મેઘા રે..મેઘા રે..
મેઘા રે..મેઘા રે..
એક ઊંચા ડુંગરની તળેટીમાં નાની અમથી ટેકરી ઉપર બે માનવ, વૃક્ષની નીચે ધોધમાર વરસાદમાં પલળી રહ્યા હતા. એકમેકનો હાથ તેમણે જોરથી પકડ્યો હતો. જાણે જીવનભર છૂટે જ નહીં !
વરસાદ ધોધમાર પડી રહ્યો હતો. ચારે બાજુ પાણી ઉછાળા મારતું હતું. ઉપર આભમાં પાણી, નીચે ધરતી પર પણ પાણી. ઠેરઠેર પાણી અને આ યુગલ વૃક્ષની નીચે, જાણે મૃત્યુને મહાત કરવા માગતું હોય, તેમ એકબીજાનો હાથ પકડીને ઊભું રહ્યું હતું.
હજી તો કઈ કાલ સુધી અહીં લીલાછમ ખેતરો હતાં. બાજરીનો ઊભો પાક ખેતરમાં લહેરાતો હતો .કોઈ ખેડૂત ખેતરમાં પાક લણી રહ્યા હતા. ખુશનુમા માહોલ હતો. દરેકે દરેક જણા આનંદિત હતા. આંબા ડાળે કોયલ ટહુકા કરતી હતી. કાળિયો કૂતરો પૂંછડી હલાવતો તેની ભૂરીને વહાલ કરી રહ્યો હતો.
ગાર, ઘાસ અને માટીના કાચા ઝૂંપડામાંથી બાજરીના રોટલાની સુગંધ આવી રહી હતી. નવા પરણેલા રાવજી અને રતી, તેમના ઝૂંપડામાંથી મીઠું મીઠું હાસ્ય, કિલ્લોલ કરતું હાસ્ય સંભળાઈ રહ્યું હતું.
રાવજીના માતા અને પિતા ખેતરમાં ઝૂંપડી બાંધીને રહેતા હતા. ચારેકોર લહેરાતી બાજરી જોઈને તેમનું મન અતિ આનંદિત હતું.
"આ વર્ષે તો ઘણો સરસ પાક થયો છે. વહુના પગલાં સારા છે. કાલે હું અને રાવજી બેઉ મળીને ખેતરમાંથી બાજરી લણી લઈશું. આ વખતે તો બધું જ દેવું ચૂકવી દેવાશે. તમારા ગીરવે મુકેલા ઘરેણા પણ છોડાવી દેવાશે ."રાવજીના પિતા ખુશ થતાં થતાં બોલ્યા.
"હોવ.. રાવજીના બાપુ !" મેનાબા ખુશ થતાં થતાં બોલ્યા.
"મેનાબા, આ વખતે તો તમારા હાથના સોનાના કડલાં લેવા જ છે.લગ્ન કરીને લાવ્યો ત્યારે, તમને વચન આપ્યું હતું કે સોનાના કડા તો જરૂર તમને અપાવીશ. પણ એવો સમય આવ્યો જ નહીં. તમને ખૂબ દુઃખ થતું હશે મેના !"
"અરે ! આવું શું બોલો છો રાવજીના બાપુ ! રાવજી જેવો સોનાનો દીકરો તો તમે મને આપ્યો. એનાથી વધારે મને શું જોઈએ !"
"તમારી ખાનદાની અને તમારા સંસ્કાર રૂડાં છે મેનાબા ! હું તમારો ખુબ ખુબ ઋણી છું કે તમે મારા ઘરને ખુબ સરસ રીતે સંભાળ્યું છે."
"મારું નહીં આપણું બોલો રાવજીના બાપુ."
"ભલે ભલે આપણું બસ !પણ મેનાબા એક વાત કહું. તમારું મોઢું જોયા વગર ક્યારેય સુંદર સવાર નથી થતી. સૂરજ ઝળહળતો જ નથી અને આ પક્ષીઓ પણ તમારો અવાજ સાંભળ્યા વગર ચણવા નથી આવતા. આ પવનની લહેરખીને પણ તમારા વાળ સાથે રમત રમવાની આદત પડી ગઈ છે. આ ધરતી પર તમે જ્યાં સુધી પગ નથી મૂકતા, ત્યાં સુધી ફૂલડાં ખીલતા નથી. બોલો ! મેનાબા આ સમગ્ર સૃષ્ટિ તમારા પ્રેમમાં પડી ગઈ છે."
