STORYMIRROR

Pratiksha Pandya

Drama

3  

Pratiksha Pandya

Drama

હાશકારો

હાશકારો

2 mins
126

આભ મંડપમાં વાદળોનો દરબાર ભરાયો હતો. શ્યામ અભ્રો ઝૂમી રહ્યાં ને સર્વેની વાત અથડામણથી અવાજનો શોર, ગડગડાટ ચાલુ થઈ ગયો. વર્ષાના આરંભના ડાકલા વાગી રહ્યાં હતાં. છેવટે વર્ષા તૂટી પડી, મુશળધાર. ધરાને બાથમાં લીધી.વર્ષાએ ! ધરા છેક ભીતર સુધી ભીંજાઈ ગઈ. મનન આંખો ફાડી વર્ષાનો આ ખેલ જોઈ રહ્યો. પણ ભીતર એનું સળગતું હતું.

સુરખી સાથે આજે તેને ઝગડો થઈ ગયો. નાની અમથી વાત. એમાં વાતમાંથી વતેસર થઈ ગયું. નાની વાતમાંથી આગનો ભડકો થઈ ગયો. પણ હવે શું વળે ? પાણી વહી ગયું હતું. કેમની પાળ બંધાય ? સુરખી બારણું પછાડી ગુસ્સામાં ઘરમાંથી બહાર નીકળી ગઈ. ક્યાં ગઈ એ આવા વરસતા વરસાદમાં.?! હમણાં આવશે. પણ કલાક થઈ ગયો. ના આવી એ.

હવે મનનનો શ્વાસ ફૂલવા માંડ્યો. હૈયું હાથમાં ના રહ્યું. બધાં સ્વજન, મિત્રો વિગેરેને ફોન કરી વળ્યો પણ સુરખી કોઈને ત્યાં નહોતી. તે તુરત જ છત્રી હાથમાં લઈ ઘરની બહાર મુશળધાર વર્ષામાં નીકળી પડયો. બધી જગાએ ફરી વળ્યો. પણ ક્યાંય સુરખીનો પત્તો નહીં. જીવ ચૂંથાવા લાગ્યો તેનો. થાકથી, ગભરાટથી રસ્તામાં એક ઝાડ નીચે બેસી પડ્યો. વરસાદ ધીરે ધીરે ઓછો થતો જતો હતો. આંખ મળી ગઈ તેની થાકને કારણે વૃક્ષ નીચે જ. પંખીઓનાં કલશોરથી અચાનક તેની આંખ ખુલી ગઈ.

હળવે રવિરાજ તેજઘોડા પર સવાર થઈ નભ પ્રાંગણમાં પ્રવેશી રહ્યાં હતાં.

વૃક્ષ પર લટકતાં વર્ષા બુંદ ધીરેથી ટપક કરતાં પડી મનનના મુખને ચૂમી રહ્યાં. ને એ પડતી બૂંદોમાં મેઘધનુષી વિવિધ રંગો ઝળહળી રહ્યાં. થોડી ક્ષણો તો અનિમેષ નજરે મનન એ અદ્ભૂત રંગોની ઝીલમિલ ભાત નિહાળી રહ્યો. ને મન જાણે આશા રંગોથી લીંપાઈ હર્ષ અનુભવી રહ્યું. જાણે સૌ વ્યથા વાદળ હટી આનંદ સુખનો દરિયો ઉભરાઈ રહ્યો. પણ વાસ્તવિકતાનો ખ્યાલ આવતાં, સુરખીની છાંય મનમાં ઉભરી રહી. ને મનમાં વિવશતા ને વેદનાનો એક શેરડો છવાયો. ફટાક કરતો ઊભો થયો તે. ને ઘર તરફ દોડ્યો.મચમચાવીને., જાણે કોઈ ભૂત પાછળ ના પડ્યું હોય !

ઘર દરવાજે પહોંચ્યો. દરવાજો ખુલ્લો હતો. દ્વિધામાં અંદર નજર પડી. ને સડક થઈ ગયો તે.. બાઘો ચકવો થઈ જોઈ રહ્યો તે અંદર.!?

 અંદર ઉજાસ ફેલાઈ રહ્યો હતો.. સુરખીની હયાતીનો.!  સુરખી લાંબા પગ કરી સોફા પર આરામથી કોઈ સામાયિકમાં આંખો ખૂંપાવી નિરાંતે જોઈ રહી હતી.! વ્યથા વેદનાનાં શ્યામ વાદળો હટી ગયાં ને આશા - હર્ષનું તેજ છવાઈ રહ્યું.

  મનનનાં જીવમાં જીવ આવ્યો. સુખ આનંદની અભિસારિકા મનમાં આળસ મરડી બેઠી થઈ. ને હૈયામાંથી એક હાશકારો નીકળી રહ્યો..!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar gujarati story from Drama