મદારી
મદારી
જાદુ આ શબ્દ આપણાં જીવનમાં ખૂબ જ નજીક અને નાનપણથી જોડાયેલો છે, એમાં પણ જે પેઢીએ શેરી અને ગલીઓમાં જાદુના ખેલ કરવાં માટે આવતાં "જાદુગરો" કે "મદારીઓ" નાં અવનવા અને નવતર જાદુનાં પ્રયોગો નિહાળેલ છે, એ પેઢી ખરેખર નસીબદાર છે. બાકી આજની પેઢી માટે તો કદાચ "મદારી" શબ્દ પણ કોઈ અજાણી અને અઘરી ભાષાનો શબ્દ હોય તેવો ક્યારેક આભાસ થાય છે.
એકદમ ધ્યાનપૂર્વક અને ચિવટપૂર્વક નાના બાળકો મદારીનાં અવનવા જાદુનાં પ્રયોગો એકચિત થઈને જોતા હોય છે, એમાં પણ તેનાં દ્વારા બતાવવામાં આવતો "દેરાણી - જેઠાણી" નો જાદુ તો એ સમયે ચોક્કસ વિસ્મયતા કે આશ્ચર્યમાં ગરકાવ કરી દેનાર હતાં.
માધવ એ ચાર વર્ષનો બાળક હતો, તેનું અત્યાર સુધીનું બાળપણ ગામડામાં વીત્યું હોવાથી તેનો શહેરમાં ઉછેરી રહેલાં બાળકોની સરખામણીમાં માનસિક, શારીરિક અને સામજિક અને ધાર્મિક રીતે સારો એવો વિકાસ થયેલો હતો.
ટૂંકમાં કહી શકાય કે માધવે તેનું અત્યાર સુધીનું બાળપણ સાચા અર્થમાં જ વિતાવેલ અને માણેલ હતું. જયારે આજનાં સમયમાં વિકસેલા શહેરોમાં નાના બાળકોનો વિકાસ કદાચ મા બાપ વગર શક્ય છે, પરંતુ મોબાઈલ વગર શક્ય જ ના હોય તેવું આભાસ થાય છે.
સ્થળ : ગામડાની પાદરે આવેલ મંદિર.
સમય : બપોરનાં બે કલાક.
ગામ આખામાં રહેલાં નાના બાળકોમાં આનંદનું જાણે એક મોજું ફરી વળ્યું હોય તેવું લાગી રહ્યું હતું. ગામની દરેક શેરીઓમાં નાના બાળકો "મદારી આવ્યો...મદારી આવ્યો…!" એવી બૂમો પાડીને જાણે મદારીનાં જાદૂનો કોઈ મોટા બ્રાન્ડ એમ્બેસેડરની જેમ પ્રચાર કરી રહ્યાં હતાં. બધાં બાળકો ખુશ થતાં થતાં શેરીઓમાં દોડાદોડી કરી રહ્યાં હતાં. થોડી જ વારમાં જાણે બાળકોના ખિલખિલાટથી ગુંજી ઉઠેલ એ શેરીઓમાં જાણે સરકારે "કરફ્યુ" જાહેર કરેલ હોય તેવી નીરવ શાંતિ છવાય જાય છે. જ્યારે આ બાજુ જોત જોતામાં ગામનાં પાદરે બાળકોનું વિશાળ ટોળું મદારીને જાણે કોઈ દુશ્મન દેશનાં સૈનિકને ચારેબાજુએથી ઘેરી લેવામાં આવે તેમ પેલાં મદારીને ચારે બાજુએથી ઘેરી લીધેલ હતો.
બધાં બાળકો આતુરતાપૂર્વક મદારી ક્યારે તેનું પોટલું ખોલીને જાદુનાં ખેલ બતાવવાનું શરૂ કરે તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતાં. બરાબર એ જ સમયે માધવ ધૂળની ડમરીઓ ઉડાવતાં ઉડાવતાં દોડીને ત્યાં આવી પહોંચે છે. માધવને આવી રીતે ત્યાં આવતો જોઈને કાનો જ્યાં બેસેલ હતો ત્યાં માધવ માટે જગ્યા કરે છે. કાનાને પોતાની માટે આવી રીતે જગ્યા રાખતાં જોઈને માધવ પોતાની જાત પ્રત્યે ગર્વ અનુભવી રહ્યો હતો, હાલ જાણે પોતે કોઈ રાજા મહારાજા કે આ પ્રોગ્રામનાં "મુખ્ય મહેમાન" હોય તેવી લાગણીઓ થઈ આવી રહી હતી.