"સમગ્ર સૃષ્ટિ નહીં, તમે પ્રેમમાં પડી ગયા છો રાવજીના બાપુ ! હવે આ ઘરડે ઘડપણ કવિતા કરવાનું બંધ કરો અને ખેતરે જઈ કામ ચાલુ કરો."
"તમારા હાથના શિરામણ વગર તો આ શરીર પણ હવે ઊઠવાની પણ ના પાડે છે."
"લ્યો ત્યારે ગરમ ગરમ શીરો અને દૂધ."
"આજે આપણ કાચા ઝૂંપડા પર નળિયા નાખવા છે. ઘરમાં કોઠાર સરખા કરાવવા છે. હું સાંજેકડા ગામ જવાનો છું. તમારે આવવું છે ત્યાં ?"
"હોવ.. નવી વહુને મળાશે અને તેના હાથના ગરમ ગરમ રોટલા ખઈને આવીશું."
સાંજે રાવજીના બાપુ અને મેનાબા બેઉ જણા ગામમાં ગયા. રાવજી સાથે ઘણી વાતો કરી. સગાવ્હાલાને મળ્યા. ઘરમાં કોઠાર સરખા કર્યા અને વહુના હાથના ગરમ ગરમ રોટલા ખાતા ખાતા નવા અને ખુબ સરસ સમાચાર મળ્યા કે હવે તો "તેમના ઘરે નવું મહેમાન પણ આવશે."
એક અનેરી સાંજ હતી. ખુબ સુંદર સાંજ હતી. કાચી માટીના ઝૂંપડામાં રહેતા બધા જ જાણે એકમેકના કુટુંબીજનો હોય તેમ મળીને,ઘણી બધી વાતો કરી. થોડો મહુડો પીધો.થોડા નાચ્યા, ભજન કર્યા.
સાંજ ઢળી ગઈ. રાત પણ પડી ગઈ. રાવજીના બાપુ અને મેનાબા હાથમાં ફાનસ લઈને ખેતરમાં જવા નીકળી પડ્યા.
મેનાબા ખાટલે આડા તો પડ્યા. પણ તોય તેમના મનમાં આજે અજંપો હતો.જાણે કંઈક થવાનું હોય તેમ !
કોઈ દિવસ નહીં અને આજે મેનાબાએ રાવજીના બાપુનો હાથ પકડી લીધો.
"મને કંઈક થાય છે રાવજીના બાપુ. ઊંડે ઊંડે જાણે કોઈ રડતું હોય તેવું લાગે છે. ભારે ઘૂઘવતો સાગર દેખાય છે. તમે મારો હાથ જોરથી પકડી લો. મારો હાથ ક્યારેય છોડતા નહીં."
"મેનાબા, તમે ખૂબ જ લાગણીશીલ છો. આ ભારે ઘૂઘવતો સાગર ..તમારા હૃદયમાં ઊછળે છે.. તે આનંદનો છે. તમે હવે દાદીમાં બનવાના છો ને ! તે ખુશીનો આનંદ ઘૂઘવે છે."
મેનાબા થોડીક વાર માટે ખુશ થયા. પણ ફરી દુઃખી થઈ ગયા. તેમણે ફરી રાવજીના બાપુનો હાથ પકડી લીધો." મને વચન આપો. તમે મને ક્યારેય એકલી નહીં મૂકો. મારો હાથ ક્યારેય નહીં છોડો."
"નહીં છોડું.આ હાથ જન્મો જન્મ સુધી નહીં છોડું. મેનાબા આ મારું વચન છે. બસ હવે સૂઈ જાવ."
સવાર થઈ. પ્રકૃતિ જાણે આ પરિપક્વ પ્રેમ પર ખુશ થઈ ગઈ હોય તેમ ઠંડી ઠંડી ખુશનુમા હવા ચાલી રહી હતી. સૂર્ય પોતાના સોનેરી કિરણો લઈને આખા જગતને પ્રકાશિત કરી રહ્યો હતો. પણ ત્યાં જ કાળુ કાળુ દેખાતું વાદળ આવી ગયું.
રાવજીના બાપુના હૃદયમાં ધ્રાસકો પડ્યો." આ ટાણે કાળું વાદળ ક્યાંથી ?"
