આશા
આશા
ઉર્જા બારીમાંથી બહાર વરસતા મૂશળધાર વરસાદને નિહાળી રહી. ગ્રીષ્મની દજાડતી દાહક જ્વાળાઓ પછી જાણે આ વરસાદ વાતાવરણને શીતતાથી લીપતો રહ્યો. પણ ઉરને વિયોગનો વંટોળ વ્યથા ઘૂમરીઓમાં ડુબાડી રહ્યો. નીરના ટપકતાં ફોરાં પણ મનને ઠંડક પહોંચાડતા નહોતાં. પિયુ સૌરભ દૂર દેશાવર હતો ! તેની સાથે વિતાવેલી પળોની યાદોનાં ટોળાં ચારે બાજુથી વેદના કેદની ઝંઝીરોમાં જકડી રહ્યાં હતાં.
"મન હોય તો માળવે જવાય " પણ કેવી રીતે ? પિયુ જોજનો દૂર ને પોતે અહીંયા. મન તો ઘણું પણ શક્ય નહોતું અત્યારે. સૌરભે આવવાનો પ્રયાસ કર્યો પણ કામ ખૂબ હોવાથી રજા ના મળી ઓફિસમાંથી. મિલનના સપના ભીનાશમાં રગડોળાયેલા પાંપણ પાળે ઝૂલતાં હતાં. પણ આશા અમર છે."
વિચારોની તંદ્રાજાળાઓમાં ફસાયેલી ઉર્જા બહાર નીકળી. મંદિરે જવાનો સમય થઈ ગયો હતો. ખૂબજ શ્રદ્ધા તેણીને ઈશ્વર ઉપર. તેનો રોજનો નિયમ પણ ઓહહ.. આ વરસાદ રોકવાનું નામ લેતો નહોતો. હવે ઘરે જ પૂજા થાશે. મનોમન બબડી એ મંદિર નહીં જવાય. ને આમેય સ્નાનાદીથી પરવારી ઘરમાં દીવો પૂજા કરી પછી મંદિરે જાતી.
બાથરૂમમાંથી નીકળી સીધી વરસાદી લીલામાં તો ખોવાઈ ગઈ હતી તેણી. વળી "ઉતાવળે આંબા ના પાકે" એમાં પણ તેણીને પાકી શ્રદ્ધા !
તેથી પૂજાનાં ઓરડામાં ગઈ. બેસી બે આંખો મીંચી શ્રદ્ધા ધરી પ્રભુ ધ્યાન ધર્યું. મનમાં સ્તવન કર્યું ને પછી આંખો ખોલી દીપ, અગરબત્તી જલાવ્યાં. હાથમાં અર્ચના, પૂજા માટે ફૂલ, કંકુ, અબીલ, ગુલાલ,ચોખા વિગેરેથી ભરેલ પૂજા થાળી હાથમાં લીધી ને તેમાં દીપ મુક્યો. આરતી ઉતારી કનૈયાની. હજુતો હાથમાં જ થાળીને દરવાજે બેલ બજયો.
કોણ હશે આવા વરસાદમાં ? ઉતાવળમાં હાથમાં થાળી લઈનેજ દરવાજે પહોંચી ઉર્જા. દરવાજો ખોલ્યો. ને સામે નજર ગઈ. વરસાદી વસ્ત્રો સહિત ઉભેલ બે વ્યક્તિ સન્મુખ અને વાદળછાયા આછા અંધારઘેરા ઉજાસમાં પૂજા થાળીમાંના દીપકનો પ્રકાશ તે ચહેરા પર છવાઈ રહ્યો ! નિહાળીને ઉર્જા સ્તબ્ધ થઈ ગઈ, ફાટી આંખે જોઈ રહી તે !