"માધવ ! તું તો ના પાડી રહ્યો હતો ને આવવાની ?" કાનો માધવને પોતાની પાસે બેસાડતાં બેસાડતાં પૂછે છે.
"હું નહોતો જ અવાવનો…મારા મમ્મી પપ્પા પણ મને આવવાની ના પાડી રહ્યાં હતાં." માધવ મોડા અવવાવાનું કારણ જણાવતાં પૂછે છે.
"તો પછી કેવી રીતે તું આવ્યો…?" કાનો માધવને અચરજ પામતાં પૂછે છે.
"એ તો મારા મમ્મી પપ્પા સુઈ ગયાં, એટલે હું તેઓને ખ્યાલ ના આવે તેવી રીતે એકદમ હળવેકથી અવાજ કર્યા વગર દરવાજો ખોલીને ચૂપચાપ નીકળી ગયો." માધવ કાનાએ પૂછેલાં પ્રશ્નનો ઉત્તર આપતાં જણાવે છે.
"સારું કર્યું...હવે મદારીનાં જાદુનાં ખેલ જોવાની મને પણ મજા આવશે..!" કાનો માધવની સામે જોઈ આનંદ સાથે જણાવે છે.
બરાબર એ જ સમયે….
"તો ચલો બચ્ચો આપ લોગ તૈયાર હો..જાદુ કા ખેલ દેખને..?" મદારી બધાં બાળકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરતાં કરતાં બોલે છે.
"હા….હા…!" બધાં જ બાળકો હર્ષોલ્લાસ સાથે મદારીએ પૂછેલાં પ્રશ્નનો ઉત્તર આપતાં જણાવે છે.
"તો ચલો શરૂ કરતે હે જાદુ કા ખેલ..!" મદારી પોતાનાં થેલામાં હાથ નાખતાં નાખતાં બોલે છે.
મદારી આટલું બોલ્યો એ સાથે જ ત્યાં એકદમ શાંતિ પ્રસરી ગઈ, બધાં જ બાળકો કુતૂહલતા અને જિજ્ઞાસં સાથે મદારી તરફ મીટ માંડીને આતુરતાવશ થઈને એકીટશે જોઈ રહ્યાં હતાં.
ત્યારબાદ મદારી તે બાળકોને એક પછી એક જાદુનાં ખેલ જેવા કે "કાગળમાંથી રૂપિયા બનાવવા" "દેરાણી જેઠાણીનો જાદુઈ ખેલ" "હાથમાંથી રૂપિયો ગાયબ" "મોઢામાંથી એક પછી એક રૂપિયાનાં સિક્કા બહાર કાઢવા" "ખાલી થેલામાંથી કબૂતર કાઢવું" "ઠંડપીણાની બોટલમાંથી ફૂલદાની બનાવવી" બતાવી રહ્યાં હતાં, આ જોઈ બધાં જ બાળકો ખૂબ જ ખુશ થઈ ગયાં, અને મદારીનાં આ જાદુને તાળીઓનાં ગળગળાટ સાથે વધાવી રહ્યાં હતાં, એમાં પણ તેનાં દ્વારા વગાડવામાં આવતું ડમરુ આ જાદુનાં ખેલમાં જાણે એક અલગ જ પ્રકારનું "સસ્પેન્સ" કે "થ્રિલ" ઉમેરી રહ્યાં હોય તેવો અહેસાસ થઈ રહ્યો હતો.
