શાબાશી
શાબાશી
પ્રભાતનો સુંદર સમય હતો. પંખીઓનો કલશોર વાતાવરણને લયબદ્ધ સૂરોથી સંગીતમય બનાવતો હતો. ઊર્જિત નિત્યક્રમથી પરવારી દીવાનખંડમાં આવ્યો.. ને સોફા પર જગા લીધી. આજે તેનું બારમાનું પરિણામ હતું. પેપર બધાંજ સારા ગયા હતાં. પણ તોયે દિલ બેસતું જતું હતું. પણ " આશા અમર છે. " હિંમત રાખ્યા સિવાય છૂટકો નહોતો. " હિંમતે મર્દા તો મદદે ખ઼ુદા. "
તેના ત્રણ મિત્રો સમીર, અંકિત, સાગર તેના ઘરે આવ્યાં.. તેઓ ચારે શાળાએ જવા નીકળ્યાં. રસ્તામાં મજાક મસ્તી કરતાં જતાં હતાં. પણ પરિણામનો ડર દિલોદિમાગ પર છવાયેલો હતો. તેઓ શાળાએ પહોંચ્યાં. ને પરિણામ પણ આવી ગયું.. ચારે મિત્રો પ્રથમ વર્ગમાં પાસ થયાં હતાં. હાશ થઈ ચારેને. દિલ હળવું થયું. હિપ હિપ હુરેરેરે..! ચારેય કૂદયા..!
આજે ચોકલેટ ડે હતો. ખુશીએ ચાર ચાંદ લગાવ્યા તેમનાં આનંદમાં. ચારેએ પોતાની પાસે જે રૂપિયા હતાં તે ભેગાં કરી ઘણી ચોકલેટ લીધી. રસ્તામાં આવતી ઝૂંપડપટ્ટીમાં પહોંચી ગયાં.. ને ત્યાંના ગરીબ બાળકોમાં આ ચોકલેટ વહેંચી.. બાળકોના મુખ પરની ખુશી જોઈ ચારે મિત્રો પણ ખૂબ ખુશ થયાં.. ને પછી એની સામે આવેલા વૃદ્ધાશ્રમમાં પહોંચી ગયા.. ત્યાં વૃદ્ધજનોને બાકીની ચોકલેટ વહેંચી દીધી.. માત્ર ચાર ચોકલેટ રહેવા દીધી. વૃદ્ધજનોની ખુશી નિહાળી તેમણે પણ રહેવા દીધેલી બાકીની ચાર ચોકલેટ પોતે આરોગી.. ને સૌ પોતપોતાનાં ઘરે પહોંચી ગયા. પરિવારજનોએ પણ આનંદથી તેમનું સ્વાગત કર્યું ને તેમના કાર્યની જાણ થાતાં તેમને શાબાશીનો નવનીત પ્રસાદ પીરસ્યો..!
