Pratiksha Pandya

Drama

3  

Pratiksha Pandya

Drama

કુદરતના કરિશ્મા.. જાદુખેલો

કુદરતના કરિશ્મા.. જાદુખેલો

4 mins
179


જાદુ શબ્દથી જ મગજ ઉપર જાદુ છવાઈ જાય. જાદુ કોને ના ગમે..? બાળકથી માંડી મોટી ઉંમરના આબાલવૃદ્ધ સૌને જાદુની માયા ગમે.. પોતાને કોઈ જાદુઈ શક્તિ મળે તો દુનિયા પલટાવી નંખાય એવું વિચારે માનવી. સદ્દભાવનાવાળો માનવ જાદુથી દુનિયાનું ભલું થાય તેવું ઈચ્છે.. પણ જેનામાં કુટિલતા છે, વધુ પડતી મહત્વકાંક્ષા, બીજાનું છીનવી લેવાની ભાવના હોય એ માણસ ધૂતવાના વિચાર કરે. તેથી જ તો રાવણ, હિટલર જન્મે. માનવીના મનનાં વિચારો સર્જનમાં પરિણમે ત્યારે જાદુઈ છડી, જાદુઈ વાર્તાઓ, કાવ્યો, જાદુઈ પરી એવાં વિવિધ મનરંજીત સર્જનથાળ બાળકો માટે ને મોટેરાઓ માટેય પીરસાય..! બાળકોને મજા આવે ને મનમાં, જાદુ પ્રાપ્ત થાય એવાં વિચાર આવે. અસલ જો જાદુઈ છડી હોય ને જાદુઈ શક્તિ મળે તો દુનિયા ક્યાં ને કેવી હોય એ કલ્પના ના થઈ શકે.. પણ માનવીનું મગજ અદ્ભૂત છે... જાદુથી કમ નથી. નવી નવી શોધખોળોથી નવીનતાની જે ભરમાર ઉપજે છે તે જાદુઈ ઇલમથી કમ નથી.પહેલાંના જમાનામાં જે આકાશકુસુમવત હતું તે અત્યારે સત્ય હકીકત થઈ છે. તે જાદુ નહીં તો શું છે..? હા, એ માણસની બુદ્ધિ ને પ્રયાસથી ઉપજેલું છે.. પણ એ બુદ્ધિ મુકનાર કોણ..? સર્વેથી મોટો જાદુગર જે ઈશ્વર છે તેની આપેલી બુદ્ધિથી તો માણસ કરામત કરે છે. સૌથી મોટો જાદુઈ છડી ફેરવનારો અસલ જાદુગરો તો આ સૃષ્ટિની રચના કરનાર, અદ્ભૂત ચિતારો, ના સમજાય એવો ગહન ઉપરવાળો.. સર્જનહાર ઈશ્વર છે. તેની જાદુગરી બેમિસાલ છે. તેની કુદરત રચના જે અદ્ભૂત, અનુપમ છે.. કોઈ શબ્દો પણ તેને વર્ણવવા ઓછાં પડે.

પણ આ દુનિયામાં હાથચાલાકી કે મંત્ર તંત્ર વડે લોકોનું મનોરંજન કરનાર જે જાદુગર નામે ઓળખાય છે તેનો પણ તોટો નથી આ જગતમાં. પૈસા પણ કમાય ને નામના પણ પ્રાપ્ત કરે. પણ કેટલાંક એવાં પણ જાદુગર હોય જે મેલી તંત્રવિદ્યાથી કે તાંત્રિક પ્રયોગોથી લોકોને ધૂતે છે.. આવા જાદુગરો તો છેવટે તો તેમની કાળી વિદ્યામાં જ ફસાઈ જાય.. એ જ તો કુદરતનો કરિશ્મા છે.

જેમ માનવીને લક્ષ્મીની કે ભૌતિકતાની ઝાકમઝોળની માયા પ્રિય છે, ફસાવનારી ને તેમાં ગળાડૂબ રાખનારી છે, તેમ જાદુના ખેલો પણ માનવીને આકર્ષિ રહે છે.આ જાદુખેલો આજના નથી. ગતાનુગતિક વર્ષોથી, પુરાણા સમયથી ચાલતા આવેલ છે. મનોરંજન કરતાં આ ખેલોમાં સામાન્ય માણસની ચાંચ ના ડૂબે.. પછી એ હાથચાલાકી કે મંત્ર તંત્ર કે વશીકરણ હોય..!!  અલગ અલગ રીતે જાદુઈ નુસખા કે પ્રયોગો થાય.. કેટલાંક તો અક્કલ કામ ના કરે તેવાં પણ હોય. પણ આ બધુ પુરાણકાળથી ચાલતું આવેલ છે. કુનેહથી કરાયેલ આ જાદુખેલો કેવળ ભારતમાં જ નહીં પણ અન્ય દેશોમાં થતાં આવ્યાં છે. લોકોને પોતાની પકડમાં જાળવી રાખવા ખતરનાક ખેલો, દિલને ખોફનાક ભયરસ તથા આશ્ચર્યરસમાં ડુબાડી જકડી રાખે છે.