"તો બચ્ચો ! આજ મે આપ કો ભોલેનાથ બાબા કે "કોબ્રા" સાપ કે દર્શન કરવાતા હું…કોને કોને ભોળાનાથના સાપનાં દર્શન કરવાં છે ?" પોતાની પાસે રહેલ જોળીમાંથી પાવો કે જેને બીમ કે પુંગી તરીકે પણ ઓળખવામાં આવે છે એ બહાર કાઢે છે.
"મારે...મારે...અમારે…" બધાં બાળકો ખુશ થતાં થતાં મદારીને સામે જોઈને ચીસાચીસ કરી મૂકે છે.
"બચ્ચો ! આ નાગ દેવતાને મરાય નહીં...તે ભગવાન ભોળાનાં ગળાની શોભમાં વધારો કરનાર છે, આને હેરાન કરાય નહીં...આ જોવા મળે તો બે હાથ જોડીને નમન કરવું...એ આપમેળે જ ત્યાંથી નીકળી જશે… તેને નમન કરી દૂધ ધરવું… તેની ફેણ પર કાળા રંગનું ત્રિશુલ દોરાયેલ હોય છે." પેલો મદારી સાપ રાખેલ ટોપલી પોતાનાં હાથમાં રાખી ઊંચી કરી બાળકોને નાગની ઓળખાણ આપતાં જણાવે છે.
"શું...શું…?" મદારી સાપની ટોપલી પાસે પોતાનો કાન નજીક લાવતાં બોલે છે.
"તો બચ્ચો...તમને આ મદારી નાગ દેવતાનાં દર્શન કરાવશે તો તમે તેનાં બદલામાં કોઈ બક્ષિસ નહીં આપો…? એવું આ નાગ દેવતા પૂછે છે. માટે જલ્દી જલ્દી તમારા ઘરે જઈને આ મદારી માટે કોઈ બક્ષિસ લઈ આવો, ત્યારબાદ આપણે આ નાગદેવતાનાં દર્શન કરીશું." મદારી બધાં બાળકોની સામે જોઈને જણાવતાં બોલે છે.
આથી બધાં જ બાળકોના મનમાં નાગદેવતાનાં દર્શન કરવાની તીવ્ર ઈચ્છા હોવાને લીધે, પોત પોતાનાં ઘર તરફ દોટ મૂકે છે, આ સાથે જ ચિંતાઓ માધવને ચારેબાજુએથી ઘેરી લે છે. ચિંતાઓ માધવનાં ચહેરા પર ઊપસી આવેલ હતી.
"માધવ ! શું થયું…? શું વિચારે છો ?" કાનો માધવની સામે જોઈને પૂછે છે.
"મદારીને હું શું બક્ષિસ આપીશ..? જો હું બક્ષિસ લેવાં માટે મારા ઘરે જઈશ તો મારા મમ્મી પપ્પા કદાચ મને પાછો નહીં આવવા દેશે…જેથી મારે નાગદેવતાનાં દર્શન કરવાનું બાકી રહી ગયું છે. જ્યારે હું કોઈપણ સંજોગોમાં આ નાગદેવતાનાં દર્શન કરવાં માંગુ છું." પોતાની ઈચ્છા વ્યક્ત કરતાં માધવ કાનાને જણાવે છે.
"એવું છે ? તું ચિંતા ના કર હું મારા ઘરેથી એક લોટ વાટકી ભરી આવું એ તું મદારીને આપી દે જે..!" માધવની મૂંઝવણનું સમાધાન લાવતાં ઉપાય જણાવતાં કાનો માધવને જણાવે છે.
"તારા ઘરેથી લોટ લાવીશ તો પછી તું આ મદારીને શું બક્ષિસ આપીશ..?" માધવ હેરાની સાથે કાનાની સામે જોઈને પૂછે છે.
"એ તું ચિંતા ના કરીશ.. મારા પપ્પાએ આજે મને બે રૂપિયા વાપરવા માટે આપેલાં હતાં, હું એ બે રૂપિયા મદારીને આપીશ એટલે આપણાં બંનેનું ગોઠવાય જશે." કાનો પોતાનાં હાથમાં રહેલ બે રૂપિયાનો સિક્કો માધવને બતાવતાં જણાવે છે.