પોતાના મનનો અજંપો છૂપાવી, તેમણે ઝડપથી શિરામણ કરી, ખેતરમાં જઈ બાજરીના પાકને લહેરાતું જોયું.
"રાવજી જલ્દી આવે તો સારું. આજે કોઈ પણ હિસાબે લણણી કરી લઈએ."સ્વગત બોલતા બોલતા તેમણે પોતે એકલાએ જ કામ ચાલુ કરી દીધું.
આકાશમાં કાળું વાદળ પોતાનો વિસ્તાર વધારતો હતો, તેમ તેમ રાવજીના બાપુના હૃદયના ધબકારા તેજ થતા હતા.
તેમને પણ કંઈક અમંગળ થવાના અણસાર આવી ગયા.
તેમણે મેનાબાને બૂમ પાડી કહ્યું ,"તું જલ્દી ગામના ઘરે જતી રહે."
"સારુ. કામ પતાવીને જાઉં છું.પણ હમણાં રાવજી આવશે તો રોટલા તો બનાવવા પડશે ને !"
"મેનાબા મારું હૃદય કહે છે કે હવે સમય વધુ નથી, તમે જલ્દીથી અહીં નીકળી જાવ."
"શું થયું છે રાવજીના બાપુ ? હજી ગઈ કાલે તમે મારી ખુશામત કરતાં થાકતા ન હતા. અને આજે ? આજે મને એકલી મોકલવાની વાત કરો છો ? ગઈકાલે રાત્રે વચન આપ્યું છે. તમે મારો હાથ ક્યારેય નહીં છોડો. તો હવે મને એકલી શું કામ મોકલો છો ?"
"મેનાબા આ કાળું વાદળ જુઓ. કંઈક અશુભ સંકેત લઈને આપણા તરફ આવી રહ્યું છે."
હજી વધુ બોલવા જાય,ત્યાં તો વરસાદ ચાલુ થઈ ગયો. ધોધમાર વરસાદ પડવા માંડ્યો.
"મેનાબા ! આપણી બાજરી, તમારા સોનાના કડલા, આપણા મીઠા સ્વપ્ના.. બધુ જ વહી જશે કે શું ?"
"ભગવાન પર ભરોસો રાખો રાવજીના બાપુ."કહી મેનાબાએ રાવજીના બાપુનો હાથ પકડી લીધો.
ધોધમાર વરસાદ વરસતો રહ્યો. ખેતરની આસપાસના શેઢામાં પાણી આવી ગયું. થોડા કલાકોમાં તો પાણીનો સાગર ઉછળવા માંડ્યો.
ગામથી દૂર આવેલા આ ખેતરમાં તેમને મદદ કરવા પણ કોઈ કઈ રીતે આવી શકે ? કારણ કે ગામ અને ખેતર વચ્ચેથી નદી પસાર થતી હતી અને તેમાં પાણી પૂરજોશમાં વહી રહ્યું હતું.
નદી-નાળા છલકાઈ ગયા સાથે ખેતરો પણ પાણીથી છલકાઈ ગયા. લહેરાતા પાક પાણીમાં વહી ગયા. એક નાની ટેકરી પર મેનાબા અને રાવજીના બાપુ એક વૃક્ષ નીચે ઊભાં રહ્યા. પોતાની આંખે, પોતાના ખેતર અને પોતાના ઝૂપડાને,પોતાના સ્વપ્નને નાશ પામતું જોઈ રહ્યા.
આસપાસ, ઉપર, નીચે બધે જ પાણી પાણી.
મેનાબા અને રાવજીના બાપુ જે વૃક્ષની નીચે ઊભા હતા. ત્યાં પણ આસપાસ બધે જ પાણી હતું. ઘુઘવતું,હિલોળા લેતું પાણી ! આકાશમાંથી વિનાશ બનીને આવતું પાણી !
શું થશે હવે ? પાણી ઉતરી જશે કે પછી હજી વધશે ? આકાશમાંથી વર્ષા બંધ થશે તો કંઈક જીવન જીવવાની આશા રહેશે. નહીં તો.. !
નહીં તો ? રાવજીના બાપુ અને મેનાબા હજી એકબીજાનો હાથ પકડીને ઊભા રહ્યા છે. દરેક ઝંઝાવાતો સામે, દરેક મુશ્કેલીનો સામનો કરવા અડગ ઊભા રહ્યા છે. સાથે જીવન મરણના કોલ દઈ એકમેકને સહારે ઊભા છે.