ભારતમાં કે. લાલની માયાજાળ અદ્ભૂતતાની પરમ સીમા હતી. કે. લાલના પ્રખ્યાત જાદુ લોકોને આશ્ચર્યચકિત કરી દેતાં. ઘડી પહેલાં તો સામે મંચ પર હોય અને ઘડી પછી છેક પાછળથી બુમ મારે. રંગમન્ચ પર પેટીમાં છોકરી હોય, પેટી બંધ કરે, વચ્ચે કરવતથી કાપે, લોહીનું એક પણ ટીપું ના પડે ને એજ છોકરી પાછળથી હાથ હલાવતી દોડતી આવે..! દિલના રૂંવાડા ખડા કરી દે તેવાં ભયંકર, ધડકન તેજ કરી દે તેવાં પ્રયોગો આવા મહાન જાદુગરો કરી શકે. કેવી રીતે તે અસ્થાને, કોઈને ખબર ના પડે, ત્રીજો કાન પણ ના જાણે.., પણ એમાં વર્ષોની મહેનત રંગ લાવે..... એ ચોક્કસ.

વળી કામચલાઉ પ્રયોગો છડી ફેરવી કરી બતાવે. જાદુગર એક ફુલમાંથી ફુલગુચ્છો કરી બતાવે..! દોરીના ચાર ટુકડા કરીને આખી દોરી બનાવી દે. એક પંખીમાંથી ચાર પંખી કરી બતાવે.. અગ્નિ પ્રગટાવી ઉપર ખાલી ઘડો મૂકી જાદુછડી ફેરવે, ને ઘડો પાણીથી ભરેલો બતાવે. આવા ઘણાં બધાં ખેલ જાદુગર કરે. એ જે રીતે કરે તે એ જ જાણે.લોકમાનસને ખબર ના પડે. તેથીજ તો એ જાદુ કહેવાય. જાદુ મનોરંજન માટે બરાબર પણ તે લોકહિતને નુકસાન ના કરવા જોઈએ.

સર્વેથી અલગ વસ્ત્ર પરિધાન. મોટે ભાગે કાળા કે ચળકતાં વસ્ત્રો, હાથમાં જાદુઈ છડી ને બીજા હાથમાં કાળી ટોપી.. એ લાક્ષણિક વેશ જાદુગરનો. જાદુગર લોકોને અદ્ભૂત રસસ્વાદની લ્હાણી કરે.

લોકો પણ ખુશ થઈ સામે તાળીઓની રમઝટ બોલાવે ને વાહવાહની બક્ષીસ આપે. જે જાદુગરને વધુ પાનો ચઢાવે.. કેટલાંક જાદુગરની જાદુગરી એટલી વિશિષ્ટ હોય કે લોકો બમણાં પૈસા આપીને પણ જોવાં જાય. જાદુગર પણ 

લોકોની તાળીઓ ને વાહવાહ સામે ટોપી ને મસ્તક નમાવી અભિવાદન કરે.. આ છે જાદુગરની જાદુઈ દુનિયા ને તેની જાદુઈ વાતો. પણ આ બધાં પછી પણ.... એક ઉપર મહાન જાદુગર બેઠો છે..! ઈશ્વર જેવો કોઈ મહાન જાદુગર નથી. તેનાં કરતબના અચરજો ઊડીને આંખે વળગે તેવાં છે. પળમાં રંકને રાય કરી દે ને રાયને રંક..! જેની પાસે માત્ર અછતનો સાગર ઘૂંઘવતો હોય એને પળવારમાં ઐશ્ચર્યનાં મહાસાગરમાં છબછબીયા કરતો કરી દે..! આ તેની જાદુઈ છડી ઘૂમી નથી કે કુદરતમાં ઉથલ પાથલ મચી રહે.. આસમાનને ચુમતી ઈમારતો પળમાં ધરાશાયી થઈ જાય.. ને તોફાની સમુદ્રમાં તરતી નાનકડી હોડી કિનારા પર લાગી જાય.. આવા આ અદ્ભૂત જાદુગર આગળ આવા દુન્યવી જાદુગરોની શું વિસાત..!

 તેથી જ તો ગમે તેટલી મહાન હસ્તિ કેમ ના હોય આ જગપટ પર, પણ બ્રહ્માંડના અસલી જાદુગર સામે તેનાં ચરણમાં નતમસ્તક રહે એજ આ બ્રહ્માંડ નાં જાદુગરની જાદુગરીનો સ્વીકાર.. ને તેને તેણે આપેલી શક્તિનો ખરો ઉપયોગ..!


Rate this content
Log in

Similar gujarati story from Drama