આ જોઈ માધવની આંખોમાં ખુશીઓના આંસુ આવી જાય છે, અને પોતાને કાના જેવો મિત્ર આપવાં બદલ ઈશ્વરનો બે હાથ જોડીને આભાર વ્યક્ત કરે છે. અને કાનાને ભેટી પડે છે. એકબાજુ મદારીએ સ્વાર્થ માટે સાપ સાથે કરેલ દોસ્તીને, બીજી તરફ "માધવ અને કાનાની" એકદમ નિસ્વાર્થ દોસ્તી" ઝાખી પાડી રહી હતી.
થોડીવારમાં બધાં બાળકો મદારી માટે કંઈને કંઈ જેમકે "લોટ" "અનાજ" "દાળ" "રોટલી - શાક" "રૂપિયા કે બે રૂપિયાનાં સિક્કાઓ" હોંશે હોંશે લઈને મદારી જ્યાં બેસેલ હતો ત્યાં આવી પહોંચે છે. પોતે જાણે દાનવીર કર્ણ હોય તેવી લાગણી સાથે બધાં જ બાળકો પેલાં મદારીને બક્ષિસ આપે છે.
ત્યારબાદ મદારી ફરી પાછો પોતાનો ખેલ શરૂ કરે છે, અને અંતે બધાં બાળકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં, તે નાગદેવતાનાં દર્શન કરાવે છે, અને સાથે સાથે મોરલી વગાડી નાગદેવતાને નૃત્ય કરાવી છંછેડે છે. આ જોઈ બધાં જ બાળકો ડરીને નાગદેવતા સામે બે હાથ જોડીને નમન કરે છે. અંતે મદારી પોતાનો ખેલ પૂરો કરીને થેલા પોતાનાં ખભે લટકાવીને ગામની બહાર જતાં રસ્તે ચાલવા માંડે છે, જ્યારે આ બાજુ બધાં બાળકો પણ મદારી દેખાતો બંધ ના થયો ત્યાં સુધી એ રસ્તે પોતાની નજર માંડીને ઊભા રહ્યાં હતાં.
આમ મદારીનાં જાદુનાં ખેલ મનોરંજન સાથે સાથે જીવનના પણ મોટા મોટા બોધપાઠ નાના બાળકોને એકદમ સાદી અને સરળ ભાષામાં આપતા હતાં, જે આજની પેઢી માટે કદાચ ભૂતકાળ જ બનીને રહી ગયો છે.
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો વિશાળ અને વૈભવશાળી છે એવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી, પરંતુ આપણાં એ જ ભવ્ય સાંસ્કૃતિક વારસામાંથી અમુક કળાઓ જો મૃતપ્રાય બની ગઈ હોય તો તેની પાછળનું એક કારણ આપણે પણ ચોક્કસ છીએ જ, કારણ કે આપણે ગુજરાતના એ ભવ્ય સાંસ્કૃતિક વારસાને જાળવવામાં ક્યાંક ચોક્કસપણે નિષ્ફળ ગયાં જ છીએ...બાકી એક સમય હતો કે આપણાં બાપ દાદાનાં સમયમાં ગામડામાં "રામલીલા" "ભવાઈ" "રામામંડળ" "મદારીઓના ખેલ" "કટપૂતળીના ખેલ" "નાટકો" "નટ્ટ બજાણીયાઓનાં ખેલ" આ બધું એક સમયે ગુજરાતનાં ભવ્ય અને વૈભવી ગુજરાતનાં સાંસ્કૃતિક વારસાનો જ એક ભાગ હતાં, અને અફસોસ સાથે કહેવું પડે છે કે હાલ આ બધી કળાઓ કાં તો મૃતપ્રાય બની ચૂકેલ છે કાં તો છેલ્લો શ્વાસ લઈ રહી છે. જો આપણે આવનાર પેઢીને આપણા આવા ભવ્ય વારસાનાં દર્શન ના કરાવી શકીએ તો કાંઈ નહીં પરંતુ તેઓને આ બધી જાણીતી કળાઓ વિશે તો એકવાર ચોક્કસ અવગત કરવાં જ જોઈએ.
