે એકમાત્ર હું જ હતો. અન્ય પરિવારજનોએ તેની સાથે ઘણા વર્ષો પહેલાંથી જ સંબધ પુરો કરી ચુક્યા હતાં, આથી મેં મારા આંસુઓને આંખોના એક ખૂણામાં દબાવી દીધા, અને મારા પત્નીને સાંત્વના અને હિંમત આપવાં લાગ્યો.
શનિવારનો દિવસ પૂરો થતાની સાથે જ મારા પત્નીમાં હાલમાં જે પરિસ્થિતિ નિર્માણ પામી છે તેની સાથે લડવાની હિંમત પણ આવી ગઈ હતી, અને ઘણુંબધું રડી લીધેલ હોવાથી તેનું હૈયું પણ હવે હળવું થઈ ગયું હતું. પણ એ જ દિવસે રાતે અંતે મારા આંસુઓની આડે રહેલ બંધ તૂટ્યો, અને જેવી રીતે પુરમાં પાણી જેટલાં વેગથી વહે એટલાં જ વેગથી મારી આંખોમાંથી આંસુઓ વહેવાનું ચાલુ થઈ ગયું....અને હું બાજુના રૂમના એક ખૂણામાં જઈને અંતે મેં અત્યાર સુધી મારી લાગણી અને દુઃખ પર રાખેલ કાબુ ગુમાવીને ધ્રુસકે - ધ્રુસકે મારા પત્ની ન જાગે કે તેને ખ્યાલ ના આવે એવી રીતે એકદમ નાના બાળકની માફક રડવા લાગ્યો.
મનમાં એક વિચાર આવ્યો કે શું ? આ એ જ શનિવાર છે કે જેની અમે આત્સુકતાંથી રાહ જોઈ રહ્યાં હતાં, અનેક સપનાઓ જોયા હતાં.... ત્યારથી માંડીને આજ સુધી આ શનિવારને હું અને મારા પત્ની એક ખરાબ સ્વપ્ન માનીને કાયમિક માટે ભૂલી ગયાં, પરંતુ તેનું દર્દ, દુઃખ કે ઉદાસી હજુપણ હૃદયનાં કોઈએક ખૂણામાં હજુપણ અકબંધ છે....!
મિત્રો મારી સાથે જે ઘટનાં ઘટી તે સાંભળીને કદાચ તમારી આંખોમાં પણ આંસુ આવી ગયાં હશે, પરંતુ આ સમયે મહત્વની એક જ વસ્તુ છે કે આ સમયે તમારે તમારી પત્નીની બાજુમાં ખડેપગે ઉભું રહેવું જોઈએ અને એને આ પરિસ્થિતિનો સમાનો કરવાં માટેની હિંમત આપવી જોઈએ, કારણ કે આપણે જ આપણી પત્નીની હિંમત અને સર્વસ્વ છીએ. અને અમે બંને હાથ જોડીને ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન આવું કોઈ દંપતિ સાથે ના કરે....!