મીરા
મીરા


“સાંભળે છે માધવ?
રાણાજીએ ઝેરનો કટોરો આપ્યો. હું ગટગટાવી ગઈ.
રાણાજીએ કહ્યું,
પરિણિત થઇને પરપુરુષને ચાહે છે ને! તારી એ ભૂલની આ સજા છે. પણ તને કાઈ લાગેવળગે જ નહીં! તું ઈશ્વર કહેવાય એટલે?
અને મારી ભૂલ કે ગુનો કહેવાયો? મેં તને ઈશ્વરની જેમ નહીં પણ પ્રિયતમરુપે ચાહ્યો એ જ ભૂલ? પણ તેં પણ મને અપનાવી છે ને!
સાંભળે છે માધવ!!”
મેડતાના કારાગારમાં બેડીમાં જકડાયેલી મીરા માધવને ફરિયાદ કરી રહી હતી.
“તું ઈશ્વર એટલે તને મોકળાશ અને હું પરતંત્ર નારી એટલે મારો પ્રેમ ગુનો?
હું તને અને જગતને નાનપણથી કહેતી આવી છું કે,
“મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરો ન કોઈ,
જા કે સર મોરમુગટ, મેરો પતિ સોઈ..”
તોય બાપુ’સાએ રાણાજી સાથે પરણાવી. તું ત્યારેય ન આવ્યો. રોજ મંદિરમાં સમગ્ર પરિવાર અને રાણાજીની મરજી વિરુધ્ધ તારા શૃંગાર કરતી રહી, તને રાજભોગ આરોગાવતી રહી, તારા નામમાં મસ્ત ગાતી-નાચતી રહી. તોય તું દૂર? કારણકે તું ઈશ્વર.. એટલે?
ગાઇગાઇને તને કહ્યું,
“એ રી મૈં તો પ્રેમદિવાની, મેરો દર્દ ન જાને કોઈ..”
મારે તારા પરોક્ષ પરચા કે ચમત્કાર નથી જોઇતા માધવ..
અંતે હું થાકી હારી.
થયું કે,
હાશ.. આત્મહત્યાના પાપ કરતાં રાણાજીનો વિષનો પ્યાલો મોક્ષ અપાવશે. પણ ત્યારેય તેં ન બચાવી..
હવે શું?”
અને ડાયરેક્ટરે પરમ સંતોષ સાથે માઇકમાં કહ્યું,
“કટ..કટ”
આખું યુનિટ મીરાની અફલાતુન ભાવવિભોર કરી દેતી એક્ટિંગમાં તરબોળ હતું.
“બ્રેવો મીરા બ્રેવો. ગજબ એક્ટિંગ! જાણે તું સાચે મીરા અને રાણાજીએ તને વિષનો પ્યાલો આપ્યો હોય!”
આખું યુનિટ મીરાની આગામી ફિલ્મની અધધધ સફળતા અત્યારથી માણતું રહ્યું.
અને મીરા ઇતિહાસનું પુનરાવર્તન અનુભવી રહી
“સાંભળે છે માધવ! કે તનેય ઈશ્વર થવાનો શોખ?”