મેળાવડો
મેળાવડો
જગતના ઘરે આજે સૌ મિત્રોનો મેળાવડો રાખ્યો હતો. સૌ દોસ્તો આજે મળવા ભેગાં થયાં.. પાંચ વર્ષના વ્હાણાં પછી. કોઈ કેનેડાથી તો કોઈ અમેરિકાથી.. કોઈ ઓસ્ટ્રેલિયાથી તો કોઈ લંડનથી.. બધી દિશામાં વસતાં આંઠ મિત્રો આજે ભારતની ભૂમી પર પાછા ભેગાં થયાં યાદોની ગઠરી ખોલી, બાળપણને વાગોળી રહ્યાં..ખાલી ખિસ્સાની મોજ યાદ કરતાં રહ્યાં..! આજે તો બધાના ખિસ્સા ભરેલાં હતાં..!
નવયુગ શાળા ને ભટ્ટ જીવરામ એલ. કોલેજની સફર સુધીના સહપાઠી., પણ એ સમયે દસ મિત્રોની ટોળકી. આજે બે મિત્રોની કમી.. એક કાળી ગોઝારી રાત આવી ને બંનેને કાલની ગર્તમાં ઓગાળી દીધાં. બંને એકસાથે એક સેમિનારમાં ગયાં હતાં, ને પાછા વળતાં બંને ગાયબ..! જાણે હવામાં ઓગળી ગયાં !? છુંદાયેલ અર્ધબળેલ ગાડી એમની ખીણમાં મળી પણ એ બંને ના મળ્યાં.. ને પછી મન વાળી લીધું , ઈશ્વરની ઈચ્છા સમજી. પણ લંડનથી આવેલા નયને જણાવ્યું કે તેણે એ બંનેને બે વર્ષ પહેલાં લંડન આઈ નજીક જોયેલા પણ હજી તો બુમ મારે ત્યાં તો પલકવારમાં અદ્રશ્ય થઈ ગયેલાં. જાણે એમના ભૂત હોય ને ક્ષણવારમાં ગુમ..!! બધાં હસી પડ્યાં નયનની બાલિશ વાત પર.
આજે જ્યારે ભેગાં થયાં ત્યારે તેમને યાદ કરી આંખો ભરાઈ આવી સર્વેની. હૈયું ભરાઈ આવ્યું.., બધાનું. એટલામાં દરવાન રામજીકાકા આવ્યાં... જયારે નોકર ભીખો ચા નાસ્તો બધાંને આપતો હતો.. રામજીકાકાએ જગતને કહયું, કોઈ દરવાજે આવ્યું છે. બધાં ઉપલે માળે બેઠાં હતાં. જગત ઉતરીને નીચે આવ્યો, ને તેની દરવાજામાં નજર ગઈ.. જોઈને ઠરી ગયો તે.. કાપો તો લોહી ના નીકળે તેવી દશા હતી તેની.. હાથ પગ સુન્ન થઈ ગયાં ને ધરતીમાં જ જડાઈ ગયો..! મોંમાંથી મિત્રોને બૂમ મારી કાંઈ કહેવા ગયો પણ શબ્દો ગળામાં અટવાઈ ગયાં..!

