Pratiksha Pandya

Children Stories

3  

Pratiksha Pandya

Children Stories

શિક્ષક લાવે

શિક્ષક લાવે

2 mins
135


વડોદરા નજીક આવેલા એક નાના ગામની પ્રાથમિક શાળા. નવચેતન એનું નામ. નવચેતન શાળામાં શનિવારના રોજ વર્ગખંડમાં ભાષા શાસ્ત્રનો પિરિયડ ચાલતો હતો. શિક્ષક ટી. કે. પટેલ જ્ઞાનગંગોત્રીના વહેતાં પ્રવાહમાં વિદ્યાર્થીઓને સ્નાન કરાવી રહ્યાં હતાં. શિક્ષકનું યાત્રાધામ એ તેની શાળા અને તેનું અમોઘ અમૃત એ વિદ્યાર્થી છે. શિક્ષકનો સ્નેહ દરેક વિદ્યાર્થીને હેત ને જ્ઞાનથી તરબતર રાખે છે. આવા અમૂલ્ય જીવનઘડતરનું પાન કરાવવા પટેલ સાહેબ હંમેશ તત્પર રહેતાં. આજે તે એક નવો પ્રયોગ લઈ આવ્યાં. હંમેશ એ રીતે તે વિદ્યાર્થીઓને જીવંત બનાવી ઉત્સાહ પેદા કરતાં રહેતાં.

આજે શિક્ષક દિન છે, તેથી શિક્ષક વિષય પર કોઈ પણ પ્રકારમાં તમે લખો, એવું સાહેબે વિદ્યાર્થીઓને જણાવ્યું. પંદર મિનિટનો સમય આપ્યો તેમણે. દરેક વિદ્યાર્થીઓએ પોતપોતાનાં વિચારો કાગળ પર ઉતાર્યા. શિક્ષકે એ જોયાં.. એમાં અમુલ નામના એક વિદ્યાર્થીએ નાનકડું ગીત લખ્યું..

" લાવે ભાઈ લાવે, ભાઈ - શિક્ષક લાવે રોજ નવા નવા વાઘા,

રંગો એનાં ખીલ્યાં ખીલ્યાં, પૂરે સૌ વિદ્યાર્થીમાં નવા પ્રાણ,

જગ આખું દોડે એની દોરવણીથી, શીખી નવા નવા ઘાટ,

નોખા નોખા સર્જન થાય, શિલ્પ કોતરી અનેરા એને હાથ,

વિશ્વ મજાના માણે ગીત, એનાં ભીતર ભરી પાવન જ્ઞાન,

સંસાર થાય ઊજળા, કોડિયાં ઝળહળ જાણે સૂર્ય અવતાર..!"

 પટેલ સાહેબે સર્વેની રચના વાંચી, પણ અમુલે લખેલ આ કાવ્ય ખૂબ પસંદ આવ્યું. વાહ નીકળી ગયું તેમનાં મુખમાંથી. આ નાનકડું પણ અર્થસભર લાગ્યું. તેમણે સૌને વાંચી સંભળાવ્યું.. ને એક પ્રશ્ન કર્યો વિદ્યાર્થીઓને, .. .... " રોજ નવા વાઘા એટલે શું..? "

જેણે લખ્યું એને બાદ કરતાં, એમાંના એક હોંશિયાર શિષ્યે તેનો જવાબ આપ્યો..,

 " શિક્ષક બાળકોને કંઈક ને કંઈ રોજ નવું શીખવાડે છે.. એ નવા વાઘા, વસ્ત્રો સજાવે ને એમાં જે દરરોજ નવા નવા રંગો ચઢાવે, નવા સ્વરૂપને નવીન ઓપ આપે ને દરેક વિદ્યાર્થીઓમાં નવી નવી રીતે જ્ઞાનનું મધુર જળ વહેતું કરી ભીંજવતાં રહે.. ને નવી સમજ, નવી દિશાના દ્વાર ખોલે છે. નવા પ્રાણનો સંચાર કરે છે, જ્ઞાનની લ્હાણી કરે છે. પ્રેમ, સ્નેહ ને ભાઈચારાની હવા ફૂંકે છે."

શિક્ષક આ સાંભળી વિદ્યાર્થીની રજુઆત પર ગૌરવ અનુભવે છે. ને પોતાની શીખવણીને યથાર્થરૂપે અનુભવી રહે છે. તાળીઓથી વધાવી લે છે. આવો સંવાદ બાળકના અંતરમનને સ્પર્શી સુમેળ સાંધે છે યાદશક્તિ વધારે છે.. ને કેળવણીના નવા દ્વાર ખોલે છે. તર્કશક્તિનો પણ વિકાસ થાય છે. ને આ અદ્ભૂત રીતથી વિદ્યાર્થીની અંદર છૂપાયેલી શક્તિ ખોળી કાઢી બહાર લવાય ને જ્ઞાનદીપ ઝગતો રાખી શકાય. માત્ર સમયાંતરે એમાં દિવેલ પૂરતાં રહેવું જોઈએ !

અને પછી આખાયે નાનકડાં ગીતને સરળ શબ્દોમાં સમજાવે છે.. પટેલ સાહેબ. લખનાર વિદ્યાર્થી અમુલને ધન્યવાદ આપે છે.


Rate this content
Log